More Labels

May 16, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૫

સીતાજીને મૃગ નો લોભ તો થયો હતો જ અને લોભ થી વિવેક નો નાશ થાય છે,
લોભથી બુદ્ધિ અશુદ્ધ થયેલી હતી,એમાં ચીસ ના સાંભળવાથી “ભય” નો ઉમેરો થયો,
આજ સુધી ના રામનાં પરાક્રમો ને તે વિસરી ગયા,તેમની ધીરજ રહી નહિ, અને એકનિષ્ઠા થી સેવા કરનાર લક્ષ્મણ ને અનાર્યો ની પેઠે કઠોર અને અનુચિત વેણ સંભળાવ્યાં.અને
લક્ષ્મણ ને કહે છે કે તારી દાનત સારી નથી.

લક્ષ્મણજીએ કાને હાથ દીધા-કહે છે કે-ભાભી,તમે તો મારાં માતાજી સમાન છે.
તે અતિ વ્યાકુળ થયા છે,એક તરફ રામજી ની આજ્ઞા હતી અને બીજી તરફ  સીતાજી નાં કઠોર વચન સહન થતાં નહોતાં.છેવટે કોઈ ઉપાય ના રહેતાં,તેમણે કહ્યું કે-માફ કરો,દયા કરો, હું જાઉં છું,પણ મારી આટલી અરજ માનજો,હું આ રેખા દોરું છું તે વટાવી ને બહાર પગ ના દેશો.
આટલું બોલતાં લક્ષ્મણ ગળગળા થઇ ગયા અને વન-દેવતા ને પ્રાર્થના કરી કે-સીતાજી નું રક્ષણ કરજો.
ને ઝડપથી તે ગાઢ-વન તરફ રામજી ની પાસે જવા ચાલી નીકળ્યા.

સીતાજી એકલાં રામજી ની ચિંતા કરી ને પેટ કૂટે છે,
સંતો કહે છે કે-શોક-ગ્રસ્ત સ્ત્રીઓ સામાન્ય રીતે છાતી કૂટે છે,જયારે સીતાજી પેટ કૂટે છે,એ એવું સૂચવે છે કે-સર્વ રાક્ષસો નો સંહાર થયા વિના હવે મને તૃપ્તિ થનાર નથી,હવે હું ભુખી થઇ છું.

થોડી ક જ વાર પછી પર્ણકુટી ના બારણે વેદમંત્રો નો ઘોષ સંભળાયો.
સીતાજી જુએ છે તો બારણે, દંડ,કમંડળ અને ભગવાં વસ્ત્રવાળો  સન્યાસી ઉભો છે.
એ રાવણ હતો,અતિથી-બ્રાહ્મણ સમજી ને સીતાજી એ તેનો સત્કાર કર્યો,અને એને ભિક્ષા આપવા બારણે
આવ્યાં.ત્યારે રાવણે કહ્યું કે-હું ઘરમાં રહી અપાતી ભિક્ષા લેતો નથી.

લક્ષ્મણજી એ બાંધી આપેલી રેખા નો સીતાજી ને ખ્યાલ ના રહ્યો,તેમનું ધ્યાન કેવળ અતિથી બ્રાહ્મણ ને ભિક્ષા આપવા તરફ જ હતું,તેથી લક્ષ્મણ-રેખા ની બહાર તેમનો પગ પડ્યો.
તુલસીદાસજી કહે છે કે-વિધાતાની અવળી ગતિથી અને કાળની કઠિનતા થી સીતાજી ભાન ભૂલ્યાં,
અને રેખા ઓળંગી ને આગળ આવ્યાં.

લક્ષ્મણ રેખા એ માનવી ની મર્યાદા-રેખા છે.માનવી મર્યાદાની બહાર પગ મૂકે તો તે વિવશતાનો ભોગ બને છે.લક્ષ્મણ-રેખા એ વિવેક ની,સદાચારની,નિજ-સુખની,કુટુંબ-યશની,અને સમાજ ના ગૌરવ ની મર્યાદા છે.એ મર્યાદા લોપતાં,એ મર્યાદા નો ભંગ થતાં,માનવી વિવેક ને ગુમાવી,દુઃખ અને અપયશ નો ભોગ બને છે.
સંતોએ અને સમાજ-વિધાયકો એ સમાજ-જીવન માં અને વ્યક્તિ-જીવનમાં મર્યાદાઓ નક્કી કરેલી છે.
પણ એ મર્યાદાઓ નું ઉલ્લંઘન,માનવી કામ,ક્રોધ,લોભ,મોહ વગેરે વાસનાઓને વશ થઇ ને કરે છે,અને પોતાની જાત ને આપદામાં (મુશ્કેલીમાં) મૂકે છે.

અહીં સીતાજી એ સાધુ-અતિથી ના સત્કાર ની ભાવનાથી લક્ષ્મણ-રેખા નો ભંગ કર્યો,
પણ પરોપકાર ની ભાવના માટે પણ મર્યાદા નો ભંગ ઇષ્ટ નથી.

મનુષ્ય કાળ નું પ્યાદું છે.કાળ ધક્કો મારીને તેંને ચલાવે છે.પણ પરમાત્મા તો કાળ ના યે કાળ છે.
પરમાત્મા નું શરણ લેનાર,કાળનું પ્યાદું મટી ને પરમાત્મા નું પ્યાદું બને છે.
પ્રભુ સંચાલક અને પ્રભુ માલિક.સંપૂર્ણ-પણે પ્રભુ નું આવું શરણું લેનાર ને કાળથી બીવાનું રહેતું નથી.
એના ચિત્ત માં પછી વાસનાનો ઉદય થતો નથી.એટલે કે ત્યાં કામ,ક્રોધ,લોભ –એ સર્વનું અસ્તિત્વ જ નથી.કારણ કે ત્યાં “અહં” “હું” નું જ અસ્તિત્વ નથી તો પછી લોભ કોણ કરે?

પણ અહીં કાળ ની અકળ લીલાથી, સીતાજીએ સુવર્ણ-માયા-મૃગ નો લોભ કર્યો,
લોભ થી વિવેક ખોયો,રામજીને મૃગ ની પાછળ દોડાવ્યા,લક્ષ્મણજી પર ક્રોધ કર્યો,અને
લક્ષ્મણ-રેખાની મર્યાદા વટાવી ને મહા આપત્તિમાં પડ્યાં.
સીતાજી જગત-જનની નું સ્વ-રૂપ છે,પતિ પાછળ સ્વેચ્છા એ વનવાસ નું કઠોર જીવન સ્વીકાર્યું છે,દુઃખ ને સુખ ગણ્યું છે,તેમ છતાં ક્ષુલ્લક મૃગચર્મ નો લોભ કરે તે મનમાં ના બેસે તેવી વાત છે.
લક્ષ્મણજી ને કટુ-વચનો કહે તે પણ માની ના શકાય તેવી વાત છે,

પણ વાલ્મીકિ જી એ લખ્યું છે કે-
જયારે લક્ષ્મણને તેમણે કહ્યું કે-હું અગ્નિ માં પ્રવેશ કરીશ પણ રામજી ની સિવાય અન્ય પુરુષ નો કદી
સ્પર્શ કરીશ નહિ.
મહાત્માઓ કહે છે કે-આમ કહી સીતાજી એવું સૂચવે છે કે-હું પોતે રાવણ ને ઘેર નહિ જાઉં,
પણ મારા યથાર્થ સ્વ-રૂપ ને અગ્નિ માં રાખી ને,બીજા રૂપે એટલે કે માયા-રૂપે જ તેના હાથમાં જઈશ.
એટલે અહીં રાવણ જે સીતાજી ને હરી જાય છે તે “માયા-સીતાજી” છે.
અને રાવણ ના વધ પછી એ “માયા-સીતાજી” અગ્નિ માં પ્રવેશ કરે છે(અગ્નિ-પરીક્ષા),અને અગ્નિ સીતાજી ના એ “માયા-રૂપ”નું દહન કરી ને યથાર્થ સીતાજી ના સ્વ-રૂપ ને રામજી સમક્ષ પ્રગટ કરે છે,PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE