Aug 29, 2021

Gujarati-Ramayan-Rahasya-58-ગુજરાતી-રામાયણ-રહસ્ય-58

વિશ્વામિત્રે કહ્યું કે –હે રામ,ગંગાવતરણની કથા એ તમારા સૂર્યવંશની કથા છે.તપના માહાત્મ્યની કથા છે.સૂર્યવંશમાં પૂર્વે સગર રાજા થઇ ગયા.તેમને બે રાણીઓ હતી.મોટી રાણીના દીકરાનું નામ હતું અસમંજસ.અને નાની રાણી ને સાઠ હજાર પુત્રો હતા.પાટવીકુંવર અસમંજસ ક્રૂર નીવડ્યો હતો,તેથી રાજાએ તેને દેશનિકાલ કરી દીધો હતો પણ અસમંજસનો પુત્ર અંશુમાન દાદાની જોડે રહેતો હતો.

એકવાર રાજા સાગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો,પણ યજ્ઞના અશ્વની એકાએક ચોરી થઇ ગઈ.
દ્વેષ-બુદ્ધિથી ઇન્દ્રે એ ઘોડો ચોર્યો હતો અને તે કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધો હતો.
સગરરાજાના સાઠ હજાર પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા અને તેમણે ઘોડાને જયારે કપિલ મુનિના આશ્રમમાં જોયો,ત્યારે કપિલ મુનિ આશ્રમમાં ધ્યાનમાં બેઠા હતા.સગર રાજાના પુત્રો મુનિને ચોર સમજી ગમે તેમ બોલવા માંડ્યા કે-દુષ્ટ ઘોડાચોર,ચોરી કરીને સાધુ હોવાનો ઢોંગ કરે છે.ઘોંઘાટથી કપિલ મુનિના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો.અને તેમની આંખો ઉઘડતાં જ સગર રાજાના સાઠે હજાર પુત્રો બળીને ભસ્મ થઇ ગયા.

'પામકજાનિ ધરૈ કાર પ્રાની,જરહિ ન કાહે તે અભિમાની,
જાણી ગરલ સંગ્રહ કરહી,સુનહુ રામ તે કહે ન મરહી'
તુલસીદાસજી કહે છે કે-જે પ્રાણી જાણી જોઈને અગ્નિ હાથમાં લે તે અભિમાની બળે ના તો બીજું શું થાય?
જાણી જોઈને જે ઝેર ભેગું કરે છે તે મરે નહિ તો બીજું શું થાય?

ઘણા વખત સુધી કાકાઓના કોઈ સમાચાર ના આવ્યા એટલે અંશુમાન તેમની શોધમાં નીકળ્યો.
અને ફરતો ફરતો કપિલમુનિના આશ્રમમાં પહોંચ્યો.અને મુનિ વિષે કાકાઓની જેમ કશું અઘટિત ના વિચારતાં,કપિલ મુનિના ચરણમાં જઈ પડ્યો.મુનિએ પ્રસન્ન થઇ તેને અશ્વ આપ્યો.અને તેના કાકાઓના મૃત્યુની વાત કરી,અંશુમાનને શોક થયો,અશ્વ લઈને પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં ગરુડજી મળ્યા,
તેમણે સલાહ આપી કે-સ્વર્ગમાંથી ગંગા જો પૃથ્વી પર પધારે,અને સગરપુત્રોની ભસ્મ પર થઇને વહે
તો સગર-પુત્રોની સદગતિ થાય.

ગંગાને સ્વર્ગમાંથી લાવવા અંશુમાને તપ કર્યું,પણ ગંગાજી પ્રસન્ન ના થયા.તેમના પછી તેમનો પુત્ર
દિલીપ પણ પિતાનું આદર્યું કાર્ય પૂર્ણ કરવાની ચિંતામાં રહેતો હતો અને ચિંતાગ્રસ્ત રાજા રોગ-ગ્રસ્ત થઇ મરણ પામ્યો. દિલીપના પુત્ર ભગીરથે અનેક વર્ષોની તપશ્ચર્યા કરીને બ્રહ્મા ને પ્રસન્ન કર્યા.અને જયારે
બ્રહ્માજીએ વરદાન માગવાનું કહ્યું ત્યારે-ભગીરથે માગ્યું કે-ધરતી પર ગંગાજી પધારે એવું કરો.

બ્રહ્માજીએ કહ્યું કે-ગંગાજી તો પૃથ્વી પર પધારશે પણ એમને કોણ ઝીલી શકશે?જો કોઈ ઝીલનારું નહિ હોય તો એમનો પ્રવાહ સીધો રસાતાળમાં ઉતરી જશે.માટે ગંગાજી ના પ્રવાહને ધારણ કરવા સમર્થ એવા મહાદેવજીને તું  પ્રસન્ન કર.તે પછી ભગીરથે શિવજીની આરાધના કરી.મહાદેવ તો પરમ દયાળુ છે અને માગતાં જ આપી દે તેવો એમનો સ્વભાવ,વળી આતો લાખો જીવોના ઉદ્ધારની વાત,એટલે ભગીરથની પ્રાર્થના તેમણે સ્વીકારી.

પણ ગંગાજીને હવે પોતાને માટે આટઆટલી તપસ્યાઓ અને પ્રાર્થનાઓ થઇ એટલે અભિમાન થયું.કે
“હું કેવી મહા પ્રબળ છું? હું ધારું તો મહાદેવજી ને પણ પાતાળમાં ચોંપી દઉં.”
આવો વિચાર કરી તેમણે વેગથી મહાદેવજીના મસ્તક પર પડતું મૂક્યું.
મહાદેવજી તો સર્વજ્ઞ છે.તેઓ ગંગાજીનો ગર્વ સમજી ગયા,અને ગંગાજીના હિત માટે તમનો ગર્વ ઉતારવાનો તેમણે નિશ્ચય કર્યો.જેવાં ગંગાજી એમના માથા પર પડ્યા કે તેમણે તેમની જટામાં જ સમાવી દીધાં.જટામાંથી બહાર નીકળવાનો રસ્તો જ એમને જડ્યો નહિ,અને એમાં જ ઘૂમતાં રહ્યાં.

ભગીરથે ફરીથી શિવજીને પ્રાર્થના કરી કે ગંગાજીને મુક્ત કરો.
ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ ગંગાજીને મુક્ત કર્યા,હવે ગંગાજી નો ગર્વ ઉતરી ગયો.અને 
આમ ભગીરથના મહા (ભગીરથ) પ્રયત્નથી ગંગાજીનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું.  
PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE