Sep 28, 2021

Gujarati-Ramayan-Rahasya-86-ગુજરાતી-રામાયણ-રહસ્ય-86

પણ સીતાજીના હાથમાં વલ્કલ જોઈને વશિષ્ઠજીથી રહેવાયું નહિ,તેમની આંખમાથી આંસુ આવી ગયાં.
કૈકેયીની સામે જોઈને તેમણે કહ્યું કે-સીતાજીને વલ્કલ અપાય જ નહિ,તેં વનવાસ રામને આપ્યો છે,સીતાને નહિ.સીતા એ તો રાજ-લક્ષ્મી છે.રામચંદ્ર વનમાંથી પાછા નહિ આવે ત્યાં સુધી રામચંદ્રની વતી એ રાજ્યાસન પર બિરાજશે ને રાજ્યનું પાલન કરશે. સ્ત્રી એ પુરુષના આત્મા-રૂપ છે એવું શાસ્ત્ર વચન છે.એટલે પુરુષનો જેટલો અધિકાર છે તેટલો સ્ત્રીનો પણ છે.

કૈકેયીના પેટમાં ફરીથી જાણે તેલ રેડાયું.પણ સીતાજીએ વશિષ્ઠજીનાં વચન સાંભળવા છતાં,
હાથમાં રહેલું વલ્કલ છોડ્યું નહિ.અને સૌ વડીલોને વિનમ્ર ભાવે વંદન કરીને કહ્યું કે-
જેમ તાર વગર વીણા વગાડી શકાતી નથી,અને પૈડાં વગરનો રથ ચલાવી શકાતો નથી, 
તેમ પતિ વિનાની સ્ત્રી,ભલે સો પુત્રો વાળી હોય તો પણ સુખી થઇ શકતી નથી.
પછી રામચંદ્રજી એ સહુની સામે હાથ જોડીને કહ્યું કે-મને હવે વનમાં જવાની રજા આપો.
આખું ભવન દુઃખ અને વિલાપોથી ભરાઈ ગયું.

દશરથ રાજા ચિત્કાર કરી ઉઠયા,”અરેરે મારા કઠોર પ્રાણ હજુ સુધી કેમ જતા નથી?
” અજહું ના નિકસે પ્રાન કઠોર” રાજાને ફરીથી મૂર્છા આવી છે.
વનવાસ માટે નીકળતા અગાઉ પોતાની જે કોઈ અંગત મિલકત હતી તે બધી બ્રાહ્મણો  દાસ-દાસીઓ  
વહેંચી દીધેલી,હવે સાથમાં કશું લેવાનું નહોતું,એટલે નગરજનો  પ્રણામ કરી  તેઓ ચાલી નીકળ્યા. 
આખી અયોધ્યા નગરીના' દરેક પ્રજાજનો તેમની પાછળ જવા ચાલી નીકળ્યા છે.
લોકો કહે છે કે રામ વગર અયોધ્યા અમને ખાવા ધાય છે.રામ આગળ ચાલે છે અને અયોધ્યાનગરી 
પાછળ ચાલે છે.રામ બધાને રોકાઈ જવા સમજાવે છે પણ કોઈ રુકવાને માટે તૈયાર નથી.

બીજી તરફ રાજા દશરથ મૂર્છામાંથી જાગ્યા,અને જોયું કે રામ વનવાસમાં ચાલી ગયા છે એટલે તેમણે
મંત્રી સુમંત્રને બોલાવી ને કહ્યું કે-તુ રથ લઈને રામની પાસે જા,અને એમને રથમાં બેસાડી ને વનમાં લઇ જા,
અને ચાર દિવસ વનમાં ફેરવી ને તેમને પાછાં લઇ આવજે. રામ-લક્ષ્મણ ના આવે તો છેવટે સીતાને તો 
લાવજે જ.હાથ જોડી ને કહેજે કે –દીકરી,તમારા સસરાએ કહેવડાવ્યું છે કે-તમે પાછાં ફરો.
જો સીતા પાછાં ફરશે તો મારા જીવ ને આધાર રહેશે.

સુમંત્ર ઝડપથી રથ તૈયાર કરીને ચાલ્યો.રામચંદ્રજીએ હજુ નગરની હદ વટાવી નહોતી.
મંત્રીએ રાજાની આજ્ઞા કહી સંભળાવી અને રામ,સીતા અને લક્ષ્મણને રથમાં બેસાડ્યા.
અયોધ્યાના લોકો વ્યાકુળ બનીને રથની પાછળ પાછળ દોડે છે.રામચંદ્ર ઘણું સમજાવે છે,પણ કોઈ
પાછા ફરવા તૈયાર નથી.અયોધ્યાના પશુ-પંખીઓ પણ વ્યાકુળ બની ને કોઈ ચિત્રમાં ચિતરેલાં હોય 
તેમ રામજી તરફ ડોક કરીને ઉભાં હતાં.કૈકેયીએ જાણે આખી અયોધ્યા નગરી સળગાવી મૂકી હોય 
તેવો ભાસ થતો હતો.અને એ આગ જોઈ ને સર્વ લોકો ભાગતાં હોય તેવું દૃશ્ય હતું.

કૌશલ્યામા પણ ચીસો અને હાયકારો નાખતાં રથની પાછળ દોડે છે,લથડે છે અને ફરી ઉભાં થઇને 
દોડે છે.રામજીને માતાનું દુઃખ નહિ જોઈ શકાતું નહોતું,તેમણે મંત્રીને કહ્યું કે –રથ દોડાવ.
છેવટે વશિષ્ઠજી કૌશલ્યામાની નજીક જઈ કહે છે કે-જેને ક્ષેમ-કુશળ પાછો આવેલો જોવા ઇચ્છતા હોઈએ 
તેની પાછળ બહુ દૂર સુધી જવું નહિ. ત્યારે કૌશલ્યામા પાછાં ફર્યા.
રામજી પોતાના ગુણોથી સૌને એવા પ્રિય થયા હતા અને રામજીનો દૈવી પ્રભાવ એવો હતો કે-
વાલ્મીકિજી કહે છે કે-શ્રીરામ તો લોકોના બહાર વિચરતા પ્રાણ-સમ હતા.(બહિશ્વર: ઇવ પ્રાણા:)

પહેલી રાતે તમસા નદીને કિનારે મુકામ કર્યો.ફરી શ્રીરામે લોકોને સમજાવ્યા કે –અયોધ્યા પાછા ફરો.
પણ કોઈ માનવા તૈયાર નથી.રામજી વિચારમાં પડી ગયા છે કે હવે શું કરવું?
મધ્યરાત્રિનો સમય થયો છે અને અયોધ્યાની પ્રજા સુતેલી છે,ત્યારે રામજી એ સુમંત્રને જગાડ્યા અને કહ્યું કે-અત્યારે જ નીકળી જવું છે,રથ એવી રીતે ચલાવો કે કોઈ જાગે નહીં ને કાલે કોઈ ચીલો શોધી શકે નહિ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE