Nov 4, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૮

એક દિવસ એવું બન્યું કે-જૈમિની સંધ્યાવંદન કરી તેનું જળ બહાર નાખવા આશ્રમમાંથી બહાર આવ્યા,ત્યારે તેમણે એક યુવતિને ઝાડ હેઠળ વરસાદમાં ભીંજાતી જોઈ,તેમને દયા આવી,અને તે યુવતિને કહ્યું-કે-શા સારું બહાર ભીંજાઓ છો,અંદર આશ્રમમાં આવી વિશ્રામ કરો.ત્યારે તે યુવતિએ કહ્યું કે-પુરુષોનો મને વિશ્વાસ નથી.
જૈમિની કહે છે કે-હું પૂર્વ-મીમાંસાનો આચાર્ય જૈમિની ઋષિ,ને મારો વિશ્વાસ નહિ?
મારા જેવા તપસ્વી અને જ્ઞાનીનો વિશ્વાસ નહિ કરો તો કોનો વિશ્વાસ કરશો?

હવે તે સ્ત્રી આશ્રમમાં આવી,પણ તેનું રૂપ જોઈને જૈમિની ચક્કરમાં પડી ગયા,તેમણે તે યુવતી ને પૂછ્યું કે –
તમારું લગ્ન થયેલું છે? સ્ત્રીએ “ના” પાડી,કે તરત જ જૈમિનીએ એને પરણવાની દરખાસ્ત મૂકી.
યુવતિ કહે છે કે-મને પરણવામાં વાંધો નથી,પણ મારી અને મારા પિતાની પ્રતિજ્ઞા વચમાં આવે છે !!
મેં પ્રતિજ્ઞા કરી છે કે-જે પુરુષ ઘોડો બની મને તેના પર સવાર કરાવી અને શંકરજીના મંદિરે લઇ જાય,
તેને મારે પરણવું.અને મારા બાપુએ એવી પ્રતિજ્ઞા કરી છે કે-જે પુરુષ મોઢું કાળું કરીને મારા હાથની
માગણી કરવા આવે એને જ જમાઈ તરીકે સ્વીકારવો.હવે તમે જ કહો, તમારાથી આવું બને.??

જૈમિની વિચારે છે કે –આ મળતી હોય તો આમાં શું વાંધો? એટલે તેમણે કહ્યું કે-બને,શા સારું ના બને?
પછી તો જૈમિની મોઢું કાળું કરીને ઘોડો બન્યા અને પેલી યુવતિ તેમના પર સવાર થઇ.
અને શંકરજીને મંદિરે પહોંચ્યા,તો ત્યાં ઓટલા પર વ્યાસજી બેઠા હતા,તેમણે આ દૃશ્ય જોઈને,
જૈમિનીને પૂછ્યું કે-કાં,જૈમિની,કર્ષતિ કે નાપકર્ષતિ? હવે જૈમિની ભાનમાં આવી ગયા અને કહે છે કે-કર્ષતિ.

વિવેક-શૂન્ય બનેલો મનુષ્ય મોઢું કાળું જ કરે છે,પછી ભલેને તે તપસ્વી હોય,એની તપસ્યાની આગ ઠરી જાય છે, જૈમિની જેવા જ્ઞાની ગાફેલ થયા કે-તેમની આવી દશા થઇ,તો સાધારણ માનવીનું તો શું ગજું?
એક ક્ષણ પણ સમતા ગુમાવી કે વિવેક-શૂન્યતા માથા પર સવાર થઇ જ જાય છે.બંધન ઉભું થાય છે.
મન બાંધે છે અને મન છોડે પણ છે.મન પરમાત્મામાં ભળે ત્યારે છોડે છે,ને વિષયોમાં,વાસનામાં ભળે
ત્યારે બાંધે છે, જેમ,એક જ ચાવી,તાળા ને વાસે છે અને ઉઘાડે છે,તેમ એ એક જ મન,વાસનાને આધીન બને ત્યારે બંધનનું કારણ બને છે અને પરમાત્માને આધીન બને ત્યારે મુક્તિનું કારણ બને છે.

ભરતના ગયા પછી, રામજીએ થોડો વખત ચિત્રકુટમાં નિવાસ કર્યો અને પછી તે સ્થળનો પણ ત્યાગ કર્યો.દક્ષિણમાં દંડકારણ્ય તરફ જવાની તેમની ઈચ્છા હતી,ત્યાં અનેક ઋષિ-મુનિઓના આશ્રમો હતા.
અને રાક્ષસો તેમને પજવતા હતા એવા ખબર પણ તેમને મળ્યા હતા.તેથી ત્યાં જવા નિશ્ચય કર્યો.
ચાલતાં ચાલતાં વચ્ચે તેઓ અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા,રામજીને વગર બોલાવ્યે પોતાના આશ્રમમાં 
આવેલા જોઈ ને અત્રિ-ઋષિ અને ઋષિ-પત્ની અનસૂયાને અત્યંત આનંદ થયો.
શ્રીરામને ઉંચા આસન પર બેસાડીને તેમણે રામજીની સ્તુતિ અને પ્રાર્થના કરી.

“ભગવાન,તમે ભક્ત-વત્સલ છો,કૃપાળુ છો,કોમળ સ્વભાવવાળા છો,હું આપને નમું છું, 
આપનાં ચરણ-કમળ,નિષ્કામ પુરુષોને સ્વ-ધામનું દાન કરનારાં છે,હું એ ચરણ-કમળને ભજું છું.
હે શ્યામ-સુંદર,હે ભવસાગરને મંથનારા મંદરાચળ,હે ઉઘડેલા કમળ જેવા લોચનવાળા,
હે મદ-મત્સર વગેરે દોષોને હણનારા,હું તમને પ્રણામ કરું છું.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE