Sep 26, 2021

Gujarati-Ramayan-Rahasya-84-ગુજરાતી-રામાયણ-રહસ્ય-84

કૌશલ્યા માતાના ચરણમાં પ્રણામ કરીને ત્યાંથી શ્રીરામ ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે,તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે-સર્વને વંદન કરી ધરતી પર નજર રાખીને ઉભાં છે.રામચંદ્રે સીતાજીને કહ્યું કે-હે જાનકી,પિતાની આજ્ઞાથી હું ચૌદ વર્ષ વનમાં જાઉં છું,તમે તમારું અને મારું ભલું ચાહતા હો તો,મારું વચન માની ઘેર રહો,
જેથી મારાથી પિતાજીની આજ્ઞા પળાશે અને ઘેર તમારાથી સાસુ-સસરાની 
સેવા થશે ,વળી તમે ઘેર રહેશો તો તેમને પણ ઘણો આધાર રહેશે.

કૌશલ્યામા કહે છે-કે-બેટા, તારે વનમાં જવું હોય તો જા,પણ મારી સીતા મારી પાસે રહેશે,મારો દીકરો 
દુઃખી થાય તો વાંધો નહિ પણ મારા ઘરે પારકી દીકરી આવી છે તે કોઈ રીતે દુઃખી ન થવી જોઈએ,
તેનું તો મારે પલકો જેમ આંખનું રક્ષણ કરે છે-તેમ રક્ષણ કરવાનું છે.તારા પિતાની એવી આજ્ઞા છે.
વળી તે ઘરમાં હશે-તો અમને તેનો આધાર રહેશે.

સીતા મનમાં વિચારવા લાગ્યા-કે –પ્રાણનાથની સાથે શરીર અને પ્રાણ બંને જશે ? કે કેવળ એકલા પ્રાણ જશે? સીતાજી ધીરજ ધારણ કરી બોલ્યાં.”આપે સુંદર ઉપદેશ આપ્યો,પણ સ્ત્રીનો આધાર કેવળ એક તેના 
પતિ છે.સ્ત્રીના માટે પતિ પરમાત્મા છે.મારા પતિ વિના સ્વર્ગ પણ નરક સમાન છે,તમે જ્યાં જશે ત્યાં હું આવીશ.તમે વનમાં દુઃખ સહન કરો અને હું રાજમહેલમાં સુખ ભોગવું-તે મારો ધર્મ નથી.મારો ત્યાગ ન કરો.

તમને એવી ખાતરી હોય કે તમારાં વિયોગમાં સીતા ચૌદ વર્ષ જીવશે –તો મને ઘરમાં રહેવા આજ્ઞા આપજો.
વધારે શું કહું ?નાથ તમે તો અંતર્યામી છો.”
રામચંદ્રે ત્યારે વનવાસના દુઃખોનો ખ્યાલ આપ્યો અને કહે છે કે-વનવાસમાં અત્યંત વિકરાળ પ્રાણીઓ,રાક્ષસો,ઝેરી જીવ-જંતુઓ –વગેરે નો ભય છે.રસ્તાઓ કાંટા-કાંકરાવાળા,નદી-નાળાં,વગેરેથી 
ભરપૂર છે.જમીન પર સૂવાનું,વલ્કલ પહેરવાનાં,કંદમૂળ અને ફળ ખાવાના,કદી ભોજન ના પણ મળે,
પીવાના પાણીનાં પણ સાંસા પડે,માટે હે સીતે તમે વનને યોગ્ય નથી.વળી તમને સાથે લઇ જઈશ તો 
લોકો મને અપજશ દેશે.મારી ખાતર તમે વનનો વિચાર છોડી દો.

ત્યારે સીતાજી કહે છે કે-તમે જો મારી સાથે હશો તો,કંદમૂળનો આહાર મને અમૃત સમાન છે,
ઘાસની ઝૂંપડી ,સ્વર્ગ સમાન છે,અને વનના પહાડ અયોધ્યા સમાન છે.
મને તમે સુકુમાર કહીને વનને માટે અયોગ્ય કહો છો,તો શું તમે વનને યોગ્ય છો?
આપને જ શું તપ યોગ્ય છે ? ને શું મને ભોગ યોગ્ય છે?
'મૈ સુકુમારી નાથ બન જોગું,તુમ્હહિ ઉચિત તપ મોં કહું મોં કહું ભોગું!'
મને મૂકીને જો તમે વનમાં જશો તો જાણજો કે મારા પ્રાણ ગયા.
આટલું બોલતાં બોલતાં સીતાજીનું આખું શરીર જાણે કંપી ગયું.

રામચંદ્રજીએ વિચાર્યું-કે વધારે આગ્રહ કરીશ તો સીતાજી પ્રાણ-ત્યાગ કરશે. એટલે કહ્યું-
દેવી,હું તમને વનમાં સાથે લઇ જઈશ.હે જાનકી,તુ મારી સાથે વનવાસ ભોગવવા જન્મી છે.
રામજીના આ શબ્દો માં રામ-સીતાનું અદ્વૈત સિદ્ધ થાય છે.તેઓ જાણતા હતા કે આમ જ થશે.
કૌશલ્યા કહે છે-બેટા,એક ક્ષણ પણ સીતાને અળગી મુકીશ નહિ,તમારી જોડીને હું હવે કયારે જોઇશ ?
મા કૌશલ્યાએ બંનેને આશીર્વાદ આપ્યા છે.

લક્ષ્મણજી જોડે જ ઉભા છે અને વિચારે છે કે-રામજી એ સીતાજીને સાથે જવાની રાજા આપી તો મને કેમ નહિ? રામ વગર મારું જીવન પણ અસંભવિત છે.
લક્ષ્મણ કહે છે-મારે મન તો તમે જ મારા માતપિતા છો.આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ ?
મારો ત્યાગ ન કરો,હું સીતારામ સિવાય જીવી શકીશ નહિ.હું તમારી સાથે વનમાં આવીશ.
તમને એકલા હું વનમાં જવા દઈશ નહિ.

અત્યાર સુધી ચૂપ થઈને ઉભેલા લક્ષ્મણજીની આંખો માંથી અશ્રુધારા વહી રહી છે,
એકદમ એમનું શરીર કંપવા લાગ્યું અને શ્રીરામના ચરણમાં ઢગલો થઇ પડ્યા.
શ્રીરામે વહાલથી લક્ષ્મણજી ને ઉભા કર્યા,અને હેતથી તેમને વળગીને ઉભા,રામજી તેમના મનની વાત 
જાણી ગયા છે,તેમ છતાં કહે છે કે-હે ભાઈ,ભરત-શત્રુઘ્ન ઘેર નથી,પિતાજી વૃદ્ધ અને અસ્વસ્થ છે.
અહીં હવે બધો આધાર હાલ એક તમારા પર છે,તમે અહીં રહો,માત-પિતાની સેવા કરો ને સર્વને સંતોષ આપો.

લક્ષ્મણજી એ તરત જ કહ્યું કે-હું અહીં નહિ રહી શકું.હું દાસ છું ને તમે સ્વામી છો.મારે મન સર્વ તમે છો.
રામજી જાણતા હતા કે લક્ષ્મણ રામસીતા વગર જીવી શકે નહિ.એટલે લક્ષ્મણને કહ્યું-કે-
તમે મા સુમિત્રા રજા આપે તો તેમની આજ્ઞા લઇ આવો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE