Dec 10, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-7-Gnan-Vignan-Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-7-જ્ઞાન-વિજ્ઞાન-યોગ


ભગવાન કહે હે પાર્થ ! મારામાં ચિત્ત પરોવીને,કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા
મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે,એમાં જરાય શંકા નથી,તો તે વિશે સાંભળ(૧)


હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ.તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ
જાણવાનું બાકી રહેતું નથી.(૨)


હજારો મનુષ્યોમાંથી કોઈક જ મનેપામવાનો યત્ન કરે છે.મારા માટે યત્ન કરવાવાળા
સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકેછે.(૩)


મારી પ્રકૃતિ ભૂમિ,જળ,વાયુ,તેજ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર
એમ આઠ ભાગ માં વિભાજીત થયેલી છે.(૪)


હે મહાબાહો ! એતો મારી અપરા એટલે કે ગૌણ પ્રકૃતિ છે.એનાથી અલગ જે મારી
જીવ ભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે.તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે.(૫)


આ બંને પ્રકૃતિઓથી જ સર્વ ભૂતોની ઉત્પતિ થયેલી છે.
એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વ ની ઉત્પતિ અને લય કરું છું.(૬)


હે ધનંજય ! મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી.દોરા માં જેમ મણકા
પરોવાયેલા હોય છે,તેમ આ સર્વ જગત મારા માં ઓતપોત થતું પરોવાયેલું છે.(૭)


હે કાંન્ત્તેય ! જળમાં રસ હું છું, સુર્ય-ચંદ્ર માં તેજ હું છું,સર્વ વેદો માં ઓમકાર પ્રણવ હું છું.
આકાશમાં શબ્દ અને પુરુષ નું પરાક્રમ હું છું.(૮)


તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું,અગ્નિમાં તેજ હું છું,સર્વ ભૂતોમાં જીવન હું છું અને
તપસ્વીઓનું  તપ પણ હું જ છું.(૯)


હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું,બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.(૧૦)


બળવાનો માં વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું,હે ભરતશ્રેષ્ઠ ! ધર્મ વિરુદ્ધ જાય નહિ
તેવો સર્વ પ્રાણીઓમાં “કામ" પણ હું છું.(૧૧)


જે સાત્વિક,રાજસ અને તામસવિકારો છે તે પણ મારાથી ઉત્પન થયેલા છે,પરંતુ હું તેમાં 
સમાયેલો  નથી , તેઓ મારામાં સમાયેલા છે.(૧૨)


આ ત્રિગુણાત્મક વિકારોથી સમસ્ત જગત મોહિત થઇ ગયું છે,તેથી ગુણાતીત અને અવિનાશી 
એવા મને એ જગત જાણતું નથી.(૧૩)


કેમકે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે.જે મનુષ્ય મારા 
શરણે આવે છે તે જ એ માયા રૂપી નદીને તરી જાય છે.(૧૪)


આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે 
તેવા પાપી,મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.(૧૫)


હે ભરતશ્રેષ્ઠ ! આર્ત ,જિજ્ઞાસુ,અથાર્થી અને જ્ઞાની, એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજેછે.(૧૬)


તેમાં જ્ઞાની જનો ,નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠા થી મારી ભક્તિ કરે છે,તેથી તેઓ શ્રેષ્ઠ છે.
આવા જ્ઞાની જનો ને હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.(૧૭)


એ સર્વશ્રેષ્ઠ છે,પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે.એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત 
પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮) 


“અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે ” જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે,
એવા જ્ઞાનીને મારી પ્રાપ્તિ થાય છે એવા મહાત્મા અતિ દુર્લભ છે.(!(૧૯)


જે અજ્ઞાનીઓ નું  પોતાના સ્વભાવ ને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ 
થયું છે તે મારા-આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઈતર દેવતાઓની ઉપાસના કરે છે.(૨૦)


જે ભક્ત , જે દેવતામાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે, તેની તે શ્રદ્ધાને તે દેવતામાં 
હું જ સ્થિર કરું છું.(૨૧)


એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી તેની તે
કામનાઓ પૂર્ણ થાય છે.(૨૨)


અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોયછે.
દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે અને મારા ભક્તો મને પામે છે.(૨૩)


મારા ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિ ઉત્તમ ભાવને ન જાણનારા અજ્ઞાની લોકો ,હું અવ્યક્ત
હોવા છતાં મને સાકાર માને છે.(૨૪)


હું યોગમાયાથી આવરાયલો છું,આથી સર્વ ને સ્પષ્ટ પણે દેખાતો નથી.આથી મૂઢ મનુષ્યો
અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી.(૨૫)


હે અર્જુન ! પહેલાં થઇ ગયેલા , અત્યારે થઇ રહેલા અને હવે પછી થનારા સઘળા
ભૂતોને (પ્રાણીઓને ) હું જાણું છું,પરંતુ મને કોઈ જાણતું નથી.(૨૬)


હે પરંતપ ! ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન થયેલા સુખદુઃખ રૂપી મોહથી સર્વ ભૂતો
(પ્રાણીઓ) પ્રમાદી બનીને ઉત્પતિ સમયે ઘણી દ્વિઘા માં પડી જાય છે.(૨૭)


પરંતુ સતકર્મો ના પુણ્ય ભાવે જેનાં પાપો નાશ પામ્યાં છે, તે દઢ નિશ્વયી મનુષ્યો સુખદુઃખની
મોહજાળ થી મુક્ત થઇ ને મને ભજે છે.(૨૮)


જેઓ મારો આશ્રય કરી જરા-મૃત્યુથી મુક્ત થવાનો યત્ન કરે છે, તેઓજ બ્રહ્મને જાણી શકે છે.
યત્નથી તેઓ અધ્યાત્મ તથા સર્વ કર્મને પણ જાણે છે.(૨૯)


જે યોગી અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહીત મને જાણે છે,તે સ્વસ્થચિત્ત પુરુષો
મરણ સમયે પણ મને જ જાણે છે.(૩૦)


અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ -સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE