Sep 10, 2021

Gujarati-Ramayan-Rahasya-69-ગુજરાતી-રામાયણ-રહસ્ય-69

અયોધ્યા જાન લઇને પાછા ફરતાં દશરથજીને શુભ અને અશુભ બંને પ્રકારના શુકન એકી સાથે થયા.જેથી તેમનું મન ખિન્ન થયું,અને તેમણે ગુરૂ વશિષ્ઠને તે બાબતે પૂછ્યું.વસિષ્ઠ કહે છે કે-રાજન ગભરાવાનું કોઈ કારણ નથી,થોડા વખતમાં આપત્તિ ઉતરશે પણ સાથે સાથે મૃગો જમણી બાજુ ઉતરે છે તે શુભ શુકન છે,તે બતાવે છે કે આપત્તિ ટળી પણ જશે.

આમ વાતચીત ચાલે છે તેવામાં તો ભયંકર વાવાઝોડું શરુ થયું,મોટા મોટા વૃક્ષો નીચે પડવા લાગ્યા,ધૂળથી સૂરજ ઢંકાઈ ગયો,બધા દિશા-મૂઢ થઇને આ પરિસ્થિતિને જોઈ રહ્યા.એટલામાં તો ભયાનક આકૃતિ વાળા,
જમદગ્નિ-પુત્ર પરશુરામ ત્યાં બધાની સામે આવી ઉભા.વસિષ્ઠ ઋષિએ આગળ આવી તેમનો સત્કાર કર્યો,પણ પરશુરામે તેમની સામે પણ જોયા વિના પડકાર કર્યો. “ક્યાં છે રામ? શિવ-ધનુષ્ય તોડીને તેણે મારી શત્રુતા વહોરી છે.”

દશરથજી ભયભીત થઇને આગળ આવ્યા અને કહેવા લાગ્યા-કે-હે,પ્રભુ દયા કરો,હવે તો ક્ષત્રિયો પર તમારો 
કોપ શાંત થયો છે એવું અમે સાંભળ્યું છે,વળી “હવે ફરી શસ્ત્ર ગ્રહણ નહિ કરું” એવી પ્રતિજ્ઞા લઇને
તમે જીતેલી પૃથ્વી કશ્યપમુનિને દાનમાં આપીને ચાલ્યા ગયા હતા,એવું પણ સાંભળ્યું છે.
આમ છતાં પરશુરામનો ક્રોધ ઓછો થતો નથી એટલે રામજી આગળ આવીને કહે છે કે-
શિવજીનું ધનુષ્ય તોડનાર આ આપનો સેવક છે,બોલો શી આજ્ઞા છે.?

લક્ષ્મણજી વચ્ચે પડ્યા એટલે પરશુરામ વધુને વધુ ઉશ્કેરાયા,ત્યારે વિશ્વામિત્ર વચ્ચે પડ્યા.અને ક્ષમા પ્રાર્થના કરી. પણ વાતનો અંત થતો નહોતો.છેવટે રામજીએ કહ્યું કે-ધનુષ્ય જુનું હતું અને તેને હાથ અડકતાં તે તૂટી ગયું,તેને તોડવાનો મારો કોઈ ઈરાદો નહોતો,કે તે તૂટી જવાથી મને કોઈ અહંકાર પણ નથી થયો.મેં ધનુષ્ય તોડ્યું હોય તો મને અહંકાર થાય ને? બાકી એટલું જાણી લેજો કે-રઘુવંશી રણમાં કાળથી પણ ગભરાતા નથી,
ડરીને નહિ પણ પૂજ્ય-ભાવથી એ બ્રાહ્મણને નમે છે,એટલે આપને હું નમસ્કાર કરું છું.

હવે પરશુરામ રામની આવી નમ્રતાભરી વાણી સાંભળીને નરમ પડ્યા અને રામને કહે છે કે-
તેં શિવજીનું ધનુષ્ય તોડ્યું,પણ આ મારી પાસે વિષ્ણુ ધનુષ્ય છે લે,તેની પણછ ચડાવી આપ તો હું જોઉં.
પરશુરામ હજુ તો “લે, આ ધનુષ્ય” એમ કહે છે ને એ કહેતાંની સાથે જ એમના હાથમાંથી એ ધનુષ્ય
આપોઆપ સરકીને રામજીના હાથમાં ચાલી ગયું.સાથે સાથે પરશુરામનું તેજ પણ જાણે ચાલી ગયું,અને પરશુરામ એ ક્ષણે જ સમજી ગયા કે-રામ એ જ વિષ્ણુ છે,અને એટલે જ એમનું જ (માલિકનું) ધનુષ્ય એમની પાસે (માલિક) પાસે ચાલી ગયું.

'એ ધનુષ્ય માલિકને ઓળખી ગયું,ને મેં હૈયાફૂટાએ તેમને ઓળખ્યા નહિ,ધિક્કાર છે મને.
એક ધનુષ્ય (શિવજીનું) શ્રીરામને અડકતા તૂટી ગયું,એ સાંભળી ને આ બીજું (વિષ્ણુ નું) ધનુષ્ય,ડાહ્યું બની 
સમજી ગયું કે-હું પણ અક્કડ રહીશ તો મારે પણ તૂટવું પડશે.એટલે તે આપમેળે જ પ્રભુ ને સમર્પિત થઇ ગયું'

આમ,પરશુરામને પાર વગરનો પસ્તાવો થયો.અને રામના પ્રભાવનું ભાન થવાથી તેમને અપૂર્વ હર્ષ પણ થયો.
તે હવે સમજી ગયા કે-“શ્રીરામના કર્તૃત્વમાં અહંકાર નથી.કર્તૃત્વ વગર કર્મ ના થાય એવું જે મેં માન્યું હતું તે મારી ભૂલ હતી.' પરશુરામ ને પોતાની ઉણપનું ભાન થાય છે,અને હવે બે હાથ જોડી ને રામની સ્તુતિ અને પ્રાર્થના કરે છે.શ્રીરામચન્દ્રજીને વંદન કરી ને ત્યાંથી તે વનમાં તપ કરવા ચાલ્યા જાય છે.

જે ભયાનક આપત્તિનો દશરથ રાજાને ભય થયો હતો તે આપત્તિ આવી અને ટળી ગઈ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE