More Labels

Dec 15, 2018

Gujarati-Ramayan-Rahasya-52-ગુજરાતી-રામાયણ-રહસ્ય-52

વિશ્વામિત્રે ઘોર તપશ્ચર્યા આદરી છે,તેમને “બ્રહ્મર્ષિ” પદની કામના છે.
આ વખતે તેમને ચળાવવા ઇન્દ્રે રંભા નામની અપ્સરા ને મોકલી,પણ વિશ્વામિત્ર તેનામાં ફસાયા નહિ,પણ ક્રોધમાં આવી રંભાને શાપ આપી દીધો.એટલે ફરીથી આ શાપમાં પાછું તેમનું તપ રોળાઈ ગયું.

વિશ્વામિત્રનો “વેર” અને “કામ” પર વિજય થયો પણ હજુ “ક્રોધ” પર વિજય મેળવાનો બાકી હતો.અને તેથી ક્રોધ પર વિજય મેળવવાનો આ વખતે તેમનો અડગ નિશ્ચય હતો.હાર કબૂલ કરવાનું તેમના સ્વભાવમાં નહોતું.અખંડ પુરુષાર્થની તે મૂર્તિ હતા. નાની સિદ્ધિથી તેમને સંતોષ નહોતો.આ વખતે વિશ્વામિત્રે અડગ નિશ્ચય કર્યો હતો કે –હવે કદાપિ ક્રોધ નહિ કરું,કોઈની સાથે વાત પણ નહિ કરું.


અત્યાર સુધીનો તેમનો પુરુષાર્થ રજોગુણ (વેર,કામ,ક્રોધ,લોભ વગેરે) ને સંતોષવા માટે સત્વગુણથી (તપથી) મેળવવાનો હતો.પણ હવે તેમણે શુદ્ધ નિર્ભેળ સત્વગુણ જ મેળવવા ની સાધના આદરી.
શુદ્ધ ઘી શુદ્ધ પાત્રમાં જ રહે,તેમ શુદ્ધ સાધના  શુદ્ધ હેતુ હોય તો જ તે ફળદાયી થાય.
આ વખતે તેમણે પ્રાણને પણ રોકીને એવું આકરું તપ કર્યું કે છેવટે બ્રહ્માજી એ દર્શન દઈને
તેમને “બ્રહ્મર્ષિ “ના પદ થી નવાજ્યા.અને આમ વિશ્વામિત્રનો પ્રબળ પુરુષાર્થ સિદ્ધ થયો.

જગતને તેમણે ઉદાહરણ આપ્યું કે-ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરીને પણ પ્રબળ પુરુષાર્થથી
સાધના કરી ને બ્રહ્મર્ષિ નું પદ પ્રાપ્ત કરી શકાય છે.
છતાં હજી તેમના મનમાં હજુ શંકા અને વસવસો હતો કે –બ્રહ્મર્ષિ વશિષ્ઠજી મારો બ્રહ્મર્ષિ તરીકે સ્વીકાર કરશે ખરા? વશિષ્ઠજીને તેમણે વેરભાવ અને ક્રોધના ભાવથી બહુ હેરાન કર્યા હતા,તેમના સો પુત્રોનો નાશ કર્યો હતો અને તેમનો આશ્રમ પણ બાળી મુક્યો હતો.

વિશ્વામિત્રે દેવો ને પ્રાર્થના કરી અને વશિષ્ઠજીને પૂછવા માટે કહ્યું કે તે (વશિષ્ઠજી) પોતાનો સ્વીકાર કરશે કે નહિ ? દેવો વશિષ્ઠજી પાસે ગયા.વશિષ્ઠજીના હૃદયમાં વિશ્વામિત્ર તરફ જરાયે રોષ નહોતો.તેમના દિલમાં વેર કે શત્રુતાને સ્થાન નહોતું.તેઓ તો ત્યાગ,તપસ્યા અને તિતિક્ષાની મૂર્તિ હતા. વશિષ્ઠજીએ તરત જ કહ્યું કે –ધન્ય છે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ને.

વિશ્વામિત્રનું હૃદય પણ હવે વેરભાવથી મુક્ત થયું હતું,અને વશિષ્ઠના શબ્દો સાંભળી તેમનું હૃદય
હવે શ્રદ્ધાભાવથી દ્રવી ગયું.અને વશિષ્ઠજીના દર્શન કરીને તેમના ચરણમાં પડ્યા.
વશિષ્ઠજીએ પણ તેમનો સત્કાર કરતાં કહ્યું કે-પધારો,પધારો બ્રહ્મર્ષિ. અને વિશ્વામિત્રને ભાવથી ભેટ્યા.
પછી વિશ્વામિત્ર સિદ્ધાશ્રમ નામના પ્રાચીન સ્થળે રહ્યા.ત્યાં રહી તેમણે અનેક યજ્ઞો કર્યા,પણ યજ્ઞમાં
મારીચ અને સુબાહુ વગેરે રાક્ષસો તેમના યજ્ઞમાં વિઘ્ન કરતા હતા.
તે રાક્ષસોથી યજ્ઞોનું રક્ષણ કરવા માટે,તેમણે રામ-લક્ષ્મણને લઇ આવવાનો વિચાર કર્યો.

પોતાની દિવ્ય દૃષ્ટિથી તેમને ખબર તો પડી જ ગઈ હતી કે શ્રી રામ એ પરમાત્માનો અવતાર છે.
એટલે તેમને આશ્રમમાં લાવી સતત તેમનાં દર્શન કરવાની તેમની ઈચ્છા હતી.
કોઈ પણ સત્કર્મમાં પ્રભુનું સ્મરણ ફળદાયી થાય છે.પ્રભુનું સ્મરણ એ જ યજ્ઞ છે.અને આવા
સ્મરણ-યજ્ઞનું મનુષ્ય આયોજન કરે તો પ્રભુ તેનું જરૂર રક્ષણ કરે છે.

વિશ્વામિત્ર પરમ પુરુષાર્થી હતા,પણ તેમને છેવટે સમજાયું હતું કે ભગવાનની કૃપા વગર યજ્ઞ પુરો નહિ થાય.યજ્ઞ કર્મના પુરુષાર્થમાં ઈશ્વર કૃપાને જોડવાથી જ યજ્ઞ પૂર્ણ થાય છે.
નહિ તો તાડકા,મારીચ યજ્ઞ ભંગ કરવા આવવાના જ.

વિશ્વામિત્ર ત્યાર પછી રામજીને યજ્ઞના રક્ષણ માટે આશ્રમમાં લઇ આવવા માટે અયોધ્યા
પ્રતિ પ્રયાણ કર્યું. અયોધ્યા આવીને સરયુ માં સ્નાન કરીને તેમણે નગરમાં પ્રવેશ કર્યો.
ને છેવટે દશરથ રાજાના દરબારમાં પધાર્યા.
રાજા દશરથ. વશિષ્ઠજીને સાથે લઇને સામે જઈને વિશ્વામિત્રનું સ્વાગત કર્યું અને તેમને
ઉંચા આસન પર બેસાડી તેમનું સ્વાગત કર્યું.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE