Aug 9, 2021

Gujarati-Ramayan-Rahasya-38-ગુજરાતી-રામાયણ-રહસ્ય-38

ભગવાને હસીને આનંદથી નારદના શાપને માથે ચડાવ્યો,અને જેવી પોતાની માયા પાછી ખેંચી લીધી કે તરત જ નારદજી ભાનમાં આવ્યા.પોતાની ભૂલનું ભાન થતા ભયભીત થઇ ભગવાનના ચરણમાં પડી ગયા.અને બોલ્યા કે- તમારે શરણે આવ્યો છું,મારી રક્ષા કરો,મારો શાપ મિથ્યા થાઓ.ત્યારે ભગવાને કહ્યું કે-આ બધું મારી ઈચ્છાથી જ બન્યું છે,તમારે ચિંતા કરવાની જરૂર નથી.

તુલસીદાસજી કહે છે કે- કલ્પે કલ્પે ભગવાન અવતાર ધારણ કરે છે.અને અનેક પ્રકારનાં સુંદર ચરિત્રો કરે છે,શ્રી હરિ અનંત છે અને શ્રી હરિ ની કથાઓ પણ અનંત છે.સંતો અનેક પ્રકારે કહે છે ને સાંભળે છે.

ભગવાને નારદને કહ્યું હતું કે “જે પ્રકારે તમારું હિત થશે તેમ કરીશ”
પણ નારદજી તે સમજ્યા નહિ.કારણ કે તેમની આંખ પર મોહનાં પડળ હતાં.
પ્રભુનું એ વચન જેટલું નારદજી માટે સાચું હતું તેટલું આપણા બધા ને માટે સાચું જ છે.
પ્રભુ જે કરે છે તે સાચું કરે છે,સારું જ કરે છે અને આપણા હિતનું જ કરે છે.પરંતુ આપણી બુદ્ધિની આડે
સ્વાર્થનું,વાસનાઓનું પડળ છે તેથી આપણે પણ તે સમજી શકતા નથી.

પ્રભુ મહાવૈદ્ય છે,રોગી ગમે તેવો વ્યાકુળ થાય અને કુપથ્ય માગે પણ વૈદ્ય તે આપે નહિ.દવા ગમે તેટલી કડવી 
લાગે તેમ હોય પણ વૈદ્ય દર્દીને એજ દવા આપશે અને પોતાના પર શ્રદ્ધા રાખીને તે દવા લેવાનો આગ્રહ કરશે.
દર્દીની શ્રદ્ધાની એ કસોટી છે.દવા લેવા તે રાજી નહિ થાય તો નુકશાન તેને જ થવાનું છે.

ભગવાનની આવી માયા છે.ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે-મારી માયા નો પાર પામવો દુષ્કર છે,
ભગવાન યુગે યુગે અવતાર લે છે,એનો અર્થ એ છે કે-તેમણે સૃષ્ટિ રચીને તેને તેના નસીબ પર છોડી દીધી નથી.પણ તેની બરાબર ખબર રાખે છે.સુકાન તેમના હાથમાં રાખ્યું છે.
ધર્મનું મૂળ ખવાય એટલે પ્રભુ તેને બચાવવા દોડી આવે છે.”ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે”

તુલસીદાજી કહે છે કે-
ઈશ્વર અંશ જીવ અબિનાસી,ચેતન અમલ સહજ સુખરાસી,
સો માયા બસ ભએઉ ગુસાઈ,બાંધ્યો કીર મર્કટ કીર નાઈ.
જીવ ઇશ્વરનો અંશ છે,આત્મા નિર્મળ,અવિનાશી આનંદ સ્વ-રૂપ છે.એ કશાથી લેપાતો નથી,એને કોઈ
ડાઘ લાગતો નથી.પરંતુ માયાને વશ થઇ પોતાને બંધનમાં પડેલો જુએ છે.અને પોતાનામાં સુખ દુઃખનો 
આરોપ કરે છે. આ વાત પેલા પોપટ અને વાંદરા જેવી છે.

પોપટને પકડવા પારધી લોકો જમીન પર ખૂંટી લગાવી,એક તાર ની અંદર પોલી ભુંગળીઓ પરોવી ને
એ તારને ખૂંટી પર બાંધે છે,અને પછી આજુ બાજુ દાણા વેરે છે.પોપટ દાણા ખાવા આવે છે અને પોતાની 
આદત મુજબ ભૂંગળી પર બેસે છે,પણ તેના વજનથી ભૂંગળી ફરી જાય છે ને પોપટ ઉંધે માથે લટકી જાય છે.
પડી જવાની બીકે પોપટ તે ભૂંગળીઓને હજુ પકડી રાખે છે,વિચારે છે કે ભૂંગળી એ મને પકડ્યો છે,
અને એવી હાલતમાં ત્યાં આવીને પારધી તેને પકડી લે છે.

આવું જ વાંદરાનું છે.પારધી સાંકડા મોં વાળી હાંડલી જમીનમાં દાટે છે અને તેમાં ચણા ભરે છે.
વાનર એ ચણા ખાવા દોડી આવે છે,અને લોભનો માર્યો બંને હાથ હાંડલીમાં નાખે છે,ને ચણાની મુઠ્ઠીઓ ભરે છે.પછી હાથ બહાર કાઢવા મથે છે પણ હાંડલીનું મોં નાનું હોવાથી અને મુઠ્ઠીને લીધે હાથ મોટા થવાથી હાથ બહાર નીકળી શકતો નથી.એટલે વાંદરો સમજે છે કે તેના હાથ કોઈએ અંદરથી પકડી રાખ્યા છે.
એ દાંત કચકચાવે છે પણ ચણા છોડી દેવાનું તેને સુઝતું નથી.
ચણા બહુ ભાવે છે,અને ચણાનો એવો લોભ છે,કે તે પકડાઈ જાય છે.

આ પોપટ અને વાંદરો બંને અજ્ઞાનને વશ થઇ એવું માને છે કે પોતાને કોઈએ પકડી રાખ્યો છે,
પણ પકડ તેમની પોતાની જ છે,એવું એ જાણતા નથી.હાથે કરીને બંધનમાં પડ્યા છે,
બસ આમ જ આ સંસાર હાંડલી જેવો છે તેમાં વાસના રૂપી ચણા ભર્યા છે,મન છે તે વાનર છે,
વાસનાના ચણા ખાવા આવે છે,અને હાથે કરીને બંધનમાં ફસાય છે.

મનુષ્ય પણ સંસાર રૂપી મોહના એક થાંભલાને બાથ ભરીને ઉભો છે અને બૂમો મારે છે કે-
એ ભાઈ કોઈ મને છોડાવો,મને થાંભલાએ પકડી રાખ્યો છે. પણ થાંભલો કેવી રીતે તેને પકડી રાખવાનો છે?
થાંભલો મનુષ્યને વળગ્યો નથી પણ મનુષ્ય, તે મોહ રૂપી થાંભલાને વળગ્યો છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE