Jun 30, 2021

Gujarati-Ramayan-Rahasya-03-ગુજરાતી-રામાયણ-રહસ્ય-03

'આ શરીર પણ એક બ્રહ્માંડ-રૂપ છે,અલબત્ત,વિરાટ બ્રહ્માંડનું એક નાનું સ્વરૂપ છે.
એ પ્રત્યેક બ્રહ્માંડ (પ્રત્યેક શરીર) માં શ્રીરામનો અવતાર થાય છે.'
આવું જો સમજવામાં આવે તો જીવન –ઉમદા અને આશાભર્યું બની જાય.
જેવી,જીવનમાં ઈશ્વર દર્શનની વ્યાકુળતા પેદા થાય કે તરત જ, અંતઃકરણમાં રહેલા શ્રીરામના અવતારની ક્ષણનો અનુભવ થાય.(અંતરમાંના રામનાં દર્શન થાય)

રામકથા એ કોઈ ભૂતકાળની કથા જ છે એવું નથી.
રામાયણમાં વ્યક્ત થતી સમસ્યાઓ આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે.
શ્રીરામ નિત્ય અને ચિરંતન છે.તુલસીદાસજીના શ્રીરામ એ કંઇ સામાન્ય મનુષ્ય નથી,
કારણકે સામાન્ય મનુષ્ય તો કાળના પ્રવાહમાં પુરાણો બની જાય છે,ને આજના પ્રશ્નોનું સમાધાન આપી 
શકતો નથી. એટલે શ્રીરામ શાશ્વત છે,અને એમને આપેલાં સમસ્યાઓના સમાધાન પણ શાશ્વત છે.
માટે રામાયણ એ આચરણનો ગ્રંથ છે.

રાવણ વધ પછી શ્રીશંકર,રામજીને મળવા આવે છે,ત્યારે કહે છે કે-“મામ અભિરક્ષય”(મારું રક્ષણ કરો)
આ નવાઈની વાત છે,શ્રીશંકર વળી શી બાબતે રક્ષા માગે છે? તો કહે છે કે-
“પ્રભુ તમે રાવણને માર્યો,પણ કામ,ક્રોધ,લોભ,મોહ-આ બધા હૃદયમાં વસેલા રાવણો મર્યા નથી,
ત્યાં સુધી સંસારમાં શાંતિ નથી.”

રામની લીલા પતી ગઈ નથી,હજુ ચાલુ જ છે.....એ રામાયણનું રહસ્ય છે.
હજી,કુમતિ (દુર્બુદ્ધિ) રૂપી અહલ્યાને સુમતિ (સદબુદ્ધિ)માં ફેરવવાની છે.
હજુ વિભીષણને અસત્ય (રાવણ) નો આશ્રય છોડવાનો છે.
જો આમ,રામાયણના પાત્રોને લઇને જીવનને જોતાં થવાય તો,પ્રભુની સાથેનો સંબંધ પાકો થાય.
પછી રામાયણનાં તે પાત્રો આપણા જીવનની સાથે ચાલનાર પાત્રો થશે,ભાઈ,પિતા,પુત્ર કે મિત્ર થશે.

લોકો મંદિરમાં રામજી ના દર્શન કરવા જાય છે ત્યારે રામજીની મૂર્તિ જોઈને વિચારે છે કે-
આ રામજી તો મારા જેવા હાથ-પગ વાળા જ છે.ભગવાનનું મનુષ્ય સ્વરૂપ જોઈને ઘણાને ભગવાન વિષે જાતજાતની કુશંકાઓ થાય છે.પણ મૂર્તિ જોઈને રામજીના આનંદ-સ્વ-રૂપનો વિચાર કરવાનો છે.
પરમાત્માના સર્વ-વ્યાપી સ્વ-રૂપની ઝાંખી કરવાની છે.રામજીનું મૂર્તિનું સ્વ-રૂપ (સાકાર સ્વ-રૂપ) તો
“કેવળ નિરાકારની કલ્પના કરવામાં મદદરૂપ થાય” એટલા માટે જ છે.

વેદાંત કહે છે કે-ઈશ્વર અરૂપ છે,નિરંજન અને નિરાકાર છે.
ભક્તો (વૈષ્ણવો) કહે છે કે-ઈશ્વર “અનંત-રૂપ” છે.(અનંત આકાર વાળો છે) ઈશ્વરને કોઈ એક આકાર નથી.
સર્વ-વ્યાપી,શક્તિમાન ઈશ્વર “પ્રેમને કારણે” આકાર ધારણ કરે છે.
સૂક્ષ્મમાંથી સ્થૂળ (શરીર) રૂપે પ્રગટ થાય છે.

જેમ,સોનાનો દાગીનો જેમ સુવર્ણ છે,અને ખાંડનું રમકડું જેમ ખાંડ છે,
તેમ પરમાત્માનું આખું સ્વરૂપ આનંદમય છે.એ નિર્લેપ,પરિપૂર્ણ,સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
પણ દુઃખની અને આશ્ચર્યની વાત છે કે-માનવી આ વાત જાણે પણ છે અને ભૂલી પણ ગયો છે.

PREVIOUS PAGE     INDEX PAGE            NEXT PAGE