Dec 9, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-6-Aatm-Sanyam-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-6-આત્મ-સંયમ-યોગ


શ્રી ભગવાન કહે: હે પાર્થ ! કર્મ ના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરેછે તેજ સંન્યાસી
અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને
ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)


હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ.મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય
કોઈ પણ મનુષ્ય કર્મયોગી થઇ શકતો નથી.(૨)


જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે.
પરંતુ યોગપ્રાપ્તિ થઇ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન
બની જાય છે.પછી તે કર્મફળ માં લુબ્ધ થતો નથી.(૩)


જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને
છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.(૪)


આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિ ના માર્ગે લઇ જવો નહિ,
કેમ કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.(૫)


જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે,જીત્યો છે,તેનો આત્મા બંધુ છે.પરંતુ જેના આત્મા એ
ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે.(૬)


જેણે પોતાનું મન ટાઢ-તડકો,સુખ-દુઃખ,માન-અપમાન વગેરે માં એક સરખું રાખ્યું છે ,
જે નિર્વિકાર રહેછે,તે સર્વ સ્થિતિ માં સમાન ભાવે રહે છે.(૭)


જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે,જે જીતેન્દ્રિય છે,જે માટી તથા સોનાને સરખું ગણે છે તે
યોગી “યોગસિદ્ધ “કહેવાય છે.(૮)


સુહ્યદ,મિત્ર,શત્રુ,ઉદાસીન,મધ્યસ્થ,દ્વેષ ને પાત્ર અને સંબંધીજનમાં,સાધુઓમાં કે પાપીઓમાં
જે યોગીની સમબુદ્ધિ હોય છે,તે સર્વ માં શ્રેષ્ઠ યોગી છે. (૯)


માટે યોગીઓએ ચિત્ત ને તથા દેહ ને વશ કરી,આશારહિત અને પરિગ્રહરહિત થઈને ,
એકાંત માં નિવાસ કરી અંત:કરણને સદા યોગાભ્યાસ માં જોડવું.(૧૦)


યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ ,તેના પર મૃગચર્મ અને તેના પર આસન પાથરવું.
એ આસન પર સ્થિરતાથી બેસવું,આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખવું.(૧૧)


તૈયાર કરેલા તે આસન પર બેસી ,ચિત્તને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,પોતાના અંત:કરણની
શુદ્ધિ માટે યોગ નો અભ્યાસ કરવો.(૧૨)


સાધકે સ્થિર થઈને પોતાનો દેહ,મસ્તક અને ડોકને સ્થિર રાખવાં,પછી પોતાની  નાસિકાના
અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી,આમતેમ ન જોતાં યોગનો અભ્યાસ શરૂ કરવો.(૧૩)


યોગીએ અંત:કરણ ને શાંત બનાવી,નિર્ભયતા પૂર્વક,બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પછી
મનનો સંયમ કરી,મારું ચિંતન કરતાં,મારા પરાયણ થઇ ધ્યાનમગ્ન રહેવું.(૧૪)  


આ રીતે અંત:કરણ ને નિરંતર પરમેશ્વરના  સ્વરૂપમાં લગાડીને,સ્વાધીન મનવાળો યોગી
મારામાં સ્થિતિરૂપ  પરમાનંદ જ પરાકાષ્ઠાવાળી શાંતિને પ્રાપ્ત કરે છે.(૧૫)


હે અર્જુન ! વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી.
તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી.(૧૬)


જેનો આહાર વિહાર યુક્ત હોય,જેનાં કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ
પ્રમાણસર ની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે.અને તેના દુઃખોનો નાશ કરી નાખે છે.(૧૭)


જયારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે,તેની સર્વ કામનાઓ નિ:સ્પૃહ
બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે.(૧૮)


જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી,તેમ સમાધિનિષ્ઠ યોગી નું  મન
ચલિત થતું નથી.(૧૯)


યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત થાયછે,જયારે યોગી પોતાના નિર્મળ
થયેલાં અંત:કરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામે છે.(૨૦)  


જયારે સુક્ષ્મ બુદ્ધિ થી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર
થયેલો યોગી બ્રહ્મ-સ્વરૂપ માંથી ચલિત થતો નથી.(૨૧)


આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો
આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી.(૨૨)


જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ
કહેવાય છે.આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દઢ  નિશ્ચયથી સાધ્ય કરવો.(૨૩)  


સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી ,મનથી જ સર્વ ઈન્દ્રિયોને સર્વ રીતે
જીતી ને (૨૪)


તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર
કરી બીજું કોઈ ચિંતન કરવું નહિ.(૨૫)  


આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.(૨૬)


જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની
નિષ્પાપ બની ગયો છે,તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.(૨૭)


આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી ,જેમાં બ્રહ્મનો અનુભવ
રહેલો છે,એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.


જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગીપુરુષ સર્વ ભૂતોમાં પોતાના આત્મા ને અને પોતાના
આત્મામાં સર્વ ભૂતોને જુવેછે.(૨૯)
     
જે યોગી સર્વ ભૂતોમાં મને જુવે છે અને મારામાં સર્વ ભૂતોને જુવે છે,તેની દ્રષ્ટિ સમક્ષ
જ હું રહું છું.(૩૦)


જે યોગી એકનિષ્ઠાથી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે,તે કોઈ પણ રીતે વર્તતો હોય
તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે.(૩૧)  


હે અર્જુન ! જે યોગી પોતાની જેમ જ સર્વ ને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિ
થી જુવે છે,તે મને પરમ માન્ય છે.(૩૨)


અર્જુન કહે: હે મધુસુદન !તમે જે સમદ્રષ્ટિ નો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની
ચંચળતા ને લીધે રહી શકે તેમ લાગતું નથી.


હે શ્રી કૃષ્ણ ! મન અતિ ચંચળ છે.તે કોઈ પણ કામના ને સિદ્ધ થવા દેતું નથી.તે બળવાન
અને અભેદ્ય છે.તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠિન છે,એવું મને લાગે છે.(૩૪)


શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠિન જ છે,
એ વાત નિ:સંશય હું માનું છું,પરંતુ હે કાંન્ન્તેય ! વૈરાગ્ય અને અભ્યાસ ના યોગ થી
તેને પણ સ્વાધીન કરી શકાય છે.(૩૫)


જે મન નો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી.જે અંત:કરણ
ને વશ કરી મનનો નિગ્રહ કરવાનો યત્ન કરેછે,તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે.
એવો મારો મત છે.(૩૬)


અર્જુન કહે: હે શ્રી કૃષ્ણ ! જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી,જેનું મન અંતકાળે
યોગ માંથી ચ્યુત થયું છે,એવા પુરુષ યોગસિધ્ધિ ન પામતાં કઈ ગતિ પામેછે?(૩૭)


હે શ્રી કૃષ્ણ ! મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ એમ બંને
માર્ગથી ભ્રષ્ટ થઇ વિખરાઈ જતાં વાદળોની જેમ નાશ નથી પામતો? (૩૮)


હે શ્રી કૃષ્ણ ! મારી આ શંકા ને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો.આ શંકા ને દુર કરવા આપ
સિવાય બીજું કોઈ સમર્થ નથી.(૩૯)


શ્રી ભગવાન કહે: હે પાર્થ ! જે યોગની ઇચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોક થી
વંચિત રહેતો નથી.હે તાત ! સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી.(૪૦)


યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મ થી મળતાં સ્વર્ગાદિ સુખો પ્રાપ્ત કરી જયારે મૃત્યુલોક
માં આવે છે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે.(૪૧)


અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે,
કારણકે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં દુર્લભ છે.જેનો યોગીના કુળમાં જન્મ થાય છે,(૪૨)


એટલે પૂર્વ જન્મની યોગબુદ્ધિ નો તેનામાં જલ્દી વિકાસ થાય છે.અને તે મનુષ્ય
યોગ સિધ્ધિ માટે પુન: અભ્યાસ કરવામાં લાગી જાય છે.(૪૩)


ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તોયે પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે
તે યોગ તરફ વળે છે.યોગના જીજ્ઞાસુઓ ને વેદાચરણ ના ફળ કરતાં વિશેષ ફળ મળે છે.(૪૪)


કિન્તુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ
અભ્યાસ કરતો રહેલો યોગી પરમગતિ ને પ્રાપ્ત થાય છે.


તપસ્વી ,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં યોગી વધુ  શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન ! તું યોગી બન.(૪૬)


સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને
પરમ માન્ય છે.(૪૭)


અધ્યાય-૬-આત્મ-સંયમ-યોગ-સમાપ્ત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE