Dec 18, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-15-Purushottam Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-15-પુરુષોત્તમ-યોગ
શ્રી ભગવાન કહે : આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો
કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે. જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવત્તા છે.(૧)


તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે. શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.
નીચે મનુષ્યલોકમાં  આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)


એ પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે, તેવું તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવાતું નથી.એનો અંત, આદિ તથા સ્થિતિ
પણ નથી.આવા બળવાન મૂળવાળા વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે જ છેદીને;(૩)  


ત્યાર પછી તે પરમ પદને શોધવું જોઈએ.જે પદને પામનારા ફરીને આ સંસારમાં આવતા નથી.જેમાંથી આ
સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ પ્રસરેલી છે એવા તે આદ્ય પુરુષને જ શરણે હું પ્રાપ્ત થયો છું.(૪)


અહંકાર (અમાની) તથા મોહ વિનાના સંગદોષને જીતનારા પરમાત્મસ્વરૂપનો વિચાર કરવામાં 
તત્પર,જેમની કામનાઓ શાંત પામી છે તેવા સુખદુઃખરૂપી દ્વંદોથી  
મુક્ત થયેલા વિદ્વાનો એ અવિનાશી પદને પામે છે.(૫)


તે પદને પ્રકાશિત કરવા માટે સુર્ય, ચંદ્ર કે અગ્નિ  સમર્થ નથી અને જે પદને પ્રાપ્ત થયેલા લોકો
પુનઃ પાછા આવતા નથી તે મારું પરમ પદ છે.(૬)


આ સંસારમાં મારો જ અંશ સનાતન જીવરૂપે રહેલો છે.પ્રકૃતિમાં રહેલી મન સહિત છ શ્રોતાદિક
ઈન્દ્રિયોને તે આકર્ષે છે.(૭)


વાયુ જેવી રીતે પુષ્પમાંથી સુવાસ લઇ જાય છે તેમ શરીર નો સ્વામી જીવાત્મા જે પૂર્ણ દેહ ત્યાગ
કરે છે,તેમાંથી મન સહિત ઈન્દ્રિયોને ગ્રહણકરી જે બીજો દેહ ધારણ કરે છે
તેમાં તેમને પોતાની સાથે લઇ જાય છે.(૮)


તે જીવ કાન, આંખ, ત્વચા,જીભ,નાક વગેરે ઇન્દ્રિયો તથા મનનો આશ્રય કરીને વિષયોનો
ઉપભોગ કરે છે.(૯)


બીજા દેહમાં જનારો કે દેહમાં નિવાસ કરનારો, શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરનારો અથવા સુખદુખાદિ
યુક્ત રહેનારો જે જીવ છે તેનું સત્સ્વરૂપ મૂઢજનોને દેખાતું નથી પણ જેમને જ્ઞાનચક્ષુ હોય છે તેમને જ
દેખાય છે.(૧૦)


યત્ન કરનારા યોગીઓ પોતાનામાં રહેલા જીવાત્મા ને જુવેછે અને જેઓ અશુદ્ધ અંત:કરણવાળા અને
અવિવેકી છે તેને એ જીવ નું સ્વરૂપ દેખાતું નથી.(૧૧)


સૂર્યમાં રહેલું તેજ સર્વ જગતને પ્રકાશિત કરેછે અને જે અગ્નિ તથા ચંદ્ર માં પણ રહેલું છે
તે તેજ મારું છે એમ તું સમજ (૧૨)


હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વ ભૂતોને ધારણ કરું છું તથા રસાત્મક ચંદ્ર થઈને
સર્વ ઔષધિઓને પોષું છું.(૧૩)  


હું પ્રાણીઓના દેહમાં પ્રવેશીને પ્રાણ, અપાન ઈત્યાદિ વાયુમાં મળીને જઠરાગ્નિ બની ચાર પ્રકારના
અન્ન નું પાચન કરું છું.(૧૪)


વળી હું સર્વના હદયમાં રહેલો છું. મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંનેનો અભાવ ઉત્પન્ન થાય છે.
સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું.વેદાંતનો સિદ્ધાંત કરનાર અને તેનો જ્ઞાતા પણ હું છું.(૧૫)


આ લોકમાં ક્ષર અને અક્ષર અવિનાશી બે જ પુરુષ છે. સર્વ ભૂતોને ક્ષર કહેવામાં આવે છે
અને કુટસ્થ-સર્વ ભૂતોની ઉત્પત્તિના કારણરૂપ ને અક્ષર કહેવામાં આવે છે.(૧૬)  


ઉત્તમ પુરુષ તો આ બંનેથી અલગ છે. તેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ઈશ્વરરૂપ
બની આ જગતત્રયમાં પ્રવેશી ને તેનું ધારણ-પોષણ કરે છે.(૧૭)


હું ક્ષરથી તો સર્વથા પર છું અને માયામાં સ્થિત અવિનાશી જીવાત્મા અક્ષરથી પણ ઉત્તમ છું.
તેથી લોકોમાં અને વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું.(૧૮)


હે ભારત ! જે સંમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે છે, તે સર્વજ્ઞ છે. અને તે
સર્વ ભક્તિયોગથી મને ભજે છે.(૧૯)  


હે નિષ્પાપ  ! હે ભારત  ! મેં આ પ્રમાણે તને ગુહ્ય માં ગુહ્ય શાસ્ત્ર કહ્યું છે. એને જાણીને આત્મા જ્ઞાનવાન
થાય છે અને કૃતાર્થ થાય છે.(૨૦)


અધ્યાય-૧૫-પુરુષોત્તમ-યોગ-સમાપ્ત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE