Sep 9, 2021

Gujarati-Ramayan-Rahasya-68-ગુજરાતી-રામાયણ-રહસ્ય-68

ત્યાર બાદ સીતાજીની લગ્ન-મંડપમાં પધરામણી થઇ. તુલસીદાસજી કહે છે કે-સીતાજીની સુંદરતા વર્ણવી જાય તેમ નથી.કારણ કે બુદ્ધિ નાની છે ને સુંદરતા મોટી છે.
બ્રાહ્મણોએ શાંતિપાઠ ભણ્યો,ગણપતિ પૂજન થયું.સીતાજી સુંદર સિંહાસન પર વિરાજમાન થયાં.જનકરાજા અને તેમના રાણી અત્યંત પ્રેમમગ્ન બની ને રામચંદ્રનાં પવિત્ર ચરણ ધોવા લાગ્યાં.જે ચરણ-કમળ શિવજીના હૃદય-સરોવરમાં વિરાજે છે તેનો સ્પર્શ થતા,રાજારાણી અપૂર્વ આનંદ અને સુખ અનુભવી રહ્યાં. તે પછી કુળગુરૂ એ વર-કન્યાનો હસ્તમેળાપ કર્યો.

વશિષ્ઠજી મંગલાષ્ટક ગાવા લાગ્યા.વિધિપૂર્વક ચારે ભાઈઓનાં લગ્ન થયાં.જનકરાજાએ કન્યાદાન આપ્યું.
રાજા કહે છે કે-પ્રતિગુહ્યતામ-હું કન્યાદાન કરું છું,આ કન્યાનો તમે સ્વીકાર કરો.
રામજીએ કહ્યું-કે-પ્રતિ ગૃહણામિ-હું સ્વીકાર કરું છું.
વશિષ્ઠની આજ્ઞાથી રામ-સીતા એક આસને બેઠાં,હોમ હવન થયા,મંગળફેરા થયા.
ચારે ય કન્યાઓ ચાર વરરાજા જોડે એક જ મંડપમાં શોભી રહી.

સીતા-રામનાં લગ્ન કાંઇ સાધારણ માનવ નર-નારીનાં લગ્ન નથી.પણ વિશ્વનિયંતા પરમાત્મા અને 
પરમાત્માની આદ્યશક્તિ જગદંબાનાં લગ્ન છે.કે જેમાં આખું ભૂમંડળ અને નભોમંડળ ભાગ લે છે!! 
પુરુષ-પ્રકૃતિનાં લગ્નનો વિધિ ત્રણે કાળ (ભૂત-ભવિષ્ય-વર્તમાન) ચાલ્યા કરે છે!!
અનંત બ્રહ્માંડના નાથની આ અકળ લીલા મનોહર છે,અને જીવ આ સમજી શકે તો ભાગ્યશાળી !!
જીવની આંખો આગળ જ સદાકાળ આ લગ્નનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે,જીવ પોતે આ લગ્નનો
જાનૈયો છે.તેમ છતાં જીવને ક્યાં ફુરસદ છે આજુબાજુ કે અંતરમાં ચાલતા એ લગ્ન ને જોવાની???

લગ્નની અંતે જનકરાજાએ અતિશય વિનયપૂર્વક દશરથરાજા સામે હાથ જોડી કહ્યું કે-
હે રાજન,આપની સાથે સંબંધ થવાથી અમે સર્વે પ્રકારે મોટા થયા છીએ.અમે આપના સેવક છીએ.
દશરથ રાજાએ પણ સામો એવો જ વિનય કર્યો.

જમણવાર થયો,અને વરકન્યા જાનીવાસે જાય છે.લગ્ન પછી એકી-બેકીની રમત રમાય છે.
પતિ પત્ની તત્વથી એક છે.બંનેનો સ્વભાવ એક ના થાય ત્યાં સુધી લગ્ન સફળ થતું નથી.
તન બે પણ મન એક.ગૃહસ્થાશ્રમ એ અદ્વૈત સિદ્ધ કરવાનું પહેલું પગથિયું છે.
સીતા-રામ એ બંને જુદા નથી,બંને એક જ છે,અભિન્ન છે.

દશરથ રાજા રોજ અયોધ્યા પાછા જવા માટે જનકરાજાની સંમતિ માગે છે,અને જનક રાજા “આજે નહિ કાલે”
એમ કહે જાય છે.છેવટે શતાનંદે રાજાને સમજાવ્યા અને રાજાએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.
જાન જાય છે એવું સાંભળી જનકપુરીના લોકો ઉદાસ થઇ ગયા.જાનૈયાઓને અસંખ્ય ભેટો આપી.
વિદાય વખતે રાણી સીતાને આશીર્વાદ આપીને શિખામણ આપે છે કે-સાસુ-સસરાને પતિની સેવા કરજે
અને પતિની આજ્ઞા માં રહેજે.

જનકરાજા મહાજ્ઞાની હતા પણ વિદાય વેળા તેમનું ધૈર્ય પહેલી વખત ખૂટી ગયું છે.
સીતાજી તો સાક્ષાત ભગવતી છે,તેથી તેઓ ભલે જ્ઞાની હોય પણ તેમની ધીરજ કેમ કરી રહી શકે?
બધા એ તેમને સમજાવ્યા ત્યારે દિલ કાઠું કરીને કન્યાઓ ને પાલખીમાં ચડાવી.
દશરથ રાજા અને સમસ્ત મુનિ મંડળીને મસ્તક નમાવી પ્રણામ કર્યા.જમાઈઓને ભેટ્યા અને પછી 
ધીરેથી રામજી ને તેમણે કહ્યું કે-'બાર બાર માગઊં કર જોરે,મનુ પરિહરૈ ચરણ જનિ ભોરેં
હું હાથ જોડી એટલું જ માગું કે-ભૂલે ચુકે પણ મારું મન તમારાં ચરણનો આશ્રય ના છોડે.
નિશાન ડંકા વગડાવી જાન અયોધ્યા તરફ પાછી જવા નીકળી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE