Oct 1, 2013

Sat-Sloki-Gujarati-17









શત-શ્લોકી-17-(આદિ) શંકરાચાર્ય રચિત
(૧) સ્થૂળ-સૂક્ષ્મ પ્રપંચ (maya) નો લય,(૨) ઇન્દ્રિયો સાથેનો સંબંધ ના હોવો,અને
(૩) સત્ય સુખ ની પ્રાપ્તિ-
આ ત્રણે જીવન-મુક્તિ (સુષુપ્તિ-સમાધિ) અને સુષુપ્તિ (નિંદ્રા) માં એક સરખા હોય છે.
તો પણ તેમાં તફાવત છે.
સુષુપ્તિમાં (નિંદ્રામાં) રહેલો આત્મા પૂર્વના –એટલે કે જાગ્રત અવસ્થાના સંસ્કાર થી ફરી જાગી,
જાગ્રત અવસ્થામાં સંસારમાં પાછો આવે છે,
પણ જે આત્મા સુષુપ્તિ (સમાધિ) પામી ને જીવન-મુક્ત થયો હોય,
તેના સર્વ સંસ્કારો નાશ પામેલા હોવાથી ફરીથી સંસારમાં
આવતો નથી,એટલે કે સંસાર તેને અસર કરતો નથી.(સંસાર થી મુક્ત બને છે)  (૭૦)

સર્વ સંપત્તિ અને સમૃદ્ધિવાળો રાજા જે સર્વ આનંદો અનુભવે છે,
તે બધા આનંદો ના કરતાં સો ગણો,અને એક એવો આનંદ પિતૃદેવોનો છે,
આ પિતૃદેવોના આનંદથી સો-સો ગણો આનંદ બ્રહ્મ-લોક સુધીના દેવ-લોકો નો છે.

અને આ ઉપરનાં સર્વ આનંદો પણ જેમાં સમાઈ જાય છે,એવો જો કોઈ આનંદ હોય તો તે કેવળ
(સમાધિ દ્વારા મેલવાયેલ-પરમાનંદ) બ્રહ્માનંદ જ છે.
કે જેની આગળ વિષયનાં સર્વ સુખો,તો તેના માત્ર એક અંશ-રૂપ જ હોય છે. (૭૧)

નીચેની સ્તુતિ-રૂપ કરાયેલી વેદવાણી આવા “બ્રહ્માનંદ” ની (પરમાનંદ ની) સર્વોપરિતાની સાક્ષી છે.
“હે ચંદ્રદેવ,
જે બ્રહ્માનંદ (પરમાનંદ) માં મનુષ્ય-લોક ના,પિતૃલોકના અને દેવલોકના  આનંદો,સમાઈ જાય છે, અને
જે બ્રહ્માનંદ પ્રાપ્ત થવાથી સર્વ કામનાઓ પ્રાપ્ત થઇ જાય છે,પ્રપંચ (માયા) નો વિરામ થવાથી
કેવળ જે પરબ્રહ્મ-રૂપ ની સ્થિતિ હોય છે,તે
પરમાનંદ વ્યાપ્ત-બ્રહ્માનંદ –રૂપ પદ માં મને લાંબા કાળ સુધી અમર કરો. અને
બે ભ્રમર ની વચ્ચે (જીવાત્મા-આત્મા-રૂપે) રહેલા એ અમૃત-પૂર્ણ ની અમૃતધારા આપો” (૭૨)

આત્મા કેવળ “સ્થિર અને સુખ” -રૂપે જ પ્રકાશે છે,અને
તેનાથી જુદી જે માયા છે તે તો તેનાથી ઉલ્ટી જ સ્ફૂરે છે (માયા અસ્થિર અને દુઃખ-રૂપ છે)
આ આત્મા ની સ્થિરતા (સુખ) અને માયા ની અસ્થિરતા (દુઃખ) “મન” માં પરિણામ પામે છે.
(મન માં કોઈ વાર સ્થિરતા અને કોઈ વાર ચંચળતા જણાય છે તે આત્મા અને માયા ના ધર્મો છે)

આ રીતે મન ની ચંચળતા (માયાને લીધે ઉદભવેલી અસ્થિરતા) એ દુઃખ નું કારણ છે.
(ઈચ્છાઓ અને કામનાઓ ને લીધે) જ્યાં સુધી ઇચ્છિત પદાર્થ ની પ્રાપ્તિ ના થાય, ત્યાં સુધી
તે મન ચંચળ રહે છે,અને પછી જયારે ઈચ્છિત પદાર્થ મળે છે,ત્યારે
આશ્ચર્ય ની વાત એ છે –મનમાં જ્યાં સુધી થોડો સમય સ્થિરતા રહે છે ત્યાં સુધી જ
તે વિષય નું ક્ષણિક સુખ ટકે છે, (અને બીજી કામનાઓ-ઈચ્છાઓ નો ઉદ્ભવ થવાથી
સ્થિરતા જતી રહે છે અને મન ની પૂર્વવત ચંચળતા પાછી આવે છે.)
આ રીતે વિષયસુખ નાશવંત અને થોડા સમયનું જ હોવાથી તેનો કોઈ અર્થ નથી. (૭૩)

આ ક્ષણિક વિષયસુખ પણ એ બ્રહ્માનંદ નો અતિ અલ્પ (થોડો-ક્ષણિક ) અંશ છે તે સમજાવતાં કહે છે કે-
જેમ સ્ત્રી-પુરુષ ના રતિસુખ (મૈથુન) ના અંત સમયે આંખ ના પલકારા જેટલું સુખ અનુભવાય છે
કારણકે મન તે વખતે એક-રસમાં એક-તાન (સ્થિર) થયું હોય છે,(તેવી જ રીતે)
સુષુપ્તિ માં પણ જ્યાં સુધી મન ની સ્થિરતા હોય છે ત્યાં સુધી જ અતિ સુખ અનુભવાય છે,

જયારે જીવનમુક્ત નું મન સદા ને માટે અત્યંત શાંત અને સ્થિર થયેલું હોય છે,તેથી તેને ક્ષણિક સુખ નહિ,
પણ નિત્ય-સુખ  નો પરમ-આનંદ (બ્રહ્માનંદ) રહે છે,

આ ઉપરથી જણાય છે કે-સુખ અને મન ની સ્થિરતા એ બંને નું સાહચર્ય છે.
(જેટલી મન ની સ્થિરતા તેટલું જ તેની સાથે સુખ હોય છે)
અને એથી એમ કહી શકાય કે-વિષય-સુખ “ક્ષણિક” હોવાથી
નિત્ય ના બ્રહ્માનંદ નો અતિ થોડો (અલ્પ) માત્ર અંશ જ છે.  (૭૪) 

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE