More Labels

Jan 24, 2014

Gujarati-Ramayan-Rahasya-34-ગુજરાતી-રામાયણ-રહસ્ય-34

ડોસાને વૃદ્ધાવસ્થામાં ખાવાનું પચતું નથી,છતાં તેને ઘડી ઘડી ખાવાનું મન થયા કરે છે.લૂલી બહુ પજવે છે.ભગવાન નું નામ મુખે આવતું નથી.અને પાછો કહે છે ”હવે ભગવાન ઉપાડી લે તો સારું”
પણ એમ ને એમ ભગવાન તેને ઉપાડવા ક્યાંથી આવે ?

જ્યાં સુધી બાજી આપણા હાથમાં છે ત્યાં સુધી પ્રભુને રાજી કરવામાં આવે તો બેડો પાર છે.મરણપથારીએ પડ્યા પછી જેના માટે પૈસા નું પાણી કર્યું હશે તે લોકો જ “ડોસો જલદી મરે તો સારું”એવી ઈચ્છા રાખે છે.પુત્ર-પુત્રી પણ મને કંઈ મળશે એ ઈચ્છા થી થોડી સેવા કરે છે.બધાં સ્વાર્થ ના સગાં આસપાસ ભેગાં થાય છે.

ભાગવતમાં સગાંઓ ને શિયાળ-કૂતરાં જેવાં કહયાં છે.છેવટે ડોસો એકલો એકલો રડતો રડતો જાય છે.
તે જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સાથે આવશે નહિ,છતાં વિવેક રહેતો નથી.
મરતી વખતે ખૂબ તરફડે છે.અંતકાળ માં બે યમદૂતો આવે છે.એક પાપ-પુરુષ અને બીજો પુણ્ય-પુરુષ.

પુણ્ય-પુરુષ  પૂછે છે કે તને પુણ્ય કરવાની તક આપી પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ?
જીવ ગભરાય છે.યમદૂતો નું જોર મરનાર ની પગ થી આંખ સુધી ચાલે છે.
પણ બ્રહ્મ-રંઘ્ર માં જેને પ્રાણ સ્થિર કરેલા છે તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.
તેના પર યમદૂતો ની સત્તા ચાલતી નથી.

આ સ્થૂળ શરીર ની અંદર સૂક્ષ્મ શરીર છે.અને સૂક્ષ્મ શરીર ની અંદર કારણ શરીર છે.
સૂક્ષ્મ શરીર ની અંદર રહેલી વાસનાઓ તે કારણ શરીર છે,યમદૂતો આ સૂક્ષ્મ શરીર ને યમપુરી માં લઇ જાય છે.ત્યાં ચિત્રગુપ્ત પાપ અને પુણ્ય નો હિસાબ તે જીવાત્મા ને યમ-દરબારમાં સંભળાવે છે.
ચૌદ સાક્ષીઓ (પૃથ્વી-સૂર્ય વગેરે) સાક્ષી આપે છે.જીવાત્મા ને પોતાના પાપ કબૂલ કરવાં પડે છે.

પાપ પ્રમાણે સજા થાય છે.અતિ પાપી ને નરક ની,પાપ અને પુણ્ય સરખા હોય તો ચંદ્રલોક ની,અને
પુણ્યશાળી ને સ્વર્ગ ની. પુણ્ય ભોગવી ને તે ખૂટી જાય એટલે ફરી પાછો મનુષ્યલોક માં જન્મ થાય છે.
અને આ રીતે જન્મ મરણ નું ચક્ર ચાલ્યે જ જાય છે.

ભગવાન ના ધામ વૈકુંઠ ના જય અને વિજય નામના બે દ્વારપાળ (પાર્ષદો)  છે.
એકવાર ચાર સનત્કુમારો (શૌનક,સનંદન,સનાતન,સનત્કુમાર) કે જે બ્રહ્મા ના માનસપુત્રો છે તે બ્રહ્મા ની આજ્ઞા થી ભગવાન ના દર્શન કરવા વૈકુંઠ માં ગયા.

બ્રહ્મા ના માનસ પુત્રો જેમ ચાર છે તેમ અંતઃ કરણ ના પ્રકાર પણ ચાર છે. મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર.
અંતઃકરણ જયારે
--સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે તે મન કહેવાય છે.
--કોઈ વિષય નો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે
--પ્રભુ નું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહેવાય છે.
--ક્રિયા નું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.

આ ચારેય ને શુદ્ધ કર્યા વગર પરમાત્મા ના દર્શન થતા નથી.
સનત્કુમારો બ્રહ્મચર્ય નો અવતાર છે,બ્રહ્મચર્ય જયારે સિદ્ધ થાય ત્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય છે.
સનત્કુમારો મહાજ્ઞાની હોવાં છતાં બાળક જેવા બની દૈન્ય ભાવે રહે છે.

આવા આ સનત્કુમારો ભગવાન ના દર્શન કરવા છ દરવાજા વટાવી ને સાતમે દરવાજે આવે છે ત્યારે
ભગવાન ના પાર્ષદો જય-વિજય તેમણે અટકાવે છે. કહે છે-“રજા વગર અંદર નહિ જવા દઈએ”
સનત્કુમારો એ કહ્યું કે -અમે ભગવાન ના દર્શન કરવા આવ્યા છીએ.

જયવિજય માં તે વખતે જરા અહંકાર આવી ગયો,કહે કે-અમે પણ ભગવાન જેવા જ છીએ અમારાં દર્શન કરી લો.સનત્કુમારો ને ભગવાન ના દર્શન કરવા જતાં આવી અણધારી રુકાવટ થી  ક્રોધ ચડ્યો.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE