Dec 7, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-4- Gnan-Karma-Sanyasa-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-4-જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ
શ્રી ભગવાન કહે છે
મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને 
મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. 
હે અર્જુન, આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો.
પરંતુ કાળક્રમે એ યોગ નષ્ટ પામ્યો છે. તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે 
એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.(૧-૨-૩)


અર્જુન કહે છે-હે કેશવ, તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે. 
તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો ? (૪)


શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે. પરંતુ ફરક એટલો છે કે 
મને એ બધા યાદ છે અને તેને એ યાદ નથી રહ્યા.(૫)


હું અજન્મા અને અવિનાશી છું. સર્વ ભૂતોનો ઈશ્વર છું. છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રકટ થાઉં છું. (૬)


હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે 
ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુપુરુષોનું રક્ષણ, દુષ્કર્મીઓનો વિનાશ તથા 
ધર્મની સંસ્થાપનાના હેતુ માટે યુગે યુગે હું પ્રકટ થાઉં છું.(૭-૮)


મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે. જે મનુષ્ય એનો પાર પામી જાય છે 
એ મૃત્યુ પછી મને પામે છે. એ જન્મ-મરણના ચક્રમાં નથી ફસાતો. (૯)


જેના રાગ, દ્વેષ, ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે  અનન્યભાવથી મારું ચિંતન કરે છે 
તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે.(૧૦)


હે અર્જુન, જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું. 
શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે. (૧૧)


આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે
કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર થાય છે. (૧૨)


વર્ણોની રચના (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - એ ચાર) કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે.
એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. (૧૩)


કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી. કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી. 
જે મારા રહસ્યને આ પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે. (૧૪)


પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા. એથી 
હે અર્જુન, તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર.(૧૫)


કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે. 
હું તને કર્મ વિશે સમજાવું જેથી 
તું કર્મબંધન અને (યુદ્ધભૂમિમાં અત્યારે તને થયેલ) ક્લેશમાંથી મુક્ત થશે. (૧૬)


કર્મ, અકર્મ અને વિકર્મ - એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે. (૧૭)


જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે. 
એ જ્ઞાનથી મંડિત થઈને તે પોતાના સર્વ કાર્યો કરે છે. (૧૮)


જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને 
ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૧૯)


જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને 
આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી.(૨૦)


જે તૃષ્ણારહિત થઈને, પોતાના મન અને ઈન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીરનિર્વાહને માટે જ 
કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. (૨૧)


કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ઠ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત, 
તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. (૨૨)


જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે,
તેના બધા જ કર્મો નાશ પામે છે.(૨૩)


કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, 
જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. 
જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. (૨૪)


કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક જ્ઞાનીઓ, (જ્ઞાનરૂપી યજ્ઞ માં )
બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહૂતિ આપે છે.(૨૫)


કેટલાક પોતાની શ્રવણેન્દ્રિને સંયમના અગ્નિમાં હોમે છે,
કેટલાક શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે, (૨૬)


તો વળી કેટલાક ઈન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. (૨૭)


કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે 
તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. (૨૮)


કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. 
કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. (૨૯)


કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. 
આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે.(૩૦)

હે અર્જુન, યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. 
જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. 
તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? (૩૧)


વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. 
આ સર્વે યજ્ઞો મન, ઈન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. 
એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)


હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. (૩૩)


આ સત્યને બરાબર જાણી ચુકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી, 
વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર. તે તને જ્ઞાન પ્રદાન કરશે. (૩૪)


હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા
અન્ય જીવોમાં મને (પરમાત્માને) નિહાળી શકીશ.(૩૫)


જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ.(૩૬)


જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે
જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. (૩૭)


જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. 
યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.(૩૮)


શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન (સત્ય-પરમ-જ્ઞાન) ને પ્રાપ્ત કરે છે,
અને આ જ્ઞાન થી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે.(૩૯)


જ્યારે આત્મજ્ઞાન વિનાનો, શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી 
અને વિનાશ પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.(૪૦)


હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે 
જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. (૪૧)


એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને 
તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.(૪૨)


અધ્યાય -૪- જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ-સમાપ્ત

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE