Aug 8, 2021

Gujarati-Ramayan-Rahasya-37-ગુજરાતી-રામાયણ-રહસ્ય-37

ભગવાન શંકર પાર્વતીજીને આ કથા કહે છે,
પાર્વતીજી પૂછે છે કે-ભગવાનને શ્રીરામ તરીકે અવતાર લેવાનું કારણ શું?
ત્યારે ભગવાન શંકર કહે છે કે-રામજીને અવતાર લેવાનાં અનેક કારણો છે.એક કારણ એ છે કે-એક વખત નારદજીએ ભગવાનને શાપ દીધો હતો.જેના લીધે ભગવાનને અવતાર લેવો પડ્યો.આ સાંભળી પાર્વતીજીને નવાઈ લાગી.નારદ તો ભગવાનના ભક્ત 
અને તે જ ભગવાનને શાપ આપે એવું કેમ બને ? નારદજી શું મૂર્ખ છે ? 
ત્યારે શંકર કહે છે કે-કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂર્ખ નથી.ભગવાન જે ક્ષણે જેને જેવો કરે છે તેવો તે બને છે.
'બોલે બિહસી મહેશ તબ,ગ્યાની મૂઢ ના કોઈ,જે હિ જાસ રઘુપતિ કરહિ,જબ,સો તાસ તેહી છન હોઈ' 

શિવજી વર્ણન કરતાં કહે છે કે-
હિમાલયની કંદરામાં એક સુંદર આશ્રમ હતો,પાસે જ ગંગાજી વહેતાં હતાં.
એકવાર નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા.નારદજીને દક્ષ પ્રજાપતિનો શાપ હતો કે તે કોઈ એક જગ્યાએ સ્થિર રહી નહિ શકે.પણ આ સુંદર સ્થળની નારદજીના ચંચળ મન પર એવી અસર થઇ ગઈ કે
નારદજી ત્યાં ધ્યાનમાં બેસી ગયા અને સમાધિમાં સ્થિર થયા.દક્ષનો શાપ જાણે આઘો ખસી ગયો.

નારદજીની આ તપસ્યા જોઈ ઇન્દ્ર ગભરાણો,તેને ડર લાગ્યો કે આ ક્યાંય ચોંટી ને નહિ બેસનારો અહીં 

ચોંટીને બેસો છે,એટલે નક્કી એ કોઈ ઉત્પાત કરશે.કદાચ મારું આસન ડગમગાવી દેશે!!
એટલે ઇન્દ્રે કામદેવને મદદે બોલાવ્યો.કામદેવે અત્યંત મોહક વાતાવરણ નારદજીની આસપાસ ખડું કરી દીધું,
પણ નારદ પર તેની કોઈ અસર થઇ નહિ ,છેવટે કામદેવે પોતાની હાર કબુલી અને પગે પડ્યો.

આ પ્રસંગથી નારદજીને અહંકાર થયો કે-“મેં કામદેવ ને જીત્યો” અને જેની તેની આગળ પોતાની બડાશ
હાંકવા માંડ્યા.એકવાર શિવજી આગળ પણ તેમણે બડાશ હાંકી. ત્યારે શિવજીએ ધીરે થી શિખામણ દીધી કે-મારી આગળ ભલે બોલ્યા,પણ ભૂલે ચુકે ભગવાન આગળ આવું કંઈ બોલતા નહિ.
પણ શિખામણ ક્યાં કોઈની પહોંચે છે.જેની મના કરી હોય તે જ કરવાનું મન થાય છે.
નારદજી સીધા ભગવાન પાસે પહોંચી ગયા.અને પોતાની અદભૂત સિદ્ધિની બડાશ મારવા લાગ્યા.

ભગવાન બોલવામાં મહાચતુર છે.પણ તે હંમેશાં ભક્તના હિતનો જ વિચાર કે છે. ભગવાન કહે છે કે-
ધન્ય છે તમને.જેનું સ્મરણ કરવાથી મોહ,મદ અને કામ નાશ પામે છે 
તેવા તમને બાપડો કામદેવ શું કરી શકવાનો હતો ? નારદે હુંકાર થી કહ્યું “તે ખરું છે”
ભગવાને નારદનો અહમ દૂર કરવાનો અને તેમને ઠેકાણે લાવવાનો નિશ્ચય કર્યો.

નારદજીના ગયા પછી ભગવાને પોતાની માયાને પ્રેરી.નારદજી એક ભવ્ય નગરીમાં આવી ચડ્યા કે જ્યાં
તે નગરીના રાજાની કુંવરીનો સ્વયંવર હતો,નારદજીને સમય પર આવેલા જોઈ રાજાએ કહ્યું કે-
મહારાજ મારી દીકરીનો હાથ જોઈ ને એ કહો કે એને વર કેવો મળશે?
રૂપરૂપનો અંબાર રાજકુંવરી નારદ સામે આવી.નારદજીની આંખો તેના રૂપ પર ચોંટી અને તેમનો વૈરાગ્ય 
ઉડી ગયો.રાજકુંવરીનો હાથ જોઈ તે ચોંક્યા ને મનમાં જ બોલ્યા કે-જે આને પરણશે તે તો સર્વશ્રેષ્ઠ થશે,
ચરાચરનો સ્વામી થશે.તો હું જ તેને શું કામ ના પરણું?


તેમણે રાજાને માત્ર એટલું જ કહ્યું કે-કુંવરી સુલક્ષણા છે.આટલું કહી ત્યાંથી ચાલી નીકળ્યા.પણ મનમાં વિચારવા લાગ્યા કે રૂપ વગર આવી કન્યા વરે નહિ,માટે લાવ,ભગવાન પાસેથી જ રૂપ માગી લાવું.તો મારું લગ્ન તેની સાથે થાય.ભગવાન પાસે તે પહીંચી ગયા ને તેમના રૂપની માગણી કરી.
ભગવાન કહે છે કે-ચિંતા ના કરો તમારું હિત થાય એવું હું કરીશ.
ભગવાનની આ ગૂઢ વાણી તે સમજી શક્યા નહિ.તેમના ચિત્ત પર પહેલાં અહંકાર અને હવે માયાનું પડળ લાગી ગયું હતું.એમને તો એમ જ માન્યું કે હવે સ્વયંવરમાં જાઉં અને રાજકુંવરીને પરણું.

નારદજી સ્વયંવરમાં સભામાં આવી બેઠા છે અને વિચારે છે મને હરિનું રૂપ મળ્યું છે.પણ અસલમાં
તેમને “હરી”-એટલે કે વાનરનું રૂપ મળ્યું હતું.શિવજીના ગણો પણ ત્યાં હતા તેમણે કહ્યું કે –
જરા દર્પણમાં આપનું મોઢું જોઈ આવો.નારદ દોડતા નદી કિનારે ગયા અને પોતાનું મોઢું જોયું તો-
તે અસલ વાંદરા જેવું જ હતું.હવે તેમણે ભગવાન પર ક્રોધ થયો.


ત્યાં જ ભગવાન સામે મળ્યા.ભગવાન ને જોતાં જ તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને બોલી ઉઠયા કે-
તમારાથી બીજાનું સુખ ખમાતું નથી,તમે કુટિલ અને કપટી છો,પણ આજ સુધી તમને કોઈ માથાનો 

મળ્યો નથી,તેથી તમે તમારી મનમાની કરી છે,પણ આજ હું તમને તમારા કર્મ પ્રમાણે તમને ફળ આપીશ.
તમારે મનુષ્ય અવતાર લેવો પડશે અને મારું રૂપ જેવું કર્યું તેવા વાનરોની તમારે સહાય લેવી પડશે.
અને મારી ઈચ્છેલી સ્ત્રીથી તમે મને વિયોગ કરાવ્યોછે તેથી સ્ત્રીના વિયોગથી તમે પણ દુઃખી થશો.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE