Nov 2, 2020

ભાગવત રહસ્ય -૪૩૪

પહેલવાન ચાણુર આવેશમાં બોલવા લાગ્યો એટલે કનૈયાને પણ આવેશ આવ્યો છે.
શ્રીકૃષ્ણે કહ્યું કે મારો હાથ છોડી દે,હાથ પકડવાની શી જરૂર છે?મારી માએ મને બહુ માખણ ખવડાવ્યું છે.મારી માએ મને બળવાન કરી ને મોકલ્યો છે,તારી ઈચ્છા જ છે તો હું લડવા તૈયાર છું-એમ કહી અખાડામાં કુદી પડ્યા છે.ચાણુર સાથે શ્રીકૃષ્ણની અને મુષ્ટિક સાથે બલરામની કુસ્તી થાય છે.કંસના સેવકો કંસના કહેવા મુજબ મલ્લોને શૂરાતન ચઢાવવા નગારાં વગાડે છે.

આ કથા પાછળ નું રહસ્ય એ છે કે-સંસાર એ અખાડો છે,ચાણુર એ કામ અને મુષ્ટિક એ ક્રોધ –એ મોટા
પહેલવાનો છે.અનાદિ કાળથી તે જીવને મારતા આવ્યા છે. તેમની સામે ગાફેલ રહ્યા વગર સાવધાનીથી
તેમની સામે કુસ્તી કરી તેમનો વિનાશ કરવાનો છે.

નંદબાબા બહુ ગભરાયા છે.ક્યાં મારો નાનો કનૈયો અને ક્યાં આ મોટા પહેલવાન મલ્લો?
આ પહેલવાનો હજાર હાથીનું બળ ધરાવે છે.મારો કનૈયો કોમળ છે તેને આ મલ્લો મારશે.
નંદબાબા સભામાં ઉભા થાય છે અને કહે છે કે-આ અધર્મનું યુદ્ધ થાય છે.
કંસે કહ્યું –બેસી જાવ,હું ધર્મમાં માનતો નથી, જે થાય છે તે યોગ્ય જ થાય છે.

શ્રીકૃષ્ણ પરમાત્મા છે પણ નંદજીના બાળક છે,નંદજીનો વાત્સલ્યભાવ છે.નંદબાબા અતિ વ્યાકુળ થયા છે.
નંદબાબાએ આંખો બંધ કરીને પોતે જેની રોજ પૂજા કરતા હતા,તે નંદેશ્વર મહાદેવની બાધા રાખી છે.
“હે નંદેશ્વર,મારા કનૈયાનું રક્ષણ કરો.ઘેર આવી તમને ૧૧ મણ લાડુ ધરાવીશ.”
પછી યાદ આવ્યું કે કુસ્તીના દેવ તો હનુમાનજી છે.હનુમાનજીની કૃપા થાય તો અખાડામાં જીત થાય છે.
“હે હનુમાનજી,મારા કનૈયા નું રક્ષણ કરો,હું તમને પણ ૧૧ મણ ના બેસનના લાડુ ધરાવીશ”

કનૈયાએ જોયું કે- નંદબાબા બહુ ગભરાયા છે,બાધાઓ રાખે છે મારે કામ જલ્દી પતાવવું જોઈએ.
તેમણે ચાણુરને જોર થી ધક્કો માર્યો,ચાણુરને ખાતરી થઈ ગઈ કે -આ કોઈ સામાન્ય બાળક નથી.પણ મારો કાળ છે.હવે નાસી જઈશ તો કંસ મને મારી નાખશે તેના કરતાં તો કૃષ્ણના હાથે મરવું સારું,મુક્તિ મળશે.
કૃષ્ણે તેના બે કાંડાને પકડ્યા છે અને ગોળ ગોળ ફેરવીને પછાડ્યો,ને ચાણુર મરણને શરણ થયો.

પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ચાણુર (કામ) ને મારે છે અને શબ્દબ્રહ્મ બલરામ મુષ્ટિક (ક્રોધ) ને મારે છે.
કંસ ક્રોધમાં આવ્યો છે અને ગાળો આપે છે.હવે તે ગભરાણો છે,મારો કાળ માથે આવ્યો છે,
ગભરાટમાં માથાનો મુગટ નીચે પડી ગયો.શ્રીકૃષ્ણે આવી તેના માથાના વાળ પકડ્યા છે,અને
કંસને કહે છે-મામા તમને યાદ છે કે મારી મા નો તમે ચોટલો પકડેલો.હું દેવકીનો આઠમો બાળક છું,
તમને મારવા આવ્યો છું,
શ્રીકૃષ્ણે કંસના વાળ પકડી ને ગોળ ફેરવી રંગભૂમિ પર પછાડ્યો,અને કંસના પ્રાણ નીકળી ગયા.

બધા બાળકો “કનૈયાલાલકી જય” બોલવા લાગ્યા.
કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો,કંસ મર્યો એટલે બધાને બહુ આનંદ થયો.ફક્ત કંસની રાણીઓને બહુ દુઃખ થયું.કનૈયો મામી પાસે ગયો,કનૈયાને તો નાટક કરતાં પણ આવડે.(એ તો નટવર છે)
મામીઓ સાથે તેણે પણ પોક મૂકી,મારા મામા રે.....
મામીઓને શ્રીકૃષ્ણ સમજાવે છે કે-મામી હું તો અગિયાર વર્ષે મામાને મળવા આવ્યો પણ...

મામીઓ કહે છે કે-કનૈયા તું રડીશ નહિ,તેમણે બહુ પાપો કર્યા છે તેની સજા તેમને મળી છે.તું નિર્દોષ છે.
ભાગવતમાં કંસ ની રાણીઓ ન્યાય આપે છે.શ્રીકૃષ્ણ નિર્દોષ છે તે કોઈને મારતા નથી,તારે છે.
રામાયણમાં મંદોદરી એ ન્યાય આપ્યો છે-કે રાવણને રામે માર્યો નથી,તેના પાપે તે મર્યો છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE