Aug 6, 2021

Gujarati-Ramayan-Rahasya-35-ગુજરાતી-રામાયણ-રહસ્ય-35

ક્રોધ એ કામનો નાનો ભાઈ છે,અને આ નાનોભાઈ મોટાભાઈનાં ખાસડાં લઇ જાય એવો છે.અતિ સાવધ રહેનાર કદાચ કામને મારી શકે છે પણ ક્રોધને મારવો અતિ કઠણ છે.કામનું મૂળ “સંકલ્પ” છે.જ્ઞાનીઓ અને યોગીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી એટલે તેમને કામ ત્રાસ આપી શકતો નથી,પણ તેમનું ઘણી વખત ક્રોધથી પતન થાય છે.

સાત પ્રકારના યોગનાં અંગો એ વૈકુંઠના સાત દરવાજા છે.યમ,નિયમ,આસન,પ્રાણાયામ,ધારણા,ધ્યાન અને પ્રત્યાહાર.આ સાત દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.(વૈકુંઠમાં હરિનાં દર્શન માટે પ્રવેશ મળે છે)

સાધકને જીવન ના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે.જય-વિજય એટલે યશ,કીર્તિ, પ્રતિષ્ઠા.સ્વદેશમાં પ્રતિષ્ઠા તે જય અને વિદેશમાં પ્રતિષ્ઠા એટલે વિજય.સાધનાના માર્ગમાં મળતી સિદ્ધિઓ 
વિઘ્ન ઉભું કરે છે અને સાધકને અટકાવે છે.લૌકિક પ્રતિષ્ઠામાં અટવાયા એટલે ફસાયા એમ સમજવું.

પણ મનુષ્યને પ્રતિષ્ઠાનો મોહ જલ્દી છૂટતો નથી.મોટો બંગલો બનાવે અને બહાર તક્તી લગાવે-“અશોક નિવાસ” કે “શાંતિ સદન” પછી ભલે ઘરમાં કજિયા કંકાસનો પાર ના હોય .વળીઆ અશોકભાઈ કે શાંતિભાઈ કેટલા દિવસ એ બંગલામાં રહેવાના છે ? કાયમનો પટ્ટો લખાવીને ઓછા આવ્યા છે ? મોટા મેળાવડામાં ખુરસી પર પણ બેસવાવાળાનું નામ!!!

પૈસાનો મોહ ઘણી વખત છૂટે પણ પ્રતિષ્ઠાનો મોહ જલ્દી છૂટતો નથી.ચેલાઓ વખાણ કરે એટલે ગુરૂને લાગે કે 
હું બ્રહ્મ-રૂપ થઇ ગયો છું.(ગુરૂ,ચેલા પાસેથી સર્ટીફીકેટ લે છે!!)પછી સેવા સ્મરણમાં ઉપેક્ષા આવે અને પતન થાય છે.પ્રતિષ્ઠાનો મોહ,છેક ભગવાનના સાતમા દરવાજેથી પાછા કાઢે છે.નાની શી વાતમાં ક્રોધ કરવાથી સનત્કુમારોને પણ પ્રભુના સાતમા દરવાજેથી પાછા ફરવું પડ્યું.જો કે-સનત્કુમારોનો ક્રોધ સાત્વિક છે,ભગવદ દર્શનમાં વિઘ્ન થવાથી ક્રોધ થયો છે.છતાં ક્રોધ એટલે ક્રોધ.

એકનાથ મહારાજ ભાવાર્થ રામાયણમાં કહે છે કે-કામીને અને લોભીને તો તત્કાળ થોડો લાભ થાય છે,પણ ક્રોધ કરનારને તો કશો જ લાભ થતો નથી.ઉલટું તેના પુણ્યનો ક્ષય થાય છે.

કામ,ક્રોધ અને લોભને ગીતાજીમાં નરકના ત્રણ દ્વાર કહ્યા છે.અને આત્માનો નાશ કરનાર કહ્યાં છે.માટે ગીતાજીમાં આજ્ઞા કરી છે કે-આ ત્રણેને ત્યજવાં.(એતત ત્રયમ ત્યજેત)

જ્ઞાનમાર્ગમાં જ્ઞાનીને સિદ્ધિનો “મોહ” વિઘ્ન કરે છે જયારે ભક્તિમાર્ગમાં “લોભ” વિઘ્ન કરે છે.બાબાનો સુટ સીવડાવવાનો હોય તો મોંઘામાં મોંઘુ કપડું લાવે જયારે ઠાકોરજીના વાઘા સીવડાવવાના હોય તો દશકા-વિસકા ગણે.બજારમાં ઠાકોરજી માટે ફુલ લેવા જાય તો ગુલાબ મોંઘુ લાગે,કહેશે-ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે,કરણનાં ફુલ ચાલશે,પણ ઘરવાળી માટે વેણી લાવવાની હોય તો-સો ખર્ચી નાખે.સત્યનારાયણની કથામાં ભાઈ પોતે પાંચસોનું પીતાંબર પહેરીને બેસે અને પૂજામાં ઠાકોરજીને વસ્ત્ર આપવાનું આવે ત્યારે કહેશે કે –પેલું નાડું (નાડાછડી) લાવ્યા હતા તે ક્યાં ગયું?ભગવાન પણ કહેશે કે-બેટા,હમ ભી સબ સમજતે હૈ,તે મને લંગોટી પહેરાવવા માટે નાડું તૈયાર રાખ્યું છે તો એક દિવસ હું પણ તને લંગોટી પહેરાવીશ.

ભગવાનના દર્શન કરવામાં ખલેલ થઇ એટલે સનત્કુમારોને ક્રોધ આવ્યો છે.કામ,ક્રોધ વગેરે વિકારો ક્યાંય બહારથી આવતા નથી,પણ અંદર જ હોય છે ને અંદરથી જ આવે છે,ને તક મળતાં,જરીક ટપારતાં જ પ્રગટ થઇ આવે છે.સનત્કુમારોએ ક્રોધમાં આવી અને જય-વિજયને શ્રાપ દીધો કે-પ્રભુના ધામમાં રહી તમે વિષમતા કરો છો,તેથી તમે અહીં રહેવાને લાયક નથી.વિષમતા વૈષ્ણવમાં હોતી નથી પણ રાક્ષસમાં હોય છે તેથી તમે રાક્ષસ બની પૃથ્વી પર પડો.એકવાર નહિ પણ ત્રણવાર તમારે રાક્ષસ તરીકે જન્મ ધરવો પડશે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE