More Labels

Feb 21, 2019

Gujarati-Ramayan-Rahasya-108-ગુજરાતી-રામાયણ-રહસ્ય-108

શ્રાદ્ધમાં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે.શ્રીરામે ચૌદ વર્ષ દરમ્યાન માત્ર કંદમૂળ અને ફળનું જ સેવન કર્યું હતું,અનાજ અને ધાન્યના દાણાને સ્પર્શ પણ કર્યો નહોતો,તેથી અત્યારે ફળથી જ પિંડદાન કર્યું.વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે-શ્રાદ્ધ માટે ધન-સંપત્તિ કે બીજી કોઈ પણ ચીજ નહિ હોય તો ચાલશે,માત્ર શ્રદ્ધા ભાવે હાથ ઉંચા કરી પિતૃઓનું સ્મરણ કરી કહેવાનું કે-હે પિતૃઓ,હું ભક્તિ પૂર્ણ હૃદયે તમને પ્રણામ કરું છું.મારી ભક્તિથી તમે તૃપ્ત થાઓ.

વાસના વિહીન થઈને જે દેહ છોડે છે,તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.વાસના રાખે છે તેની સદગતિ થતી નથી. માટે જ મહાત્માઓ કહે છે કે-પોતાનું શ્રાદ્ધ દીકરો કરશે તેવી ઈચ્છા રાખશો નહિ.પોતાનું કલ્યાણ પોતે જ કરવાનું છે.દીકરો શું કરવાનો છે?શ્રાદ્ધ કરવાથી પિતાનું નહિ પણ પુત્રનું જ કલ્યાણ થાય છે.માટે શરીરને પિંડ સમજો ને તે પિંડ પરમાત્માને અર્પણ કરો.

વનવાસી ભીલ,કિરાત વગેરે લોકો ટોપલા ભરી ભરીને કંદમૂળ-ફળ વગેરે લઇ આવીને અયોધ્યાની પ્રજાનું
સ્વાગત કરે છે.લોકો બદલામાં કંઈ આપે તો તે લોકો કશું લેતા નથી,કોઈ પરાણે કંઈ આપે તો રામજી સોગંધ આપીને તે પાછું આપી દે છે.શ્રીરામ ના દર્શનથી ચિત્રકૂટ ના વાસીઓનું જીવન સુધર્યું છે,ને તેમના દિલમાં યે સેવાની વૃત્તિ જાગી છે.

ભરતજી વિચારમાં ને ચિંતામાં બેઠા છે,કે “મારાં રામ-સીતા ઘેર પાછાં ફરશે કે નહિ.”
શ્રીરામને કઈ રીતે પાછાં ફરવાનું સમજાવવું? ને કેવી રીતે તેમને વાત કરવી?તેની મૂંઝવણ માં તે છે.
તેટલામાં જ વશિષ્ઠજીએ મોકલેલ માણસ તેમને બોલાવવા આવ્યો. ત્યાં બ્રાહ્મણો,મંત્રીઓ,મહાજનો વગેરેની સભા મળી હતી. ભરતજીના આવ્યા પછી વશિષ્ઠજીએ સભામાં વાત મૂકી કે-
શ્રીરામ સ્વયં ભગવાન છે,એમની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે જ વર્તવામાં આપના સૌનું હિત છે.
એટલે હે,ભરતજી,રામજી કઈ રીતે અયોધ્યા પધારે તે તમે વિચારીને કહો.

ત્યારે ભરતજી એ કહ્યું કે-આપ જ ઉપાય સૂચવવાને સમર્થ છે ને આપ મને પૂછો છો,તે મારું દુર્ભાગ્ય છે.
વશિષ્ઠજીએ કહ્યું કે-જયારે બધું જતું હોય ત્યારે બધું બચાવવાને બદલે,અડધું જતું કરી ને અડધું બચાવે,
તે ડાહ્યા માણસનું લક્ષણ છે,મને એમ સુઝે છે કે-તમે બે ભાઈ,ભરત અને શત્રુઘ્ન વનવાસ સ્વીકારો અને રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પાછાં આવે.

આ સાંભળી ભરત-શત્રુઘ્ન ખુશ થઇ ગયા.ભરતજી કહે છે,કે-ગુરુજી,આપે અતિ-ઉત્તમ કહ્યું, તમે તો અમારા મનની જ વાત કરી,પણ ચૌદ વર્ષ શા માટે?હું તો જીવું ત્યાં સુધી વનમાં રહેવા તૈયાર છું.
“કાનન કરઉં જનમ ભરિ બાસુ,એહિ છેં આધીન મોર સુપાસૂં”
ભરતજીનાં વચનો સાંભળી ને,વશિષ્ઠજી એવા પ્રસન્ન થઇ ગયા કે તે દેહભાન ભૂલી ગયા.

ભરતજીનો મહિમા મહાસાગર જેવો હતો અને વશિષ્ઠજીની બુદ્ધિ એના કિનારે ઉભેલી અબળા સ્ત્રી જેવી નિરાધાર હતી. આ અફાટ સાગરને પાર કઈ રીતે કરવો? તેમને (તેમની બુદ્ધિને) કોઈ સાધન મળતું નહોતું.
એટલે તેઓ બધાને લઈને રામજીની પાસે ગયા.ને બોલ્યા કે-
હે,રામ,લોકોનું,માતાઓનું,અને ભરત નું હિત થાય તેવો ઉપાય તમે કહો.

શ્રીરામ કહે છે કે-ઉપાય,આપ કહો તે.આપ મને જે આજ્ઞા હોય તે કહો,આપની આજ્ઞા હું માથે ચડાવીશ.
વશિષ્ઠ કહે છે કે-લોકો મને બ્રહ્મ-નિષ્ઠ કહે છે,પણ ભરતને જોયા પછી,મને એમ થાય છે કે-એમની નિષ્ઠા દિવ્ય છે,એમની ભક્તિ જોઈ ને મારી બુદ્ધિ સ્તબ્ધ થઇ છે,હે,રામ, ભરત સુખી થાય તેમ કરો.
ભરતે ગુરૂજનોનો આવો પ્રેમ સંપાદન કર્યો છે તે જોઈ રામજીને ઘણો જ હર્ષ થયો.તે ગદગદ સ્વરે બોલ્યા કે-ગુરુજી હું સત્ય કહું છું કે,જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થશે નહિ.જેના પર ગુરુજનોનો આવો પ્રેમ છે,તેના જેવું ભાગ્યશાળી બીજું કોણ હોઈ શકે? ગુરુજી,ભરત જે કંઈ પણ કહે તે કરવા હું ખુશી છું.

ત્યારે વશિષ્ઠજીએ ભરતની સામે જોઈને કયું કે-તમારે જે કહેવું હોય તે વિના સંકોચે કહો.
ભરતજી ઉભા થયા તેમની આંખોમાંથી આંસુઓ વહે છે,ધીરે ધીરે તેઓ બોલ્યા કે-
રામજીનો મારા પર અનહદ પ્રેમ છે,એમણે મારું મન કદી દુભવ્યું નથી,રમતમાં હું હાર્યો હોઉં તો પણ તે મને જીતાડતા.પણ વિધાતાથી આ ખમાયું નહિ,મારા દુર્ભાગ્યને હું શું કહું? હું સ્વપ્ને ય આનો કોઈને દોષ દેતો નથી,હું મારા પાપોનું જ ફળ ભોગવું છું.પણ માતાઓનું ને અયોધ્યા વાસીઓનું દુઃખ જોયું જતું નથી,
આ બધા અનર્થોનું મૂળ હું છું એમ સમજી ને હું બધું સહી રહ્યો છું.મારા રામ,સીતા,લક્ષ્મણ ઉઘાડે પગે વનમાં ગયા તે જાણીને યે હું જીવતો કેમ રહ્યો !! અહીં આવીને મેં બધું આંખેથી જોયું,તેમ છતાં મારું હૃદય ફાટી કેમ પડ્યું નહિ? આટલું બોલતાં બોલતાં ભરતજી ડૂસકાં ભરીને જોરથી રડી પડ્યા,આખી સભા શોકમાં ડૂબી ગઈ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE