More Labels

Jun 22, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૨

હનુમાનજીએ સીતાજી ને ,સીતાહરણ પછી બનેલા બધા બનાવો નું અને પોતે કેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો,તે બધું સવિસ્તર કહી સંભળાવ્યું.અને રામજી નો સંદેશો પણ કહ્યો.કે તેમને પણ સીતાજી નો વિરહ સાલે છે.આ સાંભળી સીતાજી,રામજી ના પ્રેમમાં મગ્ન બની ગયાં.
તેમણે કહ્યું કે-હે હનુમાન,તારા વચન મને અમૃત સમાન લાગે છે,શ્રીરામનું મન મારામાં છે,તે જાણી આનંદ થાય છે,પણ શ્રીરામ શોક-મગ્ન રહે છે તે જાણી સાથોસાથ દુઃખ પણ થાય છે.
મારા જીવનની માત્ર બે મહિનાની  મુદત રહી છે,તેટલા સમયમાં શ્રીરામ અહીં કેવી રીતે આવી શકશે?

હનુમાનજી એ કહ્યું-માતાજી તમે ચિંતા ના કરો,શ્રીરામ મહાસમર્થ છે,થોડા જ સમયમાં તે અહીં આવી પહોંચ્યા જાણો.રાક્ષસો-રૂપી પતંગિયાં રામબાણ રૂપી અગ્નિમાં બાળીને ખાખ થઇ જશે.
રામની સેનાનો એક એક વાનર મહાવીર છે!!

વાનર અને તે પણ વીર નહીં પણ મહાવીર?!! એ સાંભળી આવા દુઃખમાં પણ સીતાજી ને હસવું આવ્યું.
ત્યારે હનુમાને કહ્યું કે-માતાજી આપ આજ્ઞા કરો તો હમણાં જ આપણે મારી પીઠ પર બેસાડી રામજી ની પાસે પહોંચાડી દઉં,અરે,રાવણ સહિત આખી લંકાને ઉપાડી જવા હું સમર્થ છું.
સીતાજી ને ફરી હસવું આવ્યું,આવો નાનો સો વાનર બોલવામાં બહુ ચતુર છે.સીતાજી-કહે છે કે-
તુ નાનો વાનર અને આ રાક્ષસો તો માયાવી અને મહાભયંકર છે.

ત્યારે હનુમાનજી એ હવે વિશાળ રૂપ ધારણ કર્યું.મેરુ પહાડ –તો તેની આગળ કંઈ નથી-તેવું સ્વરૂપ !!!
તેવું સ્વરૂપ જોઈને સીતાજી ને હવે હનુમાનજી ની વાત પર વિશ્વાસ બેઠો.
હનુમાનજીએ તરત જ પાછું નાનું સ્વરૂપ ધારણ કરી દીધું.
સીતાજી એ પ્રસન્ન થઇ આશીર્વાદ દીધા કે-હે.તાત, તારા પર રામજીની ઘણી કૃપા હો.
મને ખાતરી થઇ ગઈ કે તુ મને અહીંથી ઊંચકીને લઇ જવા સમર્થ છે.હું તારી સાથે આવું,પણ એમાં રઘુવીર ની કીર્તિ ઝાંખી પડે,શ્રીરામ આવી ને રાક્ષસોને મારીને,મને લઇ જાય,એ જ ઇષ્ટ લાગે છે.
તુ તો મારે પુત્રવત છે,પણ શ્રીરામ સિવાય-કોઈ પણ પર-પુરુષનો સ્પર્શ કરવામાં સમાજની મર્યાદા તૂટે છે.

પછી હનુમાનજીએ સીતાજી ને કહ્યું કે-માતાજી,આ બાગમાં આટલાં બધાં ફળ જોઈ ને મને ભૂખ લાગી છે,
આપ આજ્ઞા આપો તો હું તે ફળ ખાઉં.
અહીં,અત્યંત બળવાન હનુમાનજીની તીક્ષ્ણ બુદ્ધિ અને વિવેક જોવામાં આવે છે.
બાગ તો કંઈ સીતાજી નો નથી,ફળ ખાવામાં તેમની આજ્ઞા લેવાની કોઈ એવી જરૂર પણ નહોતી,
છતાં પણ આવા,આજ્ઞા માગતા, બળ-બુદ્ધિમાન અને વિવેકી હનુમાનજી ને જોઈ સીતાજી કહે છે કે-
રઘુપતિ નું નામ લઈને,ઝાડની નીચે પડયાં હોય તે ફળ ખાજે,ફળ તોડતો નહિ.
દેખી બુદ્ધિ બલ નિપુણ કપિ,કહે ઊ જાનકી જાહુ,રઘુપતિ ચરણ હૃદય ધરી તાત મધુર ફળ ખાહુ.

ભૂખ્યા હનુમાનજી ને હવે ભોજન ની રજા મળી,એટલે તેમણે વિચાર્યું કે-ફળ તોડવાની ના પાડી છે,પણ
ઝાડ હલાવવાની કે ઝાડ પાડવાની -ક્યાં ના પાડી છે?
એટલે એક પછી એક ઝાડ નીચે પાડતા જાય,
ને,મુખે થી રામનું નામ લેતાલેતા પાકાં ફળ મોમાં મૂકતા જાય.
આમ એક પછી એક ઝાડ પડતા ગયા,ને છેવટે આખી વાડીના બધા ઝાડ નો કચ્ચર ઘાણ નીકળી ગયો.

વાડીના રખેવાળ રાક્ષસો દોડી આવ્યા,ને હનુમાનજી ને બિવડાવવા નો ને મારવાનો પ્રયત્ન કર્યો.
પણ હનુમાનજી જેમનું નામ,તેમને બીક શાની?તેમને વળી કોણ મારી શકે?
મારવા આવનારા રાક્ષસો જ માર ખાઈ ને જમીન ભેગા થઇ ગયા.અશોકવનમાં સોપો પડી ગયો.
બચેલો કોઈ એક રાક્ષસ,રાવણને ખબર આપવા દોડી ગયો.
“કોઈ બંદર આવ્યો છે,તેણે અશોક-વાટિકાને ઉજ્જડ કરી નાખી છે.અસંખ્ય રાક્ષસોને તેણે મારી નાખ્યા છે.”

રાવણના ક્રોધનો પાર રહ્યો નહિ,તેણે મોટા મોટા યોદ્ધાઓ ને ત્યાં મોકલ્યા અને કહ્યું કે-
જાઓ તેને અહીં જીવતો પકડી લાવો,એ બંદર ને.
અત્યંત બળવાન રાક્ષસ યોદ્ધાઓ એક સાથે હનુમાનજી પર તૂટી પડ્યા.
પણ થોડીવારમાં તો,હનુમાનજીએ તે સર્વ નો ઘાણ કરી નાખ્યો.જે એકાદ બે વધ્યા તે ભાગીને રાવણ ને ખબર આપવા પહોંચ્યા.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE