More Labels

Oct 7, 2013

ભાગવત રહસ્ય -૪૩૬

હવે નંદજી ની વિદાઈ નો પ્રસંગ આવે છે.
આ પ્રસંગ ભાગવત માં તો એક-બે શ્લોક માં કહ્યો છે,પણ અન્ય ગ્રંથો માં તેનો વિસ્તાર કર્યો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦  (પૂર્વાર્ધ)-૧૫૯

નંદબાબા નો મુકામ મથુરાની બહાર બગીચામાં જ હતો. શ્રીકૃષ્ણ-બળરામ ને રાજમહેલ માં લઇ ગયા છે.
નંદજી ને ગર્ગાચાર્ય કહેવા આવ્યા છે કે-શ્રીકૃષ્ણ વસુદેવ નો આઠમો પુત્ર છે.તમારે ત્યાં કન્યા થઇ હતી.શ્રીકૃષ્ણ હવે ગોકુળ નહિ આવે પણ મથુરામાં જ રહેશે.

શ્રીકૃષ્ણ મારો પુત્ર નથી,એવું સાંભળતાં જ નંદબાબા ને મૂર્છા આવી છે,ખબર પડતાં શ્રી કૃષ્ણ દોડતા આવ્યા છે.અને આવી ને નંદબાબા ને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.નંદબાબા જાગ્યા છે અને કનૈયા ને છાતી સરસો ચાંપ્યો છે. શ્રીકૃષ્ણ કહે છે કે-બાબા,બાબા, અમે યુદ્ધ કરતા હતા ત્યારે અમને હનુમાનજી દેખાયેલા.
નંદબાબાએ માન્યું કે-મે હનુમાનજી ની બાધા રાખી હતી એટલે હનુમાનજીએ કનૈયા નું રક્ષણ કર્યું,
બાકી આ મોટા મલ્લો ને કોણ મારી શકે ?
નંદબાબા ભોળા છે અને કનૈયાએ નંદબાબા ની ભાવના કાયમ રાખી છે.

કૃષ્ણ કહે છે-કે-બાબા હું તમારો જ છું,લોકો બોલે તે સાંભળશો નહિ,કોઈનો હાથ પકડી શકાય ,જીભ નહિ.
લોકો ભલે ગમે તે કહે પણ બાબા,તમે જ મારા પિતા છો,ને યશોદા મારી મા છે.બાબા તમારા આશીર્વાદથી,
મે કંસ ને માર્યો એટલે કંસ ના મિત્રો,જરાસંઘ,દંતવક્ત્ર વગેરે મારી સાથે વેર રાખવા લાગ્યા છે,
બાબા,હું અત્યારે તમારી સાથે ગોકુળ આવું તો,તે રાજાઓ ત્યાં લડવા આવશે,વ્રજભૂમિ એ પ્રેમભૂમિ છે.
વ્રજવાસીઓ હાથમાં શસ્ત્ર લેશે નહિ,અને મારે લીધે તે બધા દુઃખી થશે.

એટલે થોડો સમય હું મથુરામાં રહીશ,બાબા,તમે હાલમાં કોઈ ને કહેશો નહિ કે હું તમારો પુત્ર છું,કારણ
તમે જો તેમ  કહેશો તો રાજાઓ તમારા સાથે વેર કરશે,મારા કારણ થી વ્રજવાસીઓ દુઃખી ન થાય,અને તેઓ આનંદ માં રહે એટલા માટે મેં ના છુટકે આવી ખોટી જાહેરાત કરી છે,કે હું વસુદેવ નો પુત્ર છું.
બાબા,તમારા ઉપકાર નો બદલો હું કદી ભૂલીશ નહિ.

તમારા આશીર્વાદ થી હું ,લોકો ને બહુ ત્રાસ આપતા, દુષ્ટ રાજાઓ ને હું મારીશ. સમાજ ને સુખી કર્યા પછી હું
ગોકુળ માં આવીશ,બાબા,,હું શું કરું? હું અહીં આવી ને ફસાયો છું.બાબા, તમે ગોકુળ જાવ,મારી ગાયો ને સાચવજો,અને મા ને કહેજો કે કનૈયો જરૂર આવશે.

કનૈયો અનેક પ્રકારે બાબા ને સમજાવે છે,છતાં બાબા ની વ્યાકુળતા ઓછી થતી નથી.રડતાં,રડતાં,
બાબા કહે છે કે-લાલા, તું નહિ આવે તો તારી મા મને ઠપકો આપશે કે-મારા લાલાને તમે કેમ મૂકી આવ્યા?
બેટા,મને વધારે આગ્રહ કરતાં આવડતું નથી,પ્રેમ માં દુરાગ્રહ શોભે નહિ,તારું સુખ એ મારું સુખ છે,
મારો કનૈયો સુખી રહે તેવી પ્રાર્થના હું રોજ નારાયણ ને કરીશ.તને યાદ કરી ને અમે રડીશું,
તે રડવામાં અમને શાંતિ મળશે,અમે તારા આધારે જીવીએ છીએ,એટલે વ્રજ માં જરૂર આવજે.

લાલા એ ગ્વાલ-બાળમિત્રો નું સન્માન કર્યું છે,મિત્રો કહે છે કે –લાલા તું નિષ્ઠુર થયો છે.
કનૈયો કહે છે કે-નિષ્ઠુર થયા વિના આગળ ની લીલા થઇ શકે તેમ નથી,તમે મારા માતા-પિતા નું ધ્યાન રાખજો. નંદબાબા ના ચરણ માં ફરી વંદન કરી તેમને ગાડા માં બેસાડ્યા છે.
વ્રજવાસીઓ નો પ્રેમ જોઈને મથુરાના યાદવો ને આશ્ચર્ય થયું છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE