More Labels

Apr 1, 2014

Gujarati-Ramayan-Rahasya-90-ગુજરાતી-રામાયણ-રહસ્ય-90

કેવટ કહે છે કે-હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણજી કહે છે કે-તું શું મર્મ જાણે છે?
ત્યારે કેવટ કહે છે કે-મેં એવું સાંભળ્યું છે કે-રામજી ની ચરણકમળ ની રજ નો એવો જાદુ છે કે-તેના સ્પર્શ થી
પથ્થર ની સ્ત્રી થઇ જાય છે (અહલ્યા ઉદ્ધાર),તો પછી મારી નાવ તો લાકડાની છે,તે નાવ ની સ્ત્રી બની જતાં તો ક્યાં વાર લાગે? અને મારી નાવડી જો એમ સ્ત્રી થઇ જાય તો નાવડી વગર હું મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરું? વળી ઘરમાં એક બૈરી છે તે એક નું માંડ પુરુ કરી શકું છું તો આ બીજી બૈરી થાય તો,બે બે બૈરીઓ નું પેટ કેવી રીતે ભરું?

લક્ષ્મણજી કહે છે કે તેવું થશે નહિ તેની હું ખાતરી આપું છું.ત્યારે કેવટ કહે છે કે-
એમ ખાલી ખાતરી થી કંઈ ચાલે નહિ,
લક્ષ્મણજી સહેજ અકળાઈ ને કહે છે કે-તો પછી તારી મરજી શું છે તે જલ્દી બોલી કાઢ.
કેવટ બોલ્યો કે-હું મારે હાથે રામજી ના ચરણ પખાળું, અને તેમની ચરણ રજ ધોઈ નાખું પછી એમને મારી નાવડી માં પગ મુકવા દઉં.
લક્ષ્મણજી વિચારે છે કે-આ માણસ સાવ જ ઉદ્ધત લાગે છે.તેમની આંખો ના ભવાં અદ્ધર થયા.
પણ રામજી આ વાત સંભાળે છે,મરક મરક હસે છે,અને તેમણે કેવટ ને કહ્યું-તારી મરજી મુજબ તું કર.

પણ કેવટ ને આટલે થી સંતોષ નથી,ત્રણે ભુવનના  નાથ સામે આવ્યા છે,તેના અંતરમાં આનંદ નો પાર નથી, એ તો રામજી પાસે સ્પષ્ટ બોલાવવા માગે છે કે-
“મારાં ચરણ પખાળ” (મોહી પદ પદુમ પખારન કહહૂ)
રામની સામે એ અવિરત નજરે રામની આજ્ઞા માટે હાથ જોડી ને ઉભો છે.આંખમાં આંસુ છે.
અને જાણે આંખ થી જ કહી રહ્યો છે કે-મને તમે જાતે ચરણ પખાળવાનું કહો.હું સાચું કહું છું,આજની ઘડી
રળિયામણી છે,જન્મો થી તેની હું રાહ જોતો હતો,પણ જ્યાં લગી આપ આપના સ્વ-મુખે મને પગ ધોવાનું
નહિ કહો,અને જ્યાં લગી હું તમારો પગ નહિ ધોઉં,ત્યાં સુધી હું તમને મારી નાવડીમાં પગ મુકવા નહિ દઉં.પછી,ભલે લક્ષ્મણજી ગુસ્સો કરી ને મારી પર બાણ ચલાવે,હું તે બાણ ખાઈ લઈશ.
બરુ તીર મારહું લખનુ પૈં જબ લગિ ના પાય પખારીહો,
તબ લગિન તુલસીદાસ નાથ,કૃપાલ પાર ઉતારીહો

કેવટ પૂર્વ-જન્મ માં સમુદ્રમાં કાચબા રૂપે રહેતો હતો,તેને નારાયણ ની ચરણ સેવા કરવી હતી.
પણ લક્ષ્મીજી અને શેષજી,ચરણસેવા ની રજા આપતા નહોતા.
આજે કેવટ જાણે છે કે નારાયણ સામે ઉભા છે,અને લક્ષ્મીજી એ સીતાજી અને શેષજી એ લક્ષ્મણજી બની ને
સાથે છે,અને પરિસ્થિતિ એવી છે કે-આજે તેમની રજા લેવી પડે જ,તેવું નહોતું.તેમનું કશું ચાલે તેમ પણ નહોતું. અને એટલે જ બહાનું કાઢ્યું છે કે-રામજી ના ચરણ નો જાદુ (મર્મ) હું જાણું છું,
રામજી ની ચરણસેવા કરવા માટે આજે તે ચરણ ધોવા ની વાત પર ચોંટી રહ્યો છે.

લક્ષ્મણજી ને હવે કેવટ નો મર્મ સમજાય છે,એક અભણ ગરીબ માણસની,નારાયણ ની ચરણસેવા કરવા માટે નો મર્મ કેટલો ઉંચો છે?!! તેને આજે લક્ષ્મણજી (શેષજી) ના ગુસ્સાની કે બાણ ની પણ પરવા નથી.
કે આજે તેણે લક્ષ્મીજી જી આજ્ઞા ની રાહ જોવાની કે કરગરવાની પણ પરવા નથી.

ભક્ત ની અનન્ય ભક્તિ જોઈ પ્રભુ હંમેશાં પ્રસન્ન થાય છે,જીવ નિર્મળ ચિત્તે પ્રભુ ને ચરણે જવા તૈયાર થાય તો પ્રભુ,પ્રસન્ન થવા માટે તૈયાર થઇ ને જ બેઠા છે.

છેવટે રામજી એ કહ્યું કે-ભલે,ભાઈ,ભલે,તારે મારા પગ ધોવા જ હોય તો ભલે મારા પગ ધોઈ લે
અને કેવટ જાણે આ આજ્ઞા ની જ રાહ જોઈ ને ઉભો હતો કે 
ક્યારે પ્રભુ સ્વ-મુખે મને કહે કે -મારા ચરણ ધો..
કેવટ દોડતો,લાકડાની કથરોટ લઇ આવ્યો છે,રામજી એ બંને પગ કથરોટ માં મુક્યા છે,અને કેવટ,
ગંગાજળ નાંખી અને જોરથી પ્રભુ નાં ચરણ ઘસી ઘસીને જેટલો બને તેટલો વધુ સમય લઇ ને પ્રભુ નાં
ચરણ ને પખાળે છે.ચરણ ની સેવા કરે છે. વિચારે છે કે –આ ચરણ આજે હાથ લાગ્યાં,ફરી લાગે કે ના લાગે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE