Nov 22, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૪


બીજી બાજુ શ્રીરામે લીલા કરી.લક્ષ્મણજી વનમાં કંદમૂળ લેવા ગયા હતા,ત્યારે શ્રીરામે સીતાજીને કહ્યું કે-હવે તમે અગ્નિમાં પ્રવેશ કરો,ને પર્ણકુટીમાં તમારી છાયાને રાખો.
આનંદ રામાયણમાં લખ્યું છે કે-શ્રીરામની આજ્ઞા થતા,સીતાજી એ ત્રણ રૂપ ધારણ કર્યા,એક-રૂપે તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો,બીજા-રૂપે તે રામ-સ્વરૂપમાં લીન થયાં અને ત્રીજા છાયા રૂપે તેઓ પર્ણકુટીમાં રહ્યા.

તુલસીદાસજી કહે છે કે-રામજીની આ લીલા લક્ષ્મણજીએ પણ જાણી નહી.
રાવણ મારીચને લઇ ને દંડકારણ્યમાં આવ્યો,અને રાવણની આજ્ઞાથી મારીચે,સુવર્ણ-મૃગનું રૂપ ધારણ કર્યું.
આખું શરીર જાણે સુવર્ણનું બનેલું ને વચમાં રત્નો જેવી ટીપકીઓ,નીલમના જેવાં શિંગડાં.
આ અદભૂત સુવર્ણ-મૃગ શ્રીરામની પર્ણકુટીની આસપાસ ફરવા લાગ્યો.સીતાજી તે વખતે બહાર ફુલ વીણતાં હતાં,ત્યાં તેમણે આ અદભૂત મૃગ જોયો,અને તેમનું મન લોભાયું.એમને થયું કે આવો સરસ મૃગ મારા આશ્રમમાં હોય તો કેવું સારું?કોઈ વાર એકલાં ગમતું નથી તો તેને લીધે ગમે પણ ખરું.
વળી વનવાસ પુરો થયા પછી તેને અયોધ્યામાં સાથે લઇ જશું તો તે જોઈને બધા આભા બની જશે.

સીતાજીએ રામજીને મૃગ દેખાડીને કહ્યું કે-મને આ સુંદર મૃગ જીવતો લાવી આપશો?જો જીવતો ના પકડાય તો તેને હણીને તેનું મૃગચર્મ લાવી આપશો?હું એ સુંદર મૃગચર્મ પર બેસીને તમારી સેવા કરીશ.
રામજી ચકિત થઇને સુવર્ણ-મૃગને જોઈ રહે છે,ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે-આવો મૃગ કદી હોય નહિ,
મને આમાં કંઈ કપટ લાગે છે,મારીચ નામનો રાક્ષસ આવાં રૂપ ધારણ કરે છે,એ કદાચ મારીચ પણ હોય.

રામજી કહે છે કે-મારીચ હશે તો પણ, ચિંતા કરવાનું કોઈ કારણ નથી,એ મારા હાથે મરશે.
આમ કહી તેમણે લક્ષ્મણજીને આજ્ઞા કરી કે-હું હમણાં જ મૃગને પકડીને કે હણીને પાછો આવું છું,
ત્યાં સુધી તું બીજું કંઈ ના કરતાં અહીં રહી સીતાનું રક્ષણ કર.પછી રામજી મૃગને પકડવા ચાલ્યા.

આમ અહીં સીતાજી માનવ-સહજ લોભ કરે છે અને રામજી માનવ-સહજ નબળાઈ બતાવી સ્ત્રી-હઠને 
વશ થાય છે. માનવ-દેહ ધરીને પરમાત્મા પણ અસલ માનવ પાઠ ભજવે છે-લીલા કરે છે.
મૃગ આગળ દોડે છે અને રામજી તેની પાછળ દોડે છે,એમ કરતાં કરતાં આશ્રમથી ઘણે દૂર 
બંને પહોંચી ગયા છે.શ્રીરામે જોયું કે મૃગ જીવતો પકડાય તેમ નથી એટલે તેમણે બાણ છોડ્યું.
અને બાણ મૃગને લાગતાં જ-“હે સીતા-હે લક્ષ્મણ”એવી મોટેથી ચીસ પાડી ને મૃગ ઉછળીને 
રાક્ષસ સ્વરૂપ ધારણ કરી,જમીન પર પડ્યો.

મૃગ-રૂપી રાક્ષસે પાડેલી મોટી ચીસ પર્ણકુટીમાં સંભળાણી,અને એ સાંભળી સીતાજીના ગભરાટનો પાર ના રહ્યો.તેમણે લક્ષ્મણને કહ્યું કે-તમારા ભાઈ રાક્ષસના પંજામાં સપડાયા લાગે છે ને તેથી તમને બોલાવતા લાગે છે,માટે તમે એમની મદદે જલ્દી જાવ.પણ લક્ષ્મણજી તો જરાયે ગભરાયા વગર શાંત બેસી રહ્યા.મૃગ સાચો નહિ હોવાની તેમને શંકા તો હતી જ,તેથી ચીસથી તે છેતરાયા નહિ,તેમને ખાતરી હતી કે શ્રીરામને કંઈ નહિ થાય.
પણ લક્ષ્મણજીને શાંત બેઠેલા જોઈ અને રામની મદદે જવા ના નીકળતા જોઈ,સીતાજી એ તેમને ન કહેવાનાં 
વેણ કહ્યા.છતાં લક્ષ્મણે કહ્યું કે-મોટાભાઈ મને પર્ણકુટી છોડીને ક્યાંય નહિ જવાની આજ્ઞા કરી છે,
એટલે તમને એકલાં છોડીને હું ક્યાંય નહિ જાઉં.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE