Aug 24, 2021

Gujarati-Ramayan-Rahasya-53-ગુજરાતી-રામાયણ-રહસ્ય-53

તે પછી રાજા દશરથે વિશ્વામિત્રને કહ્યું કે-હે,બ્રહ્મન,આપનાં અહીં પગલાં થવાથી હું કૃતાર્થ થયો છું,કહો આપની શી આજ્ઞા છે?હું નિશ્ચયપૂર્વક કહું છું કે આપનું કાર્ય હું કરીશ.જરાય વાર નહિ લગાડું.ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે-હે રાજન મારી ઈચ્છા પુરી કરવાની તમે પ્રતિજ્ઞા કરી છે એટલે મને ખાતરી છે કે મારું કામ સિદ્ધ થશે.હે રાજા,મારીચ અને સુબાહુ નામના રાક્ષસો મારા યજ્ઞમાં આવી વિઘ્ન કરે છે.ક્રોધ કરી શાપ આપી એમનો હું નાશ કરી શકું તેમ છું,પણ તેમ કરવાની મારી ઈચ્છા નથી.તમારા પુત્ર શ્રીરામ સત્ય-પરાક્રમી અને શૂરવીર છે,તેમના સિવાય બીજો કોઈ આ રાક્ષસોને હણી શકે તેમ નથી,તેથી અત્યારે હું થોડા દિવસ માટે તમારા પાસે શ્રી રામની માગણી કરવા આવ્યો છું.
માટે હે રાજા,મને શ્રી રામ આપો.(દેહી મે રામમ).


આ વાક્ય સાંભળતાની સાથે જ દશરથ રાજાને એવો આઘાત થયો કે વાલ્મીકિજી લખે છે કે-
તેઓ બેભાન થઇ આસન પરથી પૃથ્વી પર પડી ગયા.બે ઘડી પછી તે જયારે ભાનમાં આવ્યા,
ત્યારે તેમણે વિશ્વામિત્રને કહ્યું કે-હે,મહાત્મા,રામને હજુ સોળ વરસ પણ પૂરાં થયા નથી,રાક્ષસો મહા-ક્રૂર
હોય છે,તેમની સાથે લડવામાં એ સમર્થ હોય એવું મને લાગતું નથી,એને બદલે મારી સમસ્ત સેનાને લઇને 
હું જાતે તમારા યજ્ઞનું રક્ષણ કરવા આવવા તૈયાર છું.એ રાક્ષસો કોણ છે તે કહો.
ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે-દુષ્ટ રાવણના આ રાક્ષસો છે,એ પોતે તો આવતો નથી પણ મારીચ-સુબાહુને
તોફાન કરવા મોકલે છે.

દશરથ રાજા શૂરવીર હતા ઇન્દ્ર પણ એમની મદદ માગતો,પણ એ ઇન્દ્ર રાવણની કચેરીમાં એની સામે બે હાથ જોડીને ઉભો રહેતો હતો.એટલે રાવણનું નામ પડતાં જ દશરથ રાજા ભયભીત થયા.રાવણ કેવો જોરાવર છે તે તેમને ખબર હતી.રાવણ સામે દેવ,દાનવો ને ગંધર્વો પણ ટકી શકતા નહોતા.
તે વિચારે છે કે-પોતે પણ રાવણ સામે યુદ્ધમાં ઉભા રહેવા સમર્થ નહોતા તો શ્રીરામ તો ક્યાંથી ઉભા રહી શકે? એટલે કહે છે કે-હું રામને તો નહિ જ મોકલું.(રામ દેત નહિ બનઈ ગોસાઈ)
કહો તો મારા પ્રાણ કાઢી આપું પણ હું રામ ને નહિ આપી શકું.
(દેહ પ્રાન તે પ્રિય કુછ નાહીં,સોઉં મુનિ દેઉં નિમિષ એક માહીં)

આ સાંભળી વિશ્વામિત્રે કહ્યું કે-હે રાજન,પહેલાં તેં પ્રતિજ્ઞા કરી હતી તેનો તુ હવે ભંગ કરે છે,
શું આ રઘુકુલરીતિ છે? ભલે તો તારી પ્રતિજ્ઞા મિથ્યા કરી તું સુખી થા.
વશિષ્ઠજીએ જોયું કે વાત વણસી રહી છે એટલે તેઓ વચમાં પડ્યા અને તેમણે રાજાને સમજાવતાં કહ્યું કે-પ્રતિજ્ઞાનું પાલન કરવું એ ધર્મ છે,રાજાથી એ ધર્મ ના છોડાય.વિશ્વામિત્રથી રક્ષાયેલા શ્રી રામને હરાવવા કોઈ સમર્થ નથી,માટે તેમને તમે નિઃશંક થઇ ને મોકલો.શ્રી રામ-લક્ષ્મણ એ યજ્ઞના ફળ-રૂપે મળેલા છે,એટલે તે યજ્ઞ-પુત્રો છે.અને આજે જયારે યજ્ઞ પર સંકટ છે,ત્યારે યજ્ઞ-પુત્રો જ યજ્ઞનું રક્ષણ કરી શકશે.
યજ્ઞની રક્ષા માટે યજ્ઞ-પુત્રોને આપવા માટે ના ન કહેવાય.વિશ્વામિત્રની શક્તિ ને હું જાણું છું.
તેઓ મહાસમર્થ છે.ભૂત કે ભવિષ્ય તેમનાથી કોઈ અજાણ્યું નથી.એટલે તમારા પુત્રના હિત માટે જ આ
માગણી કરે છે તે વાતમાં કોઈ શંકા નથી.

વશિષ્ટજી કુલગુરુ હતા,બ્રહ્મનિષ્ઠ અને તપસ્વી હતા.રાજાને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ હતો,અને
કોઈ પણ કાર્ય કરતાં પહેલાં દશરથ રાજા તેમની સલાહ લેતા હતા.ગુરૂની વાણીથી રાજાને આશ્વાસન
મળ્યું,તેમના મનનો ભય દૂર થયો.ખરી વાત તો એ હતી કે રામના પર એમને એવો અગાધ પ્રેમ હતો કે 
રામના વિયોગની બીકે તેમને મૂર્છા આવી ગઈ હતી.રામના જ પ્રાણ એમનામાં વસ્યા હતા.

પછી રામ-લક્ષ્મણને ધનુષ્ય-બાણથી સજ્જ કરી વિશ્વામિત્રને આપતાં કહ્યું કે-
આ બેઉ મને પ્રાણ-પ્રિય છે.પણ હવે તમે જ એમના પિતા છો. અને રામ-લક્ષ્મણને કહ્યું કે-
વિશ્વામિત્ર ઋષિની આજ્ઞાનું સદા પાલન કરજો.વશિષ્ઠજીએ પણ વેદ-મંત્રોથી આશીર્વાદ આપ્યા.

વિશ્વામિત્ર બંને કુમારોને લઇ ને ચાલ્યા.આમ તો રાજકુમારો રથમાં બેસીને જાય તે સ્વાભાવિક છે પણ
વિશ્વામિત્ર ચાલતા જાય છે,એટલે શ્રીરામ-લક્ષ્મણ પણ તેમની પાછળ પાછળ ચાલતા જાય છે.
વિશ્વામિત્ર એટલે વિશ્વના મિત્ર.મનુષ્ય જો જગતનો મિત્ર થાય તો પરમાત્મા તેની પાછળ ચાલતા આવે છે.
જગતના મિત્ર ના થવાય તો વાંધો નહિ પણ જગતમાં કોઈ ના દુશ્મન ના થવાય તો પણ ઘણું.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE