More Labels

May 7, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૬

લક્ષ્મણજી, શ્રીરામને પૂછે છે કે-જ્ઞાન શું ને વૈરાગ્ય શું?માયા શું અને બ્રહ્મ શું?ઈશ્વર શું અને જીવ શું?
શું કરવાથી આપનાં ચરણમાં પ્રીતિ થાય અને શોક-મોહ હટે ?
શ્રીરામચન્દ્રજી એ લક્ષ્મણજી ના પ્રશ્નો ના જવાબ માં જે ઉપદેશ કર્યો,તેણે સંતો “રામ-ગીતા” પણ કહે છે.શ્રીરામે બહુ જ થોડા શબ્દો માં ગૂઢ વાત કહી નાંખી છે.

રામ-ગીતા
શ્રી રામ કહે છે કે-હું અને મારું,તુ અને તારું-આ જ “માયા” છે.અને આ માયાએ સર્વ જીવો ને વશ કર્યા છે.
ઇન્દ્રિયો ના વિષયો એ માયા છે. જ્યાં સુધી મન ની ગતિ છે ત્યાં સુધી માયા છે.

માયાની બે શક્તિ છે,એક વિદ્યા અને બીજી અવિદ્યા.
અવિદ્યા ને વશ થઇ ને જીવ સંસાર ના કૂવામાં પડ્યો છે.
વિદ્યા ને વશ ત્રણ ગુણો (સાત્વિક-રાજસિક-તામસિક) છે, તે જગત રચે છે ને પ્રભુ-પ્રેરિત છે.
તેનામાં પોતાનું કોઈ બળ (શક્તિ) નથી.

અમાનીપણું,અદંભીપણું,અહિંસા,ક્ષમા,સરળતા,આચાર્યોપાસના,શૌચ,સ્થિરતા,મન નો સંયમ,ઇન્દ્રિયો ના વિષયો તરફ વૈરાગ્ય,નિરહંકારીપણું,જન્મ-મરણ-ઘડપણ અને રોગોમાં દુઃખ અને દોષ નું દર્શન,અનાસક્તિ,સ્ત્રી-પુત્ર-ઘર પ્રત્યે મમતા નો અભાવ,ઇષ્ટ-અનિષ્ટ માં ચિત્ત ની સમતા,પ્રભુ વિષે અનન્ય ભક્તિ,એકાંત પ્રદેશ નું સેવન,જન-સમૂહ પ્રત્યે અનાકર્ષણ,અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ,અને
તત્વજ્ઞાન ના અર્થ નો અનુભવ-આ અઢાર ગુણ ને જ્ઞાન કહે છે.
અને આ અઢાર ગુણ માં થી એકે ગુણ જેંમાં નથી તેણે અજ્ઞાન કહે છે.

જે આ ગુણવાળો છે,અને જે સર્વમાં સમાન-રૂપે બ્રહ્મ ને જુએ છે,તે વૈરાગ્યવાન મનુષ્ય,
સર્વ સિદ્ધિઓ ને અને ત્રણે ગુણો ને તૃણવત સમજી ને ત્યજી દે છે.
જે “માયા” ને,”ઈશ્વર” ને અને “પોતાના” સ્વ-રૂપ ને જાણતો નથી,તે “જીવ” છે.
જે માયા નો પ્રેરક,સર્વ થી “પર” અને જે મોક્ષ નો દાતા છે –તે “ઈશ્વર” છે.

ધર્મ (સ્વ-ધર્મ-કર્મ) ના આચરણ નું ફળ “વૈરાગ્ય” છે,યોગ (કર્મ) નું ફળ “જ્ઞાન” છે,તેવું વેદ કહે છે.
પણ પરમાત્મા જેનાથી વહેલા પ્રસન્ન થાય તે પરમાત્મા ની “ભક્તિ” છે.
ભક્તિ ને કોઈ જ્ઞાન-વિજ્ઞાનના આધાર ની જરૂર નથી,ભક્તિ તે જ્ઞાન-વિજ્ઞાન ને વશ નથી
પણ જ્ઞાન-વિજ્ઞાન ભક્તિ ને વશ છે.ભક્તિ સર્વ સુખ નું મૂળ છે. ભક્તિ થી જીવ અનાયાસે પ્રભુ ને પામે છે.

પ્રથમ તો સંત-ચરણ (સત્સંગ) માં પ્રીતિ થવી જોઈએ,ને નિજ-ધર્મ (સ્વ-ધર્મ) પ્રમાણે કર્મો માં પ્રવૃત રહેવું જોઈએ.એથી વિષયો પ્રત્યે “વૈરાગ્ય” પ્રાપ્ત થશે.વૈરાગ્ય થયા પછી “ભગવદ-ધર્મ” માં પ્રેમ થશે.
પછી,શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદ-સેવન,અર્ચન,વંદન,દાસ્યભાવ,સખ્યભાવ અને આત્મનિવેદન-
એ નવ પ્રકારની “ભક્તિ” દૃઢ થશે.

શ્રીરામ કહે છે કે-જેને સંત-ચરણ (સત્સંગ)માં પ્રીતિ છે,મન,વચન અને કર્મ થી જે મારી સાથે સંબંધ માં છે,મને જ ગુરૂ,પિતા,માતા,ભાઈ,પતિ,દેવ –સર્વ કંઈ માને છે અને મારી સેવા માં દૃઢ રહે છે,
મારા ગુણ ગાતાં જે પુલકિત થાય છે ને પ્રેમ થી જેની આંખોમાં પ્રેમાશ્રુ વહે છે,
જે કામ,મદ અને દંભ થી રહિત છે,તેને હું સદા વશ રહું છું.
જેને મન,વચન અને કર્મ થી મારો જ આશ્રય છે,જે નિષ્કામ ભાવે મને જ ભજે છે,તેના હૃદયમાં હું વિરાજું છું.

આ સાંભળી લક્ષ્મણજી ને એવો આનંદ થયો કે તેમણે શ્રીરામ ના ચરણ પકડી લીધાં.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE