Jul 16, 2021

Gujarati-Ramayan-Rahasya-16-ગુજરાતી-રામાયણ-રહસ્ય-16

સુધરવાનું આપણા હાથમાં જ છે.બહારનું કોઈ આવી આપણને સુધારતું નથી કે બગાડતું નથી.અંદર ભેગો થયેલો કચરો જ મનુષ્યને બગાડે છે.બાકી મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. 'ઉદ્ધરેદાત્મનાત્માનમ.' પોતે જ (આત્મા વડે) પોતાનો (આત્માનો) ઉદ્ધાર કરવો .એમ ગીતાજીમાં લખ્યું છે.તે માટે જપ એ મોટું એક સાધન છે.કળિયુગમાં યોગ-સાધના વિકટ બની ગઈ છે.તેવે વખતે જપ-યજ્ઞ એ જ મોટો ભેરુ (મિત્ર) છે.

ગીતાજીમાં કહે છે કે-બધા યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.
જપયજ્ઞ એ પ્રભુનું સ્વ-રૂપ છે.શ્રેષ્ઠ છે.ઈશ્વરને મેળવવાનું એક સાધન જપયજ્ઞ છે.
શાસ્ત્રોમાં જપને માનસિક તપસ્યા કહે છે.જપયજ્ઞને મંત્ર યોગ પણ કહે છે.
જપ દ્વારા ઈશ્વર સાથે એકતા સાધવાની હોય છે,યોગ સાધવાનો હોય છે.
માળા ફેરવવાનું દુનિયાના બધા ધર્મોમાં છે.ખ્રિસ્તીઓ અને મુસલમાનો પણ માળા ફેરવે છે.
આપણા સનાતન ધર્મમાં જપની અને મંત્રની એક વિદ્યા છે તે અજોડ છે.

મહાન ઋષિઓ એ મંત્રનો પાઠ સિદ્ધ કરી સામાન્ય માણસને માટે મંત્રો નક્કી કર્યા છે.
મંત્ર-જપ વખતે એક ચોક્કસ નાદ ઉત્પન્ન થાય છે.મંત્રની શક્તિ એ શબ્દ (નામ)ની શક્તિ છે.
અને શબ્દની શક્તિ તે પરમાત્માની શક્તિ છે.તેથી તેને શબ્દ-બ્રહ્મ પણ કહે છે.
યોગીઓને સમાધિમાં અનાહત નાદ સંભળાય છે.
અનાહત એટલે -જેને કોઈ વગાડનાર નથી છતાં વાગે છે તે......

જપ કરવાથી બ્રહ્મમાં શબ્દનો પડઘો પડે છે.અને પ્રભુની પરમ-શક્તિનું અવતરણ થાય છે.
મોટેથી જપ કરવા કરતાં મૌન-જપ કે માનસી જપ એ વધુ ઉત્તમ છે.
માનસી જપની અસર મન પર થાય છે,માનસી જપમાં ધીરે ધીરે જપનો અર્થ પ્રત્યક્ષ થાય છે.
અને પછી એવી સ્થિતિ થાય છે કે-મનમાં જપનું રટણ સૂક્ષ્મ-રૂપે ચાલ્યા જ કરે છે.

સવારે નાહી-ધોઈને એકાસને બેસી શરીર સ્થિર કરી જપ કરવો ઉત્તમ છે.
તેમ છતાં રામ-નામ તો હાલતાં ચાલતાં,ખાતાં પીતાં,નહાતાં ધોતાં-ગમે ત્યારે લઇ શકાય છે.
ભક્તિનોં આ મહિમા છે,કળિયુગમાં ભક્તિ વિના બીજું કોઈ સાધન હાથ-વગુ નથી.
નામ-એ જ બ્રહ્મ છે.ઈશ્વરનું નિર્ગુણ સ્વ-રૂપ અતિ સૂક્ષ્મ છે.મન-બુદ્ધિથી તે પર છે.અને
ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે.સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની શક્તિ સામાન્ય મનુષ્યમાં નથી.

પરમાત્માનું સગુણ-રૂપ-દર્શન કરીને અર્જુન પણ બોલી ઉઠયો હતો કે-
પ્રભુ,તમારું આ રૂપ જોઈ ને મારું મન ભયથી વ્યાકુળ થઇ રહ્યું છે.
ત્યારે નામ-બ્રહ્મનું દર્શન સર્વને થઇ શકે છે.કીર્તનમાં તાળી પડવાથી નાદ-બ્રહ્મ થાય છે.
નામ-બ્રહ્મ અને નાદ-બ્રહ્મ –એક થતાં પરબ્રહ્મ પ્રગટ થાય છે.

ઈશ્વર સર્વમાં છે –સર્વવ્યાપક છે –એમ ખાલી બોલવાથી કશી પ્રાપ્તિ થતી નથી કે એમ
જાણવાથી પણ કશી પ્રાપ્તિ નથી,ખાલી ભગવાનને ચંદન-પુષ્પ ચડાવી દેવા એ  કંઈ ભક્તિ નથી.
સર્વમાં સદભાવ રાખવો તે ભક્તિ છે.ઈશ્વરની મૂર્તિમાં જેવો ભગવદભાવ રાખીએ છીએ તેવો
ભાવ ભગવાને રચેલી આ સૃષ્ટિમાં,પદાર્થમાત્રમાં રાખવો અને ઈશ્વર સર્વમાં વિરાજેલા છે,
એવો જે અનુભવ કરે છે તે ધન્ય છે.

પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવવો જોઈએ,શુદ્ધ વ્યવહાર તે ભક્તિ છે.
જેના વ્યવહારમાં દંભ છે અભિમાન છે તેને ભક્તિનો આનંદ આવતો નથી.
મર્યાદા-પુરુષોત્તમ શ્રીરામ આપણને વ્યવહારમાં કેમ વર્તવું તે બતાવે છે.


PREVIOUS PAGE         INDEX PAGE       NEXT PAGE