Dec 6, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-3-Karma Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-3-કર્મયોગ
અર્જુન કહે છે,
હે જનાર્દન, જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હો તો
મને આ યુદ્ધ કર્મમાં શા પ્રવૃત કરી રહ્યા છો ? (૧)


તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ રહી છે.
કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય.(૨)


શ્રી ભગવાન કહે છે,
હે નિષ્પાપ, આ જગમાં શ્રેયપ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો - જ્ઞાન યોગ અને કર્મ યોગ મેં તને બતાવ્યા.(૩)


સાંખ્યયોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે જ્યારે
યોગીઓને કર્મનો માર્ગ. નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે.  (૪)


કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી.
કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ રહી શકતો નથી.
કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણીમાત્ર કર્મ કરવા માટે પ્રવૃત થાય છે.(૫)


જે મનુષ્ય બહારથી પોતાની ઈન્દ્રિયોનો બળપૂર્વક કાબુ કરે અને
મનની અંદર વિષયોનું સેવન કરે છે તે ઢોંગી છે. (૬)


મનથી પોતાની ઈન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે તે ઉત્તમ છે. (૭)


તારે માટે જે પણ કર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર કારણ કે
કર્મ ન કરવા (કર્મનો ત્યાગ કરવા) કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે. (૮)


જો તું કર્મ નહીં કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે ? 
આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે.  
એથી હે અર્જુન, તું કર્મ કર, પરંતુ અનાસક્ત (અલિપ્ત) રહીને કર (૯).


બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે
‘યજ્ઞ (કર્મ) કરતાં રહો અને વૃદ્ધિ પામતા રહો. યજ્ઞ (કર્મ) તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો.’ (૧૦)


યજ્ઞ કરતાં તમે દેવોને પ્રસન્ન રાખો અને દેવો તમને પ્રસન્ન રાખશે.
એમ એકમેકને સંતુષ્ઠ રાખતાં તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો. (૧૧)


યજ્ઞથી સંતુષ્ઠ દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. 
એને યજ્ઞભાવથી (દેવોને સમર્પિત કર્યા પછી) આરોગવાથી વ્યક્તિ સર્વ પાપથી વિમુક્ત થશે.
એ ભોગોનો ઉપભોગ જે એકલપેટા બનીને કરશે તે પાપના ભાગી થશે અને ચોર ગણાશે. (૧૨-૧૩)


શરીર અન્નમય કોષ છે. બધા જીવો અન્નથી જ પેદા થાય છે અને અન્નથી જ પોષાય છે. 
અન્ન વરસાદ થવાથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે. 
યજ્ઞ કર્મથી થાય છે અને કર્મ વેદથી થાય છે. (૧૪)


પરંતુ વેદ તો પરમાત્મા વડે ઉત્પન્ન કરાયેલ છે. એથી એમ કહી શકાય કે 
સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે. (યજ્ઞ વડે પરમાત્માની જ પૂજા કરાય છે) (૧૫)


હે પાર્થ, જે વ્યક્તિ આ રીતે સૃષ્ટિચક્રને અનુસરીને નથી ચાલતો તે
પોતાની ઈંદ્રિયોના ભોગમાં રમવાવાળો તથા વ્યર્થ જીવન જીવનાર ગણાય છે. (૧૬)


પરંતુ જે વ્યક્તિ આત્મસ્થિત અને આત્મતૃપ્ત છે, પોતાના આત્મામાં જ સંતોષ માને છે,
તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. (૧૭)


એવા મહાપુરુષને માટે કર્મ કરવાનું કે ન કરવાનું કશું પ્રયોજન રહેતું નથી.
એને સર્વ જીવો સાથે કોઈ પ્રકારનો સ્વાર્થસંબંધ નથી રહેતો. (૧૮)


એથી હે પાર્થ, આસક્ત થયા વગર કર્મ કર. નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. (૧૯)


મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતા જ પરમ સિદ્ધિને પામ્યા છે. 
વળી તારે (અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ) લોકસંગ્રહાર્થે, 
સંસારના ભલા માટે (યુદ્ધ) કર્મ કરવું જ રહ્યું.(૨૦)


શ્રેષ્ઠ પુરુષો જે જે કરે છે એને અનુસરીને સાધારણ લોકો પોતાના કામ કરે છે. (૨૧)


એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી. આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી
છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. (૨૨)


કારણ કે જો હું કર્મ કરવાનું છોડી દઉં તો મારું અનુસરણ કરીને બીજા લોકો પણ કર્મ કરવાનું છોડી દે.
અને એમ થાય તો તેઓ પોતાનો નાશ નોંતરે અને હું એમના વિનાશનું કારણ બનું. (૨૩-૨૪)


હે અર્જુન, કર્મ કરવું અતિ આવશ્યક છે પરંતુ અજ્ઞાની લોકોની જેમ ફળની આશાથી યુક્ત થઈને નહીં, 
પરંતુ જ્ઞાનીઓની પેઠે નિષ્કામ ભાવે, ફળની આસક્તિથી રહિત થઈને.(૨૫)


જ્ઞાની પુરુષે પોતે તો સમતાનું આચરણ કરીને કર્મનું અનુષ્ઠાન કરવું જ રહ્યું પણ સાથે સાથે 
જેઓ આસક્તિભાવથી કર્મ કરે છે એમનામાં અશ્રદ્ધા પણ ઉત્પન્ન ન કરવી જોઈએ. (૨૬)


સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને થતાં હોય છે. 
છતાં અહંકારથી વિમૂઢ થયેલ મનુષ્ય પોતાને એનો કર્તા માને છે. (૨૭)


હે મહાબાહો, પ્રકૃતિના ગુણસ્વભાવને અને કર્મના વિભાગોને યથાર્થ જાણનાર જ્ઞાની 
કર્મ માટે પ્રકૃતિના ગુણો જ કારણભૂત છે એવું માનીને એમાં આસક્ત થતા નથી. (૨૮)


તો સાથે સાથે જેઓ પ્રકૃતિના ગુણોથી મોહ પામીને કર્મને આસક્તિભાવે કરે છે 
તેમને વિચલિત કરવાની કોશિશ કરતા નથી. (૨૯)


હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી, આશા, તૃષ્ણા તથા શોકરહિત થઈને
અનાસક્ત ભાવે (યુદ્ધ) કર્મમાં પ્રવૃત થા.(૩૦)


જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે, 
એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે. પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું 
અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ, જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે. (૩૧-૩૨)


દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે 
સ્વભાવને વશ થઈ કર્મો કરે છે. એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી.(૩૩)


પ્રત્યેક ઈન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. 
રાગ અને દ્વેષ આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે એટલે એને વશ ન થતો. (૩૪)


એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. 
એથી તું તારા સ્વધર્મનું (ક્ષત્રિયના ધર્મ) પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો 
એ પરધર્મ (સંન્યાસીના)  કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે.(૩૫)


અર્જુન કહે છે-
હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે ? (૩૬)


શ્રી ભગવાન કહે છે,
રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ તથા ક્રોધ જ 
મહાવિનાશી, મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે.(૩૭)                                                                        


જેમ ધુમાડો આગને, મેલ દર્પણને, ઓર ગર્ભને ઢાંકી દે છે 
તેવી જ રીતે કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાંખી દે છે. (૩૮)


એથી હે કૌન્તેય, અગ્નિ ના સમાન જેની કદી તૃપ્તિ થતી જ નથી
એવા કામ અને ક્રોધના આવેગો જ્ઞાનીના જ્ઞાન ને ઢાંકી દે છે,જ્ઞાનીઓ ના તે સૌથી મોટા દુશ્મન છે. (૩૯)


મન, બુદ્ધિ અને ઈન્દ્રિય, એ કામ નું  નિવાસ સ્થાન છે,આ કામ મન,બુદ્ધિ અને ઇન્દ્રિયો ને 
પોતાના વશ કરી ને, જ્ઞાન અને વિવેક ને ઢાંકીને મનુષ્ય ને ભટકાવી મુકે છે..(૪૦)


એથી હે અર્જુન, સૌથી પ્રથમ તું ઈન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી, 
જ્ઞાન અને વિવેક ને હણનાર કામનામાંથી નિવૃત્તિ મેળવ. (૪૧)


મનુષ્ય દેહમાં ઈન્દ્રિયોને બળવાન કહેવામાં આવી છે. પરંતુ મન ઈન્દ્રિયોથી બળવાન છે. 
બુદ્ધિ મનથી બળવાન છે અને આત્મા બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. (૪૨)


એથી આત્મતત્વને સૌથી બળવાન માની,બુદ્ધિ વડે મન ને વશ કરી, 
આ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત નાશ કરી નાખ.(૪૩)

અધ્યાય -૩  - કર્મયોગ- સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE