Dec 8, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-5-Karma-Sanyasa-yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-5-કર્મ-સન્યાસ-યોગ




અર્જુને કહ્યું : હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મ ના ત્યાગ ના વખાણ કરો છો
અને બીજી તરફ કર્મયોગ ના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)


શ્રી ભગવાન બોલ્યા: કર્મો નો ત્યાગ અને કર્મયોગ બન્ને કલ્યાણકારક છે,પરંતુ એ બન્નેમાં
કર્મો ના ત્યાગથી કર્મયોગ શ્રેષ્ઠ છે. (૨)


હે મહાબાહો ! જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કોઈ અભિલાષા રાખતો નથી, તેને નિત્ય સંન્યાસી જાણવો.
આવો રાગ દ્વેષ વિનાનો મનુષ્ય દ્વંદ્વરહિત બની સંસાર બંધનમાંથી સુખપૂર્વક મુક્ત થાય છે. (૩)


સંન્યાસ અને કર્મયોગ ફળની દ્રષ્ટિએ અલગ અલગ છે એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ જ્ઞાનીઓ
એમ કહેતા નથી.બન્નેમાંથી એક નું પણ ઉત્તમ રીતે અનુષ્ઠાન કરનાર બંનેના ફળ ને પ્રાપ્ત કરે છે.(૪)


જે મોક્ષપદ જ્ઞાનયોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે,તે જ પદ નિષ્કામ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી
શકાય છે.એ માટે જ સાંખ્ય તથા કર્મયોગ ને જે એકજ સમજે છે તે સાચો જ્ઞાની છે.(૫)


હે મહાબાહો ! કર્મયોગ ના અનુષ્ઠાન વગર સંન્યાસ પ્રાપ્ત કરવો કઠીન છે. જયારે કર્મયોગી
મુનિ જલદીથી સંન્યાસ પ્રાપ્ત કરી બ્રહ્મ ને પામે છે.(૬)


કર્મયોગ ના આચરણ થી જેનું અંત:કરણ શુદ્ધ થઇ ગયું છે,જે મનને વશ કરનારો,ઈન્દ્રિયોને જીતનારો છે.
અને જેનો આત્મા સર્વ ભૂતો નો આત્મા બની ગયો છે,તે મનુષ્ય કર્મો કરે છે છતાં તેનાથી લેપાતો નથી.(૭)


યોગયુક્ત બનેલો તત્વજ્ઞાની પોતે જોતાં,સાંભળતાં, સ્પર્શ કરતાં, સુંઘતાં,ખાતાં,પીતાં,ચાલતાં,
નિંદ્રા લેતાં,શ્વાસોશ્વાસ લેતાં,બોલતાં,ત્યાગ કરતાં,ગ્રહણ કરતાં (૮)



આંખ ઉઘડતાં મીંચતાં,હોવા છતાં,ઇન્દ્રિયો પોત પોતાના વિષય માં પ્રવૃત થાય છે એમ સમજીને
હું કંઈ કરતો નથી એમ નિશ્વયપૂર્વક માને છે.(૯)


જે મનુષ્ય ફળ ની ઈચ્છા નો ત્યાગ કરી સર્વ ફળ બ્ર્હ્માપર્ણ બુદ્ધિ થી કરે છે, એ કમળપત્ર જેમ પાણી
માં રહેવા છતાં ભીંજાતું નથી, તેમ પાપ વડે લેપાતો નથી.(૧૦)


યોગીઓ માત્ર મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ છોડી દઈઆત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે.(૧૧)



કર્મયોગી મનુષ્ય કર્મફળને ત્યજીને સત્વશુદ્ધિના ક્રમથી થયેલી શાંતિને પ્રાપ્ત કરેછે.
જયારે સકામ મનુષ્ય કામના વડે ફળની આસક્તિ રાખી બંધનમાં પડે છે.(૧૨)


દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મોને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજા વાળા નગરમાં 
સુખપૂર્વક રહે છે.તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.(૧૩)


આત્મા દેહાદિક ના કર્તાપણાને ઉત્પન કરતો નથી,કર્મોને ઉત્પન કરતો નથી કે કર્મફળ ના સંયોગ ને
ઉત્પન કરતો નથી,પરંતુ તે અવિદ્યારૂપ માયાનો જ સર્વ ખેલ છે.(૧૪)


પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી,પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે.
તેને લીધે સર્વ જીવો મોહ પામે છે.(૧૫)


વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે,તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને
પ્રકાશિત કરેછે.(૧૬)


તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.તેમનામાં જ તેમની સંપૂર્ણ
નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ
જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭)


જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત,બ્રાહ્મણ,ગાય,હાથી,કુતરો,ચંડાળ વગેરે
સર્વમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે.(૧૮)


જેમનું મન સમત્વ(પરમાત્મા) માં રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે.
કારણ કે બ્રહ્મ દોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.(૧૯)


જેની બુદ્ધિ સ્થિર થયેલી છે,જેનું અજ્ઞાન નાશ પામ્યું છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે એવો બ્રહ્મવેત્તા
મનુષ્ય તે પ્રિય પદાર્થો મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થો પામીને દુઃખી થતો નથી.(૨૦)


ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન થનાર સુખોમાં આસક્તિ રહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને
પામે છે.એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખ નો અનુભવ કરે છે.(૨૧)


હે  કાંન્તેય  ! ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન થયેલા જે ભોગો છે તે સર્વ ઉત્પતિ અને નાશ ને
વશ હોવાથી દુઃખના કારણરૂપ છે.એટલા માટે જ્ઞાનીજનો તેમાં પ્રીતિ રાખતા નથી.(૨૨)


શરીર નો નાશ થવા પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન થયેલા વેગને સહન કરી શકે છે તે
મનુષ્ય આ લોકમાં યોગી છે અને તે સાચો સુખી છે.(૨૩)


જે અંતરાત્મા માં સુખનો અનુભવ કરે છે તથા આત્મા માં જ રમણ કરે છે,જેના અંતરાત્મામાં જ્ઞાન રૂપી
પ્રકાશ પથરાઈ ગયો છે તે યોગી બ્રહ્મસ્વરૂપ બની પરબ્રહ્મમાં જ નિર્વાણ પામેછે.(૨૪)


જેના પાપાદિ  દોષો નાશ પામ્યા છે,જેના સંશયો છેદાઈ ગયા છે,જેમનાં મન-ઇન્દ્રિયો વશમાં થઇ ગયા છે
અને જે પ્રાણીમાત્રના હિત માટે તત્પર છે,એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણને પામે છે.(૨૫)


જેઓ કામ-ક્રોધથી રહિત છે,જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે,અને જેઓ આત્મસાક્ષાત્કાર પામેલા છે એવા
યોગીઓ સર્વ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે.(૨૬)


બહારના વિષયોને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર
ગતિ કરનારા પ્રાણ તથા અપાનવાયુને સમાન કરીને.(૨૭)


જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યા છે તથા જેનાં ઈચ્છા,ભય અને ક્રોધ દુર થયાંછે એવા મુનિ
મોક્ષપરાયણ છે તે સદા મુક્ત જ છે.(૨૮)


સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા,સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું.
એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.(૨૯)


અધ્યાય-૫-કર્મ-સન્યાસ-યોગ-સમાપ્ત._
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE