More Labels

May 3, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૨

તપ કરીને જે,મનુષ્યનો આત્મા,પરમાત્મા સાથે એક-ચિત્ત બને તો,પરમાત્મા ની શક્તિ તેના દ્વારા વહે.અને પછી કશું જ અશક્ય નથી,કશું જ અસાધ્ય નથી.અને એવા તપસ્વી ને ઘેર પ્રભુ એમને શોધતાં શોધતા એમના દ્વારે ટકોરા મારે છે.અતિથી બને છે.તપ નું આ ફળ છે.

એકવાર,તુકારામ માંદા હતા અને તેથી વિઠોબા (વિઠ્ઠલ) ના દર્શન કરવા જઈ શક્યા નહિ,તો વિઠોબા જાતે તુકારામ ને ઘેર પહોંચી ગયા ને દર્શન આપ્યા.ભક્ત ને પરમાત્માનાં દર્શન ની જેટલી આતુરતા છે એટલી જ ભગવાનને ભક્ત નાં દર્શન ની આતુરતા છે!!! ખરો ભક્ત એ છે કે જેની ભગવાન ચિંતા કરે.

અનસૂયા એ સીતાજી ને ખૂબ હર્ષ થી આશીર્વાદ આપ્યા.સીતાજી ને પતિ સાથે વનવાસ ભોગવતા જોઈ તેમણે,તેમને ખૂબ ધન્યવાદ આપ્યા,ને કહ્યું કે-જે સ્ત્રી પતિ ની સાથે રહીને,તેની આજ્ઞામાં રહીને ધર્માચરણ કરે તેને ધન્ય છે.પતિસેવા એ સ્ત્રી માટે મોટું તપ છે,તારું તપ જોઈ હું પ્રસન્ન છું,માટે મારી પાસે થી કંઈક માગ. ત્યારે સીતાજી એ કહ્યું કે-આપની દયા સિવાય મારે બીજું કશું ના જોઈએ.
તેમ છતાં પણ અનસૂયા એ કદી પણ કરમાય નહિ તેવી ફૂલની માળા અને કેટલાંક દિવ્ય વસ્ત્રો આપ્યાં.
આ વસ્ત્રો એવાં હતા કે તે કદી બગડે નહિ કે ભીનાં પણ થાય નહિ.

અત્રિ-ઋષિ નો આશ્રમ છોડી ને શ્રીરામ આગળ ચાલ્યા.દક્ષિણ તરફ જવાનો તેમનો નિર્ધાર હતો.
હવે વધારે ભીષણ વનમાં તેમનો પ્રવેશ થયો.વન સુંદર છે,પણ એ ગીચ હોવાને કારણે ભીષણ લાગે છે.
તેમાં અનેક તપસ્વીના આશ્રમો છે અને રાક્ષસો નો પણ વાસ છે.

રસ્તામાં રામ-લક્ષ્મણે એક વિકરાળ રાક્ષસ ને રસ્તો રોકી ને પડેલો જોયો,ઘડીક માં તો તેણે સર્પ નું સ્વરૂપ લઇ ને સીતાજી ને ઉપાડી ને લઇ ગયો અને રામ-લક્ષ્મણ ને ડરાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે-
હું મહા ભયંકર વરાધ (રાક્ષસ) છું,અહીંથી ભાગી જાઓ નહિતર હું તમને ખાઈ જઈશ,
લક્ષ્મણે એકદમ બાણ નો મારો ચલાવી તેને અટકાવ્યો.ત્યારે ગુસ્સે થઇ વરાધ,સીતાજી ને બાજુ પર મૂકી દઈ ને, ત્રિશુલ લઇ ને રામ-લક્ષ્મણ ને મારવા ધસ્યો.ત્યારે રામજી એ બાણ ચલાવી ત્રિશુલ ના બે ટુકડા કરી દીધા.વરાધ ચમક્યો-તેણે આવું બળ પહેલાં ક્યાંય જોયું નહોતું,પણ હવે તે મરણિયો બની ને વિકરાળ સ્વરૂપ ધારણ કરી ને મોં ફાડી ને રામ-લક્ષ્મણ ને જાણે,ગળી જવા દોડ્યો.

પણ રામજી ની આગળ તેનું કશું ચાલ્યું નહિ,રામજી ના એક બાણે તે ધરાશયી થઇ ગયો.ત્યારે લક્ષ્મણે એક મોટા ખાડામાં હાથી ને દાટે તેમ દાટી દીધો.
શ્રીરામ ના હાથે મરણ પામતાં તે વરાધ રાક્ષસ દિવ્યરૂપ શરીરે પ્રભુના ના ધામમાં ગયો,
પૂર્વ-જન્મ માં તે એક ગંધર્વ હતો ને કુબેર ના શાપ થી તે રાક્ષસ થયો હતો.
રાક્ષસ એટલે અવિવેક અને અધર્મ-બુદ્ધિ.રામજી તેમના માં વિવેક અને ધર્મ-બુદ્ધિ નો પ્રકાશ પ્રેરી
અને તે અવિવેક-અધર્મ બુદ્ધિ ના અંધકાર ને દૂર કરે છે.

ત્યાંથી આગળ ચાલતાં શ્રીરામ,શરભંગ-ઋષિ ના આશ્રમ માં પહોંચ્યા.ત્યારે દેવાધિદેવ ઇન્દ્ર શરભંગ-ઋષિ ના દર્શને પોતાના રસાલા સાથે આવ્યો હતો,પણ એકાએક રામને ત્યાં આવી ચડેલા જોઈ તેણે ચુપચાપ ત્યાંથી વિદાઈ લઇ લીધી. શ્રીરામ તો સહુ ના માલિક અને તેમની આગળ પોતે મોટો ઠાઠ કરે તે શોભે નહિ,એમ સમજી ને ઇન્દ્ર શરમાઈ ગયો હતો અને ત્યાંથી ચાલ્યો ગયો.

ઇન્દ્ર ને સત્કારવા શરભંગ-ઋષિ પોતાના આસંપરથી ઉઠયા નહોતા પણ રામ આવ્યા છે તે જોઈને તેઓ એકદમ ઉભા થઇ ને રામને મળવા દોડ્યા અને ભાવ થી ભેટી પડ્યા,અતિ પ્રસન્નતાથી સ્વાગત કરીને,
તે શ્રીરામને કહેવા લાગ્યા કે-આપે વનવાસ લીધો છે એવું સાંભળ્યું,ત્યારથી હું રાત-દિવસ આપની રાહ જોઈ રહ્યો છું,કેટલાય વખત થી હું શરીર છોડી દેવાનો વિચાર કરું છું,પણ આપનાં દર્શન અર્થે શરીર ને ટકાવી રાખ્યું છે.હવે આપનાં દર્શન થયા એટલે મને મારી તપસ્યા નું ફળ મળી ગયું.

અત્યાર સુધી મેં જે જપ,તપ,યજ્ઞ વગેરે જે સર્વ કર્યાં છે,તે સર્વ હું આપનાં ચરણમાં અર્પણ કરી દઉં છું,
હવે હું એટલું જ માગું કે નિરંતર મારા હૃદય માં નિવાસ કરીને રહો.અને હું દેહ છોડી દઉં ત્યાં સુધી મારી નજર સામે રહો.આમ કહી તેમણે શ્રીરામના ચરણમાં પ્રણામ કર્યા,અને તે અગ્નિહોત્રી ઋષિ એ,ચિત્ત ને પ્રભુ સ્મરણમાં સ્થિર કરી ને શરીર ને અગ્નિ માં સમર્પિત કરી દીધું,થોડીવાર પછી,અગ્નિકુંડ માંથી એક દિવ્ય દેહવાળો કુમાર બહાર નીકળ્યો,કે શરભંગ-ઋષિ પોતે હતા,અને આ દિવ્ય રૂપે તેઓ આ શરીર છોડી ને બ્રહ્મ-લોક માં પધાર્યા. ઋષિ-મુનિઓએ એમનો જયજયકાર કર્યો.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE