More Labels

Dec 21, 2018

Gujarati-Ramayan-Rahasya-57-ગુજરાતી-રામાયણ-રહસ્ય-57

વિશ્વામિત્ર ના યજ્ઞનો ભંગ કરવા મારીચ આવ્યો છે,પણ એક દરવાજે ઉભેલા રામને જોઈ તેનું મન દ્ર્વ્યું એટલે બીજે દરવાજે ગયો ત્યાં પણ તેને રામ દેખાયા. યજ્ઞ મંડપના ચારે દરવાજે ગયો પણ દરેક દરવાજે રામના દર્શન થાય છે. એ વિચારમાં પડી ગયો કે-બધે એક જ જાતના બાળકો કેમ દેખાય છે? એ એક જ છે કે જુદા જુદા છે? જુદા જુદા હોય તો એક જેવા કેમ દેખાય છે?

મનુષ્યે પણ યજ્ઞ કરવા બેસે ત્યારે પ્રત્યેક દ્વારે પરમાત્માને પધરાવવાના છે .
બીજા યજ્ઞોમાં તો ખૂબ ધન અને સાધન સામગ્રી જોઈએ,અને બધા જ તેમ કરી શકે નહિ,
પણ જપ-યજ્ઞ બધા કરી શકે છે.ગીતામાં કહ્યું છે કે-યજ્ઞોમાં હું જપ-યજ્ઞ છું.જપ-યજ્ઞ શ્રેષ્ઠ છે અને તે,ગમે ત્યારે પણ કરી શકાય છે.હાલતાં,ચાલતાં,સૂતાં,ખાતાં,પીતાં પણ આ જપ સાચી રીતે કરવામાં આવે તો સમાધિ લાગી જાય છે.એવો ચમત્કારિક છે આ જપ-યજ્ઞ.

આ જપ-યજ્ઞમાં શ્રદ્ધા એ પત્ની છે,આત્મા એ યજમાન (પતિ) છે,શરીર તે યજ્ઞ-ભૂમિ છે.અને ફળ રૂપે
પરમાત્માને પ્રાપ્ત કરવાના છે.જીવાત્મા અને પરમાત્માનું મિલન એ ફળ છે.
યજ્ઞ મંડપના દરવાજા એટલે ઇન્દ્રિયોના દરવાજા.પર કામ,ક્રોધ,લોભ –વગેરે-રૂપી-મારીચ અને સુબાહુ
રાક્ષસો વિઘ્ન કરવા દોડી આવે છે,પણ જો ઇન્દ્રિયોના દ્વાર પર રામજીને બેસાડેલા હશે તો,
તેમનું કંઈ ચાલશે નહિ.

છ-દિવસ ને રાત નિંદ્રાનો ત્યાગ કરીને રામ-લક્ષ્મણે વિશ્વામિત્રના યજ્ઞ નું રક્ષણ કર્યું.
છઠ્ઠે દિવસે મરણિયા બનીને મારીચ અને સુબાહુએ પોતાના દળ સાથે હુમલો કર્યો,ત્યારે રામજીએ,
એક ફણા વગરનું બાણ છોડ્યું,એ બાણથી તે ઊંચકાઈ ને સો જોજન દૂર સમુદ્રમાં જઈ ને પડ્યો.
રામજી પરમ દયાળુ છે,મારીચને તેમણે જાણી જોઈ ને માર્યો નથી.સુબાહુ રામની શક્તિને સમજી શક્યો નહિ,અને તે મરણ શરણ થયો. વિશ્વામિત્ર નો યજ્ઞ પૂર્ણ થયો.વિશ્વામિત્ર ના આનંદનો પાર નથી
દેવો એ આકાશ માંથી પુષ્પ વૃષ્ટિ કરે છે.

વિશ્વામિત્રનો યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયો.એવામાં જ જનકપુરીથી રાજા જનકની કંકોતરી આવી કે
જનકતયા સીતાનો સ્વયંવર છે.રાજા ધનુષ્ય યજ્ઞ કરે છે.મોટા રાજાઓ અને ઋષિ-મુનિઓ પધારવાના છે,આપ પણ પધારો.વિશ્વામિત્રે રામ-લક્ષ્મણ ને કહ્યું કે-જનકરાજા પાસે એક અદભૂત ધનુષ્ય છે તે જોવા જેવું છે.ભગવાન શંકરનું એ ધનુષ્ય છે.અને જનકરાજાના ઘરમાં તેની નિત્ય પૂજા થાય છે.એ ધનુષ્ય એવું ભારે છે કે-દેવો,ગંધર્વો,અસુરો,રાક્ષસો કે મનુષ્યોમાંથી કોઈ એણે ઊંચકી પણ શકતું નથી.પછી તેની પણછ ચડાવવાની તો વાત જ ક્યાંથી? આપણે પણ ત્યાં જઈએ.
રામજી કહે છે કે-ગુરુજી અમે તો આપની આજ્ઞાને આધીન છીએ.

પછી રામ-લક્ષ્મણ સહિત વિશ્વામિત્ર ઋષિ જનકપુર જવા નીકળ્યા.રસ્તામાં ગંગા નદી આવી.
ગંગા ને ત્રિપથગા પણ કહે છે. ત્રિપથગા એટલે સ્વર્ગ,આકાશ અને પૃથ્વી એ ત્રણે લોકમાં ગતિ કરનારી.
ગંગાને ભાગીરથી પણ કહે છે.આ ગંગા કિનારે મુકામ કર્યો એટલે રામજીએ ઋષિને પ્રશ્ન કર્યો કે-
ગંગા ને ભાગીરથી અને ત્રિપથગા કેમ કહે છે તે મને કહો.ત્યારે વિશ્વામિત્રે ગંગાજી ના અવતરણ ની કથા કહી.

પર્વતો ના રાજા હિમાલયને બે પુત્રીઓ હતી.મોટી નું નામ ગંગા અને નાની નું નામ ઉમા.
દેવોની માગણીથી હિમાલયે ગંગા દેવોને અર્પણ કરી.
ગંગા પહેલાં આકાશમાર્ગ,પછી સ્વર્ગલોકમાં અને પછી પૃથ્વી પર આવી.તેથી તેને ત્રિપથગા કહે છે.
ઉમા ઉગ્ર તપશ્ચર્યા કરી શિવજી ની અર્ધાંગના બની,સમગ્ર વિશ્વમાં પૂજનીય બની.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE