Sep 24, 2021

Gujarati-Ramayan-Rahasya-83-ગુજરાતી-રામાયણ-રહસ્ય-83

રસ્તામાં ઉભેલા લોકોનું રામજી સ્મિત કરી કરીને સ્વાગત કરે છે અને જાણે કશું જ બન્યું નથી,તેમ માતા કૌશલ્યાના ભવનમાં પ્રવેશ કરે છે.રામને જોઈને કૌશલ્યામા બહુ રાજી થયાં,શ્રીરામે તેમના ચરણમાં મસ્તક નમાવ્યું,માતાએ તેમને હૃદય સરસા લગાવી કહ્યું કે-
હે રામ,તારો આજે રાજ્યાભિષેક છે,આજે મંગળ દિવસ છે,તુ કાલનો ઉપવાસી છે,
આસન ગ્રહણ કર.અને થોડી મીઠાઈ ખાઈ લે.

રામજી આસનને માત્ર સ્પર્શ કરીને માતા સમક્ષ હાથ જોડીને ધીર-ગંભીર સ્વરે માને કહે છે કે-
હે માતા,હવે આવા રત્નજડિત આસનનું મારે શું કામ?હવે તો દર્ભાસન પર બેસવાનું છે,મીઠાઈ નહિ 
પણ કંદમૂળનો આહાર કરવાનો છે.મા,પિતાજીએ સંજોગોને વશ થઇને ભરતને ગાદી અને મને 
ચૌદ વર્ષના વનવાસની આજ્ઞા આપી છે,માટે હે,માતા આપ પણ મને પ્રસન્ન થઇને રજા આપો.

કેળ પર જાણે કુહાડી પડી ! કૌશલ્યામા આ વાત સાંભળતાં જ જમીન પર પડી ગયાં,તેમનું શરીર થરથર 
કાંપવા લાગ્યું.રામચંદ્રજીએ તરત જ તેમણે બેઠાં કરીને આસન આપ્યું.અને વિગતે વાત કહી સંભળાવી.
તે સાંભળી કૌશલ્યામા બોલી ઉઠયા કે-અરે રે ચંદ્રમા ચીતરવા જતાં રાહુ ચિતરાઈ ગયો!!
લિખત સુધાકર ગા લિખી રાહુ!!

પણ હવે લક્ષ્મણજીનો ક્રોધ દાબ્યો રહ્યો નહિ.તે બોલી ઉઠયા કે-
વગર વાંકે કોઈને સજા થઇ શકે નહિ તે -ન્યાય-નિયમ છે.નિર્દોષ રામનો ત્યાગ કરનાર પિતાને ધર્મજ્ઞ 
કેવી રીતે કહી શકાય ? સ્ત્રીની ભંભેરણીથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે,કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય 
કાર્યનો વિવેક તેમણે ગુમાવ્યો છે. એવો અવળે માર્ગે ચડી ગયેલ પુરુષ ભલે પિતા હોય કે ગુરૂ હોય,
તો પણ તેને શિક્ષા કરવાનું શાસ્ત્રમાં કહેલું છે.એટલે હું મારા મોટાભાઈને કહું છું કે,આ રાજ્ય તમારું જ છે,
અને આજે જ તમારો રાજ્યાભિષેક થશે,અને જે કોઈ તેમાં વિઘ્ન કરવા આવશે તેનો હું વધ કરીશ.

આ સાંભળી રામચંદ્રની ધર્મ નિષ્ઠા અને હૃદયની કોમળતા જરા પણ ઓછી કે શિથિલ થતી નથી,
તેમણે હસીને નાના ભાઈને પડખામાં લીધો,ને તેના આંસુ લુછીને તેં ક્રોધને શાંત કરવા કહ્યું-
હે,લક્ષ્મણ,આ લોકમાં ધર્મ એ જ સર્વોત્તમ છે.ધર્મમાં જ સત્ય રહેલું છે.
લક્ષ્મણનો રોષ હજુ શાંત થયો નથી,કહે છે કે-હું એ જ કહું છું કે,શત્રુઓનો નાશ કરવો તે ક્ષત્રિયનો ધર્મ છે.

શ્રીરામ હસીને કહે છે કે-એ ક્ષત્રિયનો ધર્મ ખરો,પણ માત-પિતાની આજ્ઞા પાળવી તે પુત્રનો ધર્મ ખરો કે નહિ?પેલો ક્ષત્રિય ધર્મ છે અને આ સત્ય-ધર્મ છે.એવા સત્ય-ધર્મને શ્રેષ્ઠ માનનારો હું,
પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે અસમર્થ છું.! સત્પુરુષોએ સેવેલો માર્ગ આ જ છે.
લક્ષ્મણ કહે છે કે-પણ પિતા એ ક્યાં તમને સ્વ-મુખે આજ્ઞા આપી છે?
શ્રીરામ કહે છે કે-પિતાની વતી જ માતાએ આજ્ઞા કરી છે.

પછી શ્રીરામે માતાજીના ચરણોમાં પ્રણામ કરી કહ્યું કે-હે માતા,તમે પ્રસન્ન થઇને મને વનમાં જવાની આજ્ઞા આપો,તમને મારા પ્રાણના સમ છે.મને આશીર્વાદ આપો.કૌશલ્યાના મનમાં ભારે ધર્મ-સંકટ પેદા થયું છે,
પુત્રને વનમાં જવાનું કહેવાનો તેમનો જીવ ચાલતો નથી,અને જો તેમ ના કહે તો ધર્મનું પાલન થતું નથી,
અને ભાઈઓમાં કલહ થવાની શક્યતા છે. છેવટે અત્યંત ધીરજ ધારણ કરીને બોલ્યાં-
બેટા ભરત રાજા બને અને તું વનમાં જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય-
પણ મારા મનમાં કોઈ વિષમતા નથી, મને ચિંતા અને દુઃખ એક જ છે-કે તારા વિના તારા પિતાનું શું થશે ? ભરતનું અને અયોધ્યાનું શું થશે ? તારો વિયોગ તારા પિતાથી કે ભરતથી સહન થશે નહિ.

હે પુત્ર,તારા વનમાં જવાથી વન ભાગ્યશાળી બનશે,અને અયોધ્યા અભાગી બનશે.
'બડભાગી બનુ અવધ અભાગી!!' બેટા, તારી સાથે વનમાં આવવાનું મન મને પણ થાય છે,પણ જો હું તેમ 
કહીશ તો તને થશે કે માતા, એ બહાને મને રોકવા ચાહે છે,એટલે એવી હું માગણી કરતી નથી, હું તારી 
સાથે આવું,પણ પતિવ્રતાનો ધર્મ મને ના પાડે છે.હું ચોખ્ખું જોઉં છું કે આજે સર્વ પુણ્ય પરવાળી ગયા છે,
કરાલ કાળ વિપરીત થઇ ગયો છે.'સબ કર આજુ સુકૃત ફળ બીતા,ભયઉ કરાલ કાળ બિપરીતા.'
આજે દૈવ (પ્રારબ્ધ) જ પ્રબળ થયું છે,અને દૈવે જ કૈકેયી ને કુબુદ્ધિ સુઝાડી છે.
પછી કૌશલ્યાએ પુત્ર વિયોગનું દુઃખ મનમાં જ ભંડારીને,પવિત્ર જળ વડે,આચમન કરીને ,
રામચંદ્રજીની મંગલ-રક્ષા કરી. “વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.”

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE