Apr 30, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૯

અત્રિ-ઋષિ એ કરેલી રામજી ની સ્તુતિ અતિ સુંદર છે.
અત્રિ-ઋષિ ના પત્ની અનસૂયા મહાન તપસ્વીની હતાં.તેમની તપસ્યા અદભૂત હતી.
એકવાર જયારે દેશમાં દશ વર્ષ સુધી લાગલગાટ,દુકાળ પડેલો,ત્યારે નદી-નાળાં સુકાઈ ગયા,
અનાજ નો દાણો તો શું,ક્યાંય લીલું પાંદડું પણ જોવા મળતું નહોતું,મનુષ્યો અને પશુ-પંખી ના દુઃખ નો પાર નહોતો,જીવો ને જીવવાનું મુશ્કેલ બની ગયું.

ઋષિ-મુનિઓ સર્વ ભેગા થયા,ને શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા.
બધા એવા નિર્ણય પર આવતા હતા કે,આ ભૂમિ પર પ્રભુ ની કૃપા નથી,આ ભૂમિ અભિશપ્ત છે,માટે આ ભૂમિનો ત્યાગ કરીને ચાલ્યા જવું,એવે વખતે સતી અનસૂયા ત્યાં આવ્યાં.અને ઋષિઓની વાતો સાંભળી તે ચૂપ રહી શક્યા નહિ, અને તેમણે ઋષિ-મુનિઓ ને સીધો જ પ્રશ્ન કર્યો કે-
તમારા જેવા ઋષિ-મુનિઓ અહીં રહે છે તો આ ભૂમિ હજી અભિશપ્ત કેવી રીતે રહી?પ્રભુ ની કૃપા આ જમીન પર કેમ નથી થઇ?દુનિયામાં કોઈ સ્થળે નથી એટલા તપસ્વીઓ અને ઋષિ-મુનિઓ જો આ ભૂમિ પર તપ કરે છે,યજ્ઞ-યાગ કરે છે,છતાં આમ કેમ?સર્વનું તપ હજુ ઓછું છે? કે પછી સર્વ ના તપમાં કંઈ ખામી છે?

આ શબ્દો સાંભળી આખી સભા થરથરી ઉઠી.ત્યારે અનસૂયા આગળ કહે છે કે-
હે મુનિવરો,હું કોઈનો યે દોષ કાઢવા માગતી નથી,હું પોતાના સિવાય કોઈનાયે દોષ જોતી નથી,પણ
હું માત્ર એટલું જ કહેવા આવી છું કે-આજે જીવ-માત્ર પર દૈવ નો ભયાનક કોપ વરસી રહ્યો છે,એ કોપ માંથી તેમને બચાવવા એ આપણો ધર્મ છે,એટલે હું આ સ્થાન છોડી ને ક્યાં જવાની નથી,એ મારો નિશ્ચય છે.વધુ,આકરું તપ,એ જ શબ્દ આજે મને સર્વ શક્તિમાન લાગે છે.

અનસૂયા ના પતિ પણ સભામાં હાજર હતા,તેમણે પણ કહ્યું કે-અનસૂયા ના વચન પર મને વિશ્વાસ છે,આ સંકટ નો એક જ ઉપાય છે, “તપ”
હવે બધા જ ઋષિઓ એક સાથે બોલી ઉઠયા કે-તપસ્વી ને તપ માં ડર કેવો?
અને બધા જ તપ માં લાગી ગયા.અનસૂયા એ પણ ઉગ્ર તપશ્ચર્યા કરી,અને ભાગીરથી ને પ્રાર્થના કરી.
છેવટે મા એ કૃપા કરી અને મા ભાગીરથી ત્યાં પ્રગટ થયા.ખળખળ કરતો મંદાકિની નો પ્રવાહ વહેવા માંડ્યો.ખોબા માં જળ લઇ,અનસૂયા એ ભગવાન સૂર્યનારાયણ ને અંજલિ આપી અને
ભગવાન શંકર નો જળાભિષેક કર્યો છે.સર્વ જીવો માં પરમાનંદ થયો છે.

ઋષિઓ અને અનસૂયાની જીવન દૃષ્ટિ નો મોટો તફાવત એ છે કે-
ઋષિમુનિઓ બીજા નો દોષ જુએ છે જયારે અનસૂયા પોતાનો દોષ જુએ છે.એમના માં ઈર્ષા કે અસૂયા નથી એટલે જ તે અનસૂયા છે.અને એટલે જ તે તપમાં સિદ્ધિ મેળવે છે.
અસૂયા ના હોવી એ જ મોટી તપસ્યા છે.અસૂયા વાળો જીવ ઈશ્વરની નજીક જઈ શકતો નથી,
ભક્તિ કે તપસ્યા કરી શકતો નથી.જેનામાં દોષ-દૃષ્ટિ નથી,તે જ પ્રભુ ને નિહાળી શકે છે.
દોષ-દૃષ્ટિ વાળો બીજાઓના છિદ્રો-દોષો  શોધવામાં પડે છે અને એમ કરીને પોતાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકે છે.જે બીજાના દોષો નું ચિંતન કરે છે,તેને પ્રભુનું ચિંતન કરવાની રુચિ થતી નથી.

અસૂયા વાળી બુદ્ધિથી પ્રભુ દૂર રહે છે,પણ અનસૂયા વાળી બુદ્ધિ ના બારણાં આગળ આવીને ભગવાન જાતે દર્શન આપે છે,ભગવાન તેને ત્યાં અતિથી થઈને આવે છે.
શ્રીરામ વગર આમંત્રણે,માર્ગ પૂછતા અત્રિ ના આશ્રમ માં આવ્યા છે,અત્રિ અનસૂયા ના પતિ છે.
અત્રિ-એટલે ત્રણે ગુણો (રાજસિક-સાત્વિક-તમ્સ્ક) થી પર છે તે.
ગીતાજી માં ભગવાને કહ્યું છે કે-હે અર્જુન તુ ત્રણે ગુણો થી પર થા.
માનવ જો ત્રણે ગુણો થી પર થાય તો-જીવ અને શિવ નું ઐક્ય થાય છે.

જીવ જયારે શિવ ને મળવા આતુર થાય,એના વિના તરફડે,એની દશે ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહંકાર –
એ બધું જ ઈશ્વરમાં સમર્પિત કરી નાખે- ત્યારે પ્રભુ તેને મળવા દોડે છે.
પ્રભુને પાર્થિવ શરીરથી મળવું શક્ય નથી. આ શરીર તો મલિનતા નો ભંડાર છે,નવ છિદ્રોવાળું આ શરીર
કદાચ બહારથી કોઈને રૂપાળું લાગે પણ જેનામાં જોવા ની દૃષ્ટિ છે તેને તો એ ચીતરી ચડે એવું લાગે છે.
મળ,મૂત્ર,કફ,લીંટ,માંસ,રુધિર –એ બધા પદાર્થો જોઈ તેના તરફ માત્ર ધૃણા જ થાય છે.
પણ જીવ જયારે શરીર થી “પર” થાય ત્યારે પરમાત્મા ની તેના પર કૃપા થાય છે,
શરીર થી પર થવા માટે ત્રણે ગુણો થી પર થવાનું. અત્રિ થવાનું.

સાત્વિકતા થી પણ ઉંચે ઉઠવાનું,સાત્વિકતા થી પણ “પર” થવાનું.
સાત્વિકતા,સત્વગુણ પણ મનુષ્ય ને બાધક બને છે અને બંધન માં નાખે છે.
ત્રણે ગુણો ને ઓળંગીને મન નો સંબંધ પરમાત્મા જોડે કરવાનો છે.મનુષ્ય ત્રણે ગુણોથી “પર” બને,
ત્યારે જ બ્રહ્મ-સંબંધ થાય છે,બ્રહ્મ-સંબંધ એ મન ની ક્રિયા છે,શરીર ની ક્રિયા નથી.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE