Nov 8, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૧

સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે.સર્વનું કલ્યાણ થાય એ જ સત્કાર્ય.જીવ-માત્રના હિતમાં રત રહેવું,તે સાત્વિકતા-તે સત્વગુણ.અને સત્વગુણ હંમેશાં સત્યને પડખે જ રહેશે.કુટુંબીજનો અસતનો પક્ષ લેતાં હશે તો તેમનો પણ ત્યાગ કરીને સત્વ-ગુણી સત્યના પક્ષે જશે.અને વિભિષણે પણ તેમ જ કર્યું, વિભીષણ એ સત્વ-ગુણી છે.સર્વમાં સદભાવ રાખવો તે ઉત્તમોત્તમ ધર્મ છે.સદભાવ એટલે ઈશ્વરનો ભાવ.

જેનો કદી ક્ષય (નાશ) થતો નથી તે “સદ” (સત્ય) છે.ઈશ્વર સત્ય સ્વરૂપ છે 
માટે સદભાવ ઈશ્વરનું રૂપ છે.તેથી તો વ્યાસ ભગવાને ભાગવતના મંગલાચરણમાં-સત્યં પરં ધિમહિ-કહી 
સત્યનું ધ્યાન કરવાનું કહ્યું છે.સત્યનું ધ્યાન તે બ્રહ્મ-સંબંધ કરાવે છે,અને આ બ્રહ્મ-સંબંધ કરવો કઠણ છે અને બ્રહ્મ-સંબંધ થાય તો તેને જાળવી રાખવો તો તેનાથી પણ વધુ કઠણ છે.

એકવાર બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ,અનસૂયાની પતિ-ભક્તિની કસોટી કરવા બ્રાહ્મણ-અતિથી-રૂપે આવી અને એમના બારણે ભિક્ષા માટે ઉભા,ને કહે-“ભિક્ષાન દેહિ” અનસૂયા ભિક્ષા આપવા આવ્યા ત્યારે કસોટી કરવા આવનાર ત્રણે દેવો અનસુયાની કસોટી કરવા કહે છે કે-નગ્ન થઇ ને ભિક્ષા આપો તો અમે લઈએ!
અતિથીને ભિક્ષા વગર પાછો કઢાય નહિ,તેમ જ લાજ મર્યાદા પણ છોડાય નહિ.
અનસૂયા ધર્મ-સંકટમાં મુકાયાં.પ્રભુનું શરણ યાચીને એમણે ત્રણેય અતિથીઓ પર જળની અંજલિ છાંટી,
ત્રણેય દેવો ધાવણાં બાળક બની ગયા.ને માતા અનસૂયા એમને ઘોડીયામાં નાંખી હીંચોળવા બેઠાં.

શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે ચીર-હરણ લીલા કરી હતી.તે લીલા એટલે-”હું સ્ત્રી છું” એવા “હું પણાનું હરણ”
“હું પણું” એટલે અહંકાર,અહંકારનો પડદો દૂર કરીને પ્રભુને અર્પણ થવું એનું નામ ચીરહરણ.
ચીર એ વાસના છે,વાસના રહિત થઇ ને પ્રભુને અર્પણ થવું, તે ચીર હરણનો મર્મ છે.

અનસૂયા આગળ પણ દેવો અહમ-ભાવ લઈને,તું સ્ત્રી અને અમે પુરુષ એવો ભાવ લઈને ગયા હતા.
તો તે હારી બેઠા.અનસુયા એ તેમના અહમ-ભાવનું હરણ કરીને નિર્દોષ બાળક બનાવી દીધા.
સતીત્વનો,પતિ નિષ્ઠાનો ને ગૃહસ્થ ધર્મનો આ પ્રભાવ છે.ત્રણે દેવીઓ તેમને શોધતી આવી અને તેમણે અને દેવોએ અનસૂયાની માફી માગી ત્યારે તે દેવો,મૂળ સ્વરૂપ ને પામી શક્યા.તે ત્રણેય દેવો પછી અત્રિ-અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય રૂપે પ્રગટ થયા.સતીની પરીક્ષા કે કસોટી થાય નહીં,બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ પણ ખોટું અડપલું કરી ને પસ્તાયા.ગૃહસ્થાશ્રમનો આ મહિમા છે,

શરીર એ મળ-મૂત્રનું ઘર છે એ ખરું પણ,એ જ શરીરથી પ્રભુની ઉપાસના થાય છે.
જેમ,ચલણની સો રૂપિયાની નોટ ફાટી હોય,ઉપર તેલના ડાઘા હોય,ચૂંથાઈ ગઈ હોય તો પણ જો તેના પર નોટનો નંબર સાચો હોય તો તેને કોઈ ફેંકી દેતું નથી.
તેમ આ શરીરથી જ ભગવાનનું ભજન થાય છે,ભગવાનના નામ-જપનો આનંદ મનુષ્યને જ મળે છે.
કૂતરાં-બિલાડાં,કંઈ “રઘુપતિ રાઘવ રાજારામ” બોલી શકવાના નથી.
પશુઓને પોતાના સ્વ-રૂપ નું જ ભાન નથી તે તે ભગવાનને કેવી રીતે જાણી શકે?કે પામી શકે?

અનિત્ય અને મલિન એવા આ શરીરથી જ નિત્ય અને નિર્મળ એવા પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે.
શરીર ઉપર માત્ર પ્રભુનો જ હક્ક છે,બીજા કોઈનો નહિ.પ્રભુને જે ભૂલે તે પ્રભુના આ શરીર પરના હક્કને ડુબાડવાનો પ્રયત્ન કરે છે,અને તે કદી પ્રભુની કૃપાને પામી શકતો નથી.

અનસૂયા મહા તપસ્વીની હતાં.તપથી કશું અસાધ્ય નથી.
આત્મા એ પરમાત્માનું કિરણ છે.
જેમ સૂરજના એક કિરણમાં સૂરજની શક્તિ છે તેમ પરમાત્માના એ કિરણમાં પરમાત્માની શક્તિ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE