Jan 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૧

રાવણનો ગુસ્સો આસમાને પહોંચ્યો ,તેણે તલવાર કાઢી,કહ્યું કે –ગુસ્સો તો એવો આવે છે કે તારો હમણાં જ વધ કરી નાખું,પણ શું થાય? મેં તને બાર મહિનાની મહેતલ આપી હતી તેમાં બે મહિના હજુ બાકી છે,એટલે ત્યાં સુધી હું રાહ જોઇશ,ત્યાં સુધીમાં જો માની જશે તો રાજ-રાણી થશે,નહિતર મારી આ તલવાર તારા ગળામાં પડશે તે તું નક્કી જ જાણજે.

ત્યારે સીતાજીએ કહ્યું કે-મારી આ ડોકમાં કમળની માળા સરખી ને હાથીની સૂંઢ સરીખી,શ્રીરામની ભુજા પડશે કે તારી તલવાર પડશે,આ મારી સત્ય-પ્રતિજ્ઞા છે.પછી રાવણની તલવારને સીતાજી કહે છે કે-“હે,તલવાર,તારી શીતળ તેજ ધાર વડે તું જ મારા વિરહ-તાપ ન હરી શકે તેમ છે.” ત્યારે રાવણે તલવાર ઉંચી કરી ને કહ્યું કે-
“તો,લે તારો તાપ દૂર કરું” કહી સીતાજીની ગરદન પર મારવા આગળ થયો કે –મંદોદરીએ તેનો હાથ પકડીને શાંત પાડ્યો.કહે છે કે-હજુ બે મહિનાની મહેતલ આપી ચુક્યા છો પછી આ શું કરો છો?

રાવણે તલવાર મ્યાન કરી અને ગુસ્સામાં પગ પછાડ્યા, ને સીતાજીની ચોકીમાં બેઠેલી રાક્ષસીઓને કહ્યું કે-
કોઈ રીતે આને ઠેકાણે લાવો,હું તમને ભારે ઇનામ આપીશ. આમ કહીને તે ચાલ્યો ગયો.
રાવણના ગયા પછી ટોળે વળેલી રાક્ષસીઓ સીતાજીને બીવડાવવા માંડી.”અમે તને મારીને ખાઈ જશું”

એટલામાં ત્રિજટા નામની એક રાક્ષસી આવી કહ્યું કે-હે પાપીણીઓ,તમે કોને ખાવાની વાત કરો છે!!
એ તો જગદંબા છે.મને સ્વપ્ન આવ્યું હતું તેમાં મેં જોયું હતું કે એક વાનર આવ્યો અને તેણે લંકાને બાળી,
પછી રામ-લક્ષ્મણ આવ્યાને રાવણને મારી લંકાને જીતી,સીતાજીને છોડાવી,લંકાનું રાજ વિભીષણને 
આપ્યું.લંકામાં વિભીષણની જય બોલાતી હતી ને વિભીષણ રામ-સીતાની જય બોલતો હતો.
આ સાંભળીને બધી રાક્ષસીઓ ડરી ગઈ ને સીતાજી પગે પડી,ત્યાંથી ચાલી ગઈ.

એકલી ત્રિજટા ત્યાં રહી. સીતાજીએ ત્યારે ત્રિજટા ને કહ્યું કે-મારું એક કામ કરશો?રામજીનો વિરહ 
હવે મારાથી ખમાતો નથી, તું મને ચિતા ખડકીને અગ્નિ લાવી આપ,કે જેથી હું બળી મરું.
તું મારા પર સ્નેહ રાખે છે તો તે સ્નેહ સાચો કર. “સત્ય કરહિ મમ પ્રીતિ,સયાની”
ત્યારે ત્રિજટાએ સીતાજીને ખૂબ સાંત્વન આપ્યું,તેને દૃઢ વિશ્વાસ હતો કે –થોડા જ સમયમાં 
મારું સ્વપ્નું સાચું પડશે. એથી સીતાજીને વારંવાર દિલાસો આપી તે તેના ઘેર ગઈ.

ત્રિજટા હિતેચ્છુ હોવાં છતાં પોતાની વાત માનતી નથી એ જોઈ ને સીતાજી અશોક-વૃક્ષને આજીજી કરે છે કે-હે,અશોક-વૃક્ષ મારી વિનંતી સાંભળ,મારો શોક હરી લે,ને તારું અશોક નામ સાર્થક કર.
બરાબર આ સમયે,તે વૃક્ષ પર બેઠેલા,હનુમાનજીએ રામજીની વીંટી સીતાજીની આગળ નાખી.
“મારો શોક દૂર કરવા,ને ચિતા સળગાવી બળી મરવા,શું અશોક-વૃક્ષે મને અંગારો આપ્યો કે શું?”
એમ સમજી સીતાજીએ વીંટી હાથમાં લીધી.ને જોયું તો રામના નામથી અંકિત થયેલી રામજીની વીંટી.
રામજીની વીંટી ઓળખાતા તેમને વાર ના થઈ,એમનું મન આનંદથી ભરાઈ ગયું.

પણ તરત જ કોઈ અકળ વિચારોથી પાછું તેમનું મન શોક-મગ્ન બની ગયું.
તે વિચારે છે કે-રામજીની વીંટી અહીં કેવી રીતે આવી? રામજીને મારીને તો નહિ લાવ્યા હોય?
પણ તરત જ બીજો વિચારે કહે છે કે-એ બની શકે જ નહિ,રામજી તો અજેય છે,કદાચ કોઈ રાક્ષસની આ માયા હશે? હનુમાનજી હવે વૃક્ષની નીચલી ડાળ પર ઉતરી આવી,મધુર સ્વરે શ્રીરામના ગુણગાન ગાવા લાગ્યા.
રામ-ગુણ-કીર્તન સાંભળીને સીતાજીને અત્યંત આનંદ થયો,કોણ બોલે છે તે જોવા તેમણે ઉપર નજર કરી,
ને કહ્યું કે-ભાઈ તું જે હો તે પ્રગટ થા.

ત્યારે હનુમાનજી હાથ જોડી સીતાજીના સામે આવીને ઉભા,ને કહ્યું કે-
માતાજી,હું,હનુમાન, શ્રીરામનો દૂત છું,આ વીંટી હું જ લાવ્યો છું.રામજીએ જ મને તે આપને આપવા આપી છે.
આ સાંભળી સીતાજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયાં.
રામજીની વીંટી હૃદય-સરસી ચાંપી તેમણે કહ્યું કે-હે,વીર હનુમાન,વિરહ સમુદ્રમાં ડૂબતી મને, 
તેં,વહાણ બનીને તારી છે,હવે તું મને કહે કે મને રામનાં દર્શન ક્યારે થશે? મને તે યાદ કરે છે ખરા?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE