Nov 7, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૦

રામાયણમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણોના દાખલા આપ્યા છે.
વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ એ તમોગુણનું સ્વરૂપ છે.
આ ત્રણના ચરિત્રો જોઈને અને તેમના ગુણનો વિચાર કરવામાં આવે તો આપણે કોના જેવા છીએ એની ખબર પડે.આ ત્રણના ઉપરાંત આ ત્રણે ગુણોથી પર એવા ચોથા છે-અત્રિ-ઋષિ.મનુષ્ય અત્રિ થાય તો પ્રભુ તેના ઘેર પધારે,વિભીષણ થાય તો પ્રભુ શરણમાં લે, રાવણ થાય તો પ્રભુ તેનો નાશ કરે અને કુંભકર્ણ થાય તે પોતે જ પોતાનો નાશ કરે.

વધારે પડતો આરામ અને વધારે પડતો આહાર કરવાથી માનવીનું મન બગડે છે.
રજાને દિવસે,માનવી વધુ ખાય અને વધુ ઊંઘે છે પણ વધુ ભક્તિ કરતો નથી. રજાનો દિવસ પ્રમાદમાં ને 
બીજાની કુથલી ને નિંદામાં જાય છે,આજના યંત્રયુગમાં બેસી રહેવું ગમે પણ કામ કરવું કોઈને ગમતું નથી,
પછી ભક્તિની તો વાત જ ક્યાંથી?

પ્રમાદીપણું,કામચોરી અને અતિઆહાર –એ બધા કુંભકર્ણના ગુણો છે (તમોગુણી)
એના કરતાં રાવણ થોડો સારો છે,એ તપ કરે છે,જ્ઞાની છે,શિવજીનો ભક્ત છે,પરંતુ એ કામ,મદ,દર્પનું રૂપ છે. ઇન્દ્રિય-સુખો માટે અને શરીર-સુખો માટે જે કામ કરે છે તે રજોગુણી છે.
ઇન્દ્રિયોનું સુખ તો પશુ પણ ભોગવે છે,જે આનંદ માનવને મીઠાઈ ખાતાં મળે તેવો જ આનંદ ઘોડાને ઘાસ 
ખાતાં મળે છે,કે ભુંડને વિષ્ટા માં મળે છે.શ્રીમંત શેઠીયાને જે આનંદ ગાદીમાં આળોટવાથી મળે છે 
તેવો જ આનંદ,ગધેડાને ઉકરડામાં આળોટવામાં મળે છે.

સંતો કહે છે કે-કોઈને પણ તુચ્છ કે હલકો સમજશો નહિ,હું શ્રેષ્ઠ છું ને બીજા હલકા છે,કે પછી હું જ જે કહું છું 
તે સાચું છે,એવો ઘમંડ કરવો નહિ.કોઈના પ્રત્યે કુભાવ,કે ઈર્ષા કરવી નહિ,ને કોઈનું સુખ જોઈને જીવ બાળવો નહિ.પગે ચાલનારો,મોટરમાં ફરનારાને સુખી માનીને મનમાં બળે છે,ને પોતાનું જે સુખ છે તેનું દુઃખ કરી મૂકે છે.
કુભાવ મનને બગાડનારો છે,કુભાવ આવી જાય પછી ભક્તિ થઇ શકતી નથી.
કોઈ પણ જીવ સાથે તો શું,કોઈ જડ પદાર્થ પ્રત્યે પણ કુભાવ નહિ રાખવાનું શાસ્ત્રો કહે છે.
ગીતાજીમાં કહે છે કે-“સર્વમાં સમભાવ રાખવો,”

આ વિષે એક દૃષ્ટાંત વિચારવા જેવું છે.
એક રાજા અને નગરશેઠ વચ્ચે ગાઢ મૈત્રી હતી.નગરશેઠનો વેપાર હતો ચંદનના લાકડાં વેચવાનો.
પણ એક સમય એવો આવ્યો કે નગરશેઠનો ધંધો બરોબર ચાલતો નહોતો.મુનીમે કહ્યું કે-આ વર્ષમાં જો 
પુરતો માલ નહિ વેચાય તો,પેઢી ડૂબી જશે.હવે ચંદન જેવું લાકડું રાજા સિવાય બીજું કોણ લે?
નગરશેઠ તેના સ્વાર્થમાં વિવેક ભૂલ્યો અને તેને વિચાર આવ્યો કે-આ રાજા મરી જાય તો તેને બાળવા 
ચંદનના લાકડાની જરૂર પડે અને મારો બધો માલ વેચાઈ જાય.

મનુષ્યના દિલમાં સ્વાર્થ જાગે છે ત્યારે વિવેક રહેતો નથી.સ્વાર્થ તો દરેકના દિલમાં હોય છે,
આપણે શ્વાસ લઈએ છીએ તે પણ સ્વાર્થ છે,પણ સ્વાર્થ બીજાને નડવો જોઈએ નહિ,તેમાં વિવેક જોઈએ.
શેઠને રાજાના મનમાં કુભાવ આવ્યો,ત્યારે રાજાના મનમાં પણ શેઠ પ્રત્યે કુભાવ આવ્યો,
વિચાર માત્ર ચેતન છે,સારા વિચાર સામાના દિલમાં સારા વિચાર પેદા કરે અને બુરા વિચાર બુરા વિચાર પેદા કરે.
રાજા ને થયું કે આ શેઠ ઝટ મરી જાય તો,એ નિઃસંતાન છે એટલે તેનું ધન મારા ખજાના માં આવી જાય. 
પણ પછી,રાજાને થયું કે-મારા મનમાં આવા વિચાર કેમ આવે છે? તેણે શેઠ ને ખુલ્લા દિલે વાત કરી,
ત્યારે શેઠ રડી પડ્યો અને તેણે પણ પોતાને આવેલા કુભાવની વાત કરી.

રાજા વિચારમાં પડી ગયો અને કહે છે કે-તારે એવો વિચાર કરવો જોઈતો હતો કે રાજા,મહેલનાં બારીબારણાં,
રથ –પાલખી ચંદનનાં બનાવે,કે ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે,તો તારું બધું ચંદન ખપી જાત.
અને આમ વાતચીત થતાં બંનેનું મન શુદ્ધ થયું અને બંને સુખી થયા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE