Oct 18, 2021

Gujarati-Ramayan-Rahasya-105-ગુજરાતી-રામાયણ-રહસ્ય-105

જેને ભક્તિનો રંગ લાગે છે,તેને સંસારના ભોગ રોગ સમાન લાગે છે.સંસારની માયા 
જ્યાં સુધી મીઠી લાગે છે ત્યાં સુધી,મનુષ્ય ને ભક્તિનો રંગ લાગતો નથી.ભોગ અને ભક્તિ 
એક ઠેકાણે રહી શકતાં નથી.લોકો એમ માને છે કે ભક્તિ કરવી સહેલી છે,પણ તે સાચું નથી.
“શિર સાટે નટવરને વરીએ.” ભક્તિ એ કોઈ દેખાદેખીનો વિષય નથી.
અહીં તો શિર આપવાની તૈયારી જોઈએ.
સંસારના વિષય-સુખોનો મનથી પણ જો ત્યાગ થાય તો જ ભક્તિનો રંગ આવે છે.

કામ એટલે –“ક” અને “આમ”- “ક” એટલે “સુખ” અને “આમ” એટલે “કાચું”.કામ એ કાચું સુખ છે.
કામ એ સાચું સુખ નથી.માટે સંતો કહે છે કે-કામને હૃદયમાંથી કાઢો ને ત્યાં ઠાકોરજીને પધરાવો.
એક શેઠ હતા,તેમનો પુત્ર કુલ્ટાના સંગમાં ફસાયેલો.શેઠે પુત્રને કહ્યું કે-તું આ કુસંગ છોડી દે તો તારું વેવિશાળ
 સારા ઘરની કન્યા જોડે થાય.ત્યારે પુત્ર કહે છે કે-મને કોઈ સારી કન્યા બતાવો તો હું કુસંગ છોડું.
ત્યારે બાપ સમજાવે છે કે-તું કુસંગ ના છોડે ત્યાં સુધી સારા ઘરની કન્યા તને મળે જ ક્યાંથી?

આ આપણા સર્વની કથા છે.મનુષ્યને વિષય-ભોગ છોડવો નથી, અને કહે છે કે મને ભક્તિમાં આનંદ 
આવતો નથી.પણ આનંદ ક્યાંથી મળે? સંસાર કે ભોગ બાધક નથી પણ તેમની સાથેની આસક્તિ 
બાધક છે.ભોગ-વાસનામાં ફસાયેલું મન ઈશ્વરથી દૂર જાય છે.

ભરતનો ત્યાગ અતિઉત્તમ છે.અષ્ટ-સિદ્ધિઓ દાસી થઈને ઉભી છે,પરંતુ ભરતજી કોઈની સામે જોતા નથી.
ભક્તિમાં આવો વૈરાગ્ય આવશ્યક છે.વૈરાગ્ય વગર ભક્તિ રડે છે.વૈરાગ્ય વગરની ભક્તિ કોઈ કામની નથી.
ભરતને તો માત્ર એક જ ઈચ્છા છે અને તે રામના દર્શનની. સર્વ ભોગ પદાર્થો ઉપસ્થિત હોવાં છતાં,
જેનું મન તેમાં જતું નથી,તે જ સાચો ભક્ત.જે ભક્તિરસમાં તળબોળ થયેલો છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે.
વેદાંત કહે છે કે-આત્મા તો સદા મુક્ત છે તેને મુક્તિ શાની? પરમાત્મા મુક્તિ આપે છે,પણ ભક્તિ જલ્દી આપતા
 નથી.સાધુ સંતો ભરતના વખાણ કરતાં કહે છે કે-અમારા વૈરાગ્ય કરતાં પણ ભરતનો વૈરાગ્ય ચડિયાતો છે.

બીજે દિવસે સવારે સંઘ આગળ ચાલ્યો.અને યમુના કિનારે આવ્યો,ત્યાં રાતવાસો કરી,સવારે નદી પાર કરી,
અને કાફલો આગળ વધ્યો.આસપાસના પ્રદેશમાં વાયુ-વેગે વાત ફેલાઈ ગઈ કે-ભરત સેના લઈને રામને મળવા જાય છે.
કેટલાક કહે છે કે રામને મનાવવા જાય છે,તો કેટલાક કહે છે કે-મનાવવા કોઈ લશ્કર લઈને જતું હશે? 
એ તો રામને નમાવવા જાય છે.એને રાજ્ય નિષ્કંટક કરવું છે,એ કૈકેયીનો દીકરો છે,તે ભૂલતા નહિ.
જે રસ્તામાં મળે છે તેને ભરતજી પૂછે કે-તમે રામ-સીતા-લક્ષ્મણને જોયાં?તેઓ ક્યાં છે?શું કરે છે? 

છેવટે સંઘ ચિત્રકૂટ પર્વતની નજીક પહોંચ્યો,નિષાદરાજે બધાને તે પર્વત દુરથી દેખાડ્યો,અને કહ્યું કે-
રામજી અહીં નિવાસ કરે છે. સૌએ “સિયાવર રામચંદ્ર કી જય” નો ગગનભેદી ચિત્કાર કરીને પર્વતને દંડવત 
 પ્રણામ કર્યા. પર્વતે રામજીને આશ્રય આપ્યો-એ કંઈ જેવી તેવી સેવા છે? 
અને એ સેવાના અધિકારથી તે પણ ભક્તો નો પૂજ્ય બની ગયો.

આ બાજુ આગલી રાતે સીતાજીને સ્વપ્નું આવ્યું,અને તે સ્વપ્નની વાત તે રામજી આગળ કરે છે.
“સ્વપ્ન માં મેં જોયું તો ભરતજી આપણને મળવા આવ્યા છે સાથે અયોધ્યાની પ્રજા છે,પણ મારાં સાસુજીનો 
વેશ અમંગલ હતો.” રામજી કહે છે કે-આ સ્વપ્ન સારું નથી,કંઈક દુઃખની વાત સાંભળવી પડશે.
અને આટલું બોલતાં તેમની આંખો ભરાઈ આવી.

એટલામાં જ કેટલાક વનવાસીઓ દોડતા આવ્યા અને તેમણે ખબર આપી કે-ભરતજી લશ્કર લઈને આવે છે.
આ સાંભળી રામજી વિચારમાં પડ્યા કે-ભરત લશ્કર લઈને શું કામ આવે? શું તેના રાજ્યાભિષેકમાં 
કોઈ વિઘ્ન આવ્યું હશે?શું પ્રજાએ વિરોધ કર્યો હશે?શું કૌશલ્યામા એ વિરોધ કર્યો હશે?
કે પછી બીજું જ કોઈ બહારનું વિઘ્ન આવ્યું હશે?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE