More Labels

Jan 1, 2019

Gujarati-Ramayan-Rahasya-62-ગુજરાતી-રામાયણ-રહસ્ય-62

ભોજન બાદ થોડી વિશ્રાંતિ કરી,મુનિની રજા લઈને રામ-લક્ષ્મણ નગરની શોભા જોવા નીકળ્યા.બંને ભાઈઓએ પીળાં વસ્ત્રો ધારણ કર્યા છે,બેઉની ડોક સિંહ-સમાન છે,ડોકમાં માળા છે,બાહુ વિશાળ છે,નેત્રો કમળ સરખાં છે,મુખ ચંદ્રમા સમાન છે,કાનમાં કુંડળ છે ને માથે વાંકડિયા પણ સુંવાળા વાળ છે.
તુલસીદાસજી એ શ્રીરામને “રૃપ,શીલ,બલધામ” કહ્યા છે.રૂપ પ્રગટ્યું જનકપુરમાં,શીલ અયોધ્યામાં અને બળ લંકામાં.

જેમ દરિદ્રો ખજાનો લુંટવા દોડે,તેમ લોકો તેમને જોવા ઘરબાર,કામ-ધંધો છોડીને દોડી આવે છે.
જે જુએ છે તેમની નજર એ બે બાળકો (રામ-લક્ષ્મણ) પર જ ચોંટી રહે છે.અને કહે છે કે-
'નિરખી સહજ સુંદર દોઊ ભાઈ,હોહિ સુખી લોચન ફળ પાઈ.'
હાશ,આજે અમે આંખોનું ફળ પામ્યા,પ્રભુએ આપેલી આંખો આજે સાર્થક થઇ.

સ્ત્રીઓનું હૃદય સરળ,કોમળ અને ભાવુક હોય છે,એટલે પુરુષ કરતાં સ્ત્રી પ્રભુની વધારે નજીક છે.
જનકપુર ની સ્ત્રીઓ કહે છે કે-
'બચ કિશોર સુષમાવદન,શ્યામ ગૌર સુજ ધામ,અનાગ અંગ પર વારિઆહં કોટિ કોટિ સતકામ.'
કરોડો કરોડો કામદેવો આવરી નાખીએ એવા આ બે બાળકો કેટલા સુંદર છે?તેમને કોટિ પ્રણામ.
રામજી જ્યાં જ્યાં જતા ત્યાં આમ આનંદ પ્રવર્તી જતો.બંને ભાઈઓને નગર જોવામાં ઘણું મોડું થઈ ગયું
રામજી વિચારે છે અને તેમના મનમાં બીક લાગે છે કે-મોડું કરવા બદલ ગુરુદેવ ઠપકો તો નહિ આપે ને?

તુલસીદાસજી કહે છે કે-જેના ભયથી, ભયને પણ ભય લાગે છે,તેવા પ્રભુ કેવી લીલા કરે છે?
શ્રીરામની મર્યાદા નું આ એક દૃષ્ટાંત છે.સ્નેહ,નમ્રતા,સંકોચ-વગેરે ગુણો,અહીં પ્રગટ કર્યા છે.
ગુરુજન નજીક,તેમની સાથે રહ્યા હોય તો કેવી રીતે વર્તવું? એ અહીં બતાવે છે.
મુકામે પાછા આવી રામ-લક્ષ્મણે સંધ્યા વંદન કર્યું.
રામાયણમાં વારંવાર રામજી સંધ્યા વંદન કરે છે તેવો ઉલ્લેખ આવે છે.

આજકાલ તો સર્વે (બ્રાહ્મણો પણ) સંધ્યા વંદનથી દૂર ભાગે છે,એટલે જ્ઞાન પણ તેમનાથી દૂર ભાગે છે.
સંધ્યા વંદન-થી અંતરમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે.સંધ્યા કરનાર મૂર્ખ કે દરિદ્ર રહેતો નથી,તેના પાપ નષ્ટ થાય છે. પણ આજકાલ તો લોકો કહે છે કે અમે તો પાપ-પુણ્યમાં માનતા નથી.તો પછી,તેમને પાપ નષ્ટ કરવામાં ક્યાંથી રસ હોય? પાપની બીક નથી,એટલે તેમને પાપ ભેગું કરવામાં રસ છે,
વ્યક્તિગત (જાતને) સુધરવામાં જ રસ નથી,પરિણામે દેશની ય દુર્દશાનો પાર ક્યાંથી આવે?

સંધ્યા-વંદન પછી,વિશ્વામિત્રે,રામ-લક્ષ્મણને પાસે બેસાડી ઇતિહાસ-પુરાણોની વાતો કહી.
પછી મુનિએ શયન કર્યું,એટલે બંને ભાઈઓ તેમના પગ દાબવા બેઠા.
બંને રાજકુમારો છે પણ સદ-ગુરૂ-કૃપા માટે સદ-ગુરૂ-સેવા કરે છે, સદ-ગુરૂ-સેવાનું તેઓ,ઉદાહરણ બતાવે છે.વિશ્વામિત્રે ફરી ફરી કહ્યું-કે હવે સૂઈ જાઓ.ત્યારે રામે ચરણ સેવા છોડી અને શયન કર્યું,ત્યારે લક્ષ્મણ
રામજીની ચરણ સેવા કરે છે.વડીલોની સેવા નું લક્ષ્મણ અહીં ઉદાહરણ આપે છે.

લક્ષ્મણ સુએ છે સહુ છેલ્લે અને સવારે સહુથી વહેલા ઉઠે છે.વડીલો અને ગુરુજનોથી વહેલા જાગવું
એવો ધર્મ અહીં બતાવ્યો છે.રામજી પણ ગુરૂ પહેલા ઉઠી ગયા છે.
સવારે સ્નાન-સંધ્યા આદિથી પરવારી ગુર ના દર્શન કરીને હાથ જોડીને ઉભા,ત્યારે ગુરુએ કહ્યું કે-
બગીચામાં જઈ પૂજા માટે ફુલ-તુલસી કઈ આવો.એટલે રામ-લક્ષ્મણ બગીચામાં ગયા.
અને ત્યાં આગળ કામ કરતા માળીને માનપૂર્વક –કાકા- કહીને બોલાવી ને પૂજા માટે ફુલ તોડવાની રજા માગી.માળી ગદગદિત થઇ કહે છે કે-હું તો રાજાના ઘરનો એક અધમ નોકર છું.
ત્યારે રામજી કહે છે કે-તમે રાજાના નોકર ભલે હો,પણ ઉંમરમાં મોટા છો,તેથી વડીલ છો.
રામજીનો વિનય જોઈ ને માળી રામજીને વારંવાર વંદન કરે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE