Oct 1, 2013

Sat-Sloki-Gujarati-14

શત-શ્લોકી-14-(આદિ) શંકરાચાર્ય રચિત

 જેમ કોઈ કારીગર (કઠપુતળી વાળો) એક જ લાકડી પર તાર થી બાંધેલી જુદી જુદી પૂતળીઓ ના જુદા જુદા હાવ-ભાવ,વ્યવહાર  એક સાથે કરી બતાવે છે,વળી બીજો કારીગર તેની સાથે જુદા જુદા અવાજો અને સંગીત થી પ્રસંગ ને જીવિત કરી બતાવે છે,
તેમ,સર્વ સ્થળે ઓતપ્રોત (પરોવાઈ ને) રહેલા,અને જુદી જુદી અને નવી નવી શક્તિઓ દ્વારા,જગત ના જે વ્યવહારો માં જેટલી જરૂર હોય તે પ્રમાણે
“કારણ” તરીકે અનુસરતા “સૂત્રાત્મા” નામના “પર-બ્રહ્મ” ને લીધે જ -
“ભૂર(લોક)-ભુવઃ(લોક)-સ્વઃ(લોક)  અને મહર્લોક” સુધી નું સર્વ જગત વ્યવહાર કરી રહ્યું છે. (૫૫)

જે પ્રાણ,દિશા,આકાશ -વગેરે નાશ પામતા નથી,તેથી તે સત્ય કહેવાય છે,પણ,
ખરી રીતે તો એ બધાં “સત્ય-દ્રવ્યો” તેમના અધિષ્ઠાન “બ્રહ્મ” માં જ લય પામે છે,
તેથી (આ કારણથી) તે “બ્રહ્મ” સત્ય નું પણ સત્ય કહેવાય છે.
તે (બ્રહ્મ) ના જેવી કે તેનાથી અધિક બીજી કોઈ વસ્તુ છે જ નહિ.
“સત્” એટલે કે પૃથ્વી,જળ અને તેજ -જેવા મૂર્ત દ્રવ્યો (દેખી શકાય તેવા દ્રવ્યો) અને
“ત્યત” એટલે કે વાયુ ને આકાશ-જેવા અમૂર્ત દ્રવ્યો (દેખી ના શકાય તેવા દ્રવ્યો)-જોકે
વ્યવહારમાં સત્ય કહેવાય છે,પણ તે બધાં બ્રહ્મ માં જ લીન થાય છે.(તે બ્રહ્મ માં આરોપણ કરાયેલા છે)
માટે બ્રહ્મ જ સત્ય નું પણ સત્ય છે.(૫૬)

જેમ છીપ માં રૂપું,દોરીમાં સાપ અને સુર્યના કિરણો થી બનતું ઝાંઝવાનું જળ-વગેરે જેવા
અસત્ય પદાર્થો, વ્યવહારમાં ભ્રાંતિથી (ભ્રમથી) સત્ય જણાય છે,
આવા તે બધા કેવળ વ્યવહાર માં જ સત્ય ગણાતાં (રૂપું,દોરી,મૃગજળ) એ
છીપ ,દોરી,કિરણો વગેરે ના આશ્રય થી જ જણાય છે.
અને જ્યાં સુધી છીપ-વગેરે નું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી જ જણાય છે.આવો લોક પ્રસિદ્ધ નિયમ છે.

તે જ પ્રમાણે,બધું મિથ્યા જગત, એ સત્ય ના સત્ય (અને મૂળ-અધિષ્ઠાન રૂપ) બ્રહ્મ ના આશ્રય થી જ
પ્રગટ્યું છે,અને જયારે બ્રહ્મનું જ્ઞાન થાય છે,ત્યારે તે (જગત) મિથ્યા જણાય છે.
આથી,તે બ્રહ્મ ને જ્ઞાનીઓ સત્ય કહે છે. (૫૭)

જે (બ્રહ્મ)માં આકાશ નો અવકાશ (પોલાણ) માત્ર એક અંશ-રૂપ જણાય છે,
પૂર્ણ કાળ (સમય) પણ આંખના માત્ર- એક પલકારા જેટલો જ જણાય છે,
દિશાઓ નો છેડો,પણ જેને (બ્રહ્મને) વિષે (જેનાથી) જણાય છે,
સૌથી પહેલા નો વિરાટ પુરુષ પણ જે (બ્રહ્મમાં) જાણે આજકાલ પ્રગટ્યા હોય તેવા (અર્વાચીન) લાગે છે,
અને સૂત્રાત્મા હિરણ્ય-ગર્ભ પણ જે (બ્રહ્મ) ને વિષે (જે –બ્રહ્મ-નાથી) જ પ્રગટ્યા છે,
માટે, તે બ્રહ્મ જ -મહાન થી મહાન છે.અને,
જેમ,સમુદ્ર જોકે સંપૂર્ણ ગણાય છે,પણ ખરી રીતે તો પ્રલયકાળે સર્વ એકઠું થયેલું સર્વ સમુદ્રો નું પાણી જ
વ્યવહાર માં પૂર્ણ ગણાય છે,તેમ ખરી રીતે બ્રહ્મ જ સર્વ પૂર્ણ થી પૂર્ણ છે. (૫૮)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE