Jan 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૪

ભરી સભામાં,હનુમાનજીની વાતથી,રાવણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો,
તેણે ત્રાડ પાડી કહ્યું-કે ચુપ,મર બંદર,હું તારો હમણાં જ વધ કરી નાખું છું.
આમ કહી તેણે રાક્ષસોને હુકમ કર્યો કે –આનું માથું કાપી નાખો.
ત્યાં વિભીષણે ઉભા થઇ કહ્યું કે-મહારાજ,આ વાનર દૂત તરીકે આવ્યો છે,
અને દૂતનો વધ કરવો એ રાજનીતિ નથી,વળી તમે સિંહ થઈને શું દેડકાને મારશો?

રાવણ કહે છે કે- પણ આને સજા તો કરવી જ પડશે.ત્યારે વિભીષણે કહ્યું કે- બીજી કોઈ સજા કરો.
રાવણે વિચાર કર્યો કે-વાંદરાને પોતાનું પૂંછડું બહુ વહાલું હોય છે,માટે આનું પૂંછડું જ બાળી મુકું,પછી એ છો ને બાંડો થઇ ને રામની પાસે જતો.તેણે હુકમ કર્યો કે-તેલમાં બોળેલું કપડું બાંધી આનું પૂંછડું સળગાવી દો.
“કપિ કૈ મમતા પૂછ પર સબહિ કહેઉ સમુઝાઈ,તેલ બોરિપટ બાંધી,પુનિ પાવક દેહુ લગાઈ”
આ સાંભળી ને પણ હનુમાનજી તો મનમાં મલકાય છે,”જે થાય છે તે ઠીક જ થાય છે”

સુંદરકાંડ –એ ખરેખર સુંદર જ છે.એકનાથ મહારાજે તો વળી તેને અધિક સુંદર કરીને લખ્યો છે.
તેમણે લખ્યું છે કે-હનુમાનજી શિવજીનું સ્વરૂપ છે.
તુલસીદાસજી પણ કહે છે કે-શિવજીએ જયારે હનુમાનનો અવતાર લેવાનું નક્કી કર્યું,ત્યારે 
પાર્વતીજીએ કહ્યું કે-હું પણ તમારી સાથે અવતાર લઈશ.
ત્યારે શિવજી કહે છે કે-હું તો બ્રહ્મચારી થવાનો છું,તમારુ ત્યાં શું કામ?
ત્યારે પાર્વતીજી એ જીદ પકડી ને કહે છે કે-તમારા વગર હું રહી શકું નહિ.
પછી તો શિવજી થયા હનુમાન અને પાર્વતીજી થયા તેમનું પૂંછડું.
આમ હનુમાનજીનું પૂંછડું એ “યોગ-માયા” છે.!!!!

હનુમાનજી જયારે સીતાજીની શોધ લંકામાં કરતા હતા ત્યારે એમનું પૂંછડું,બધા ઘરોની બારીઓ-જાળીઓ માં ફરી વળ્યું હતું.અત્યારે એ યોગ-માયા ફરી વિસ્તરી.રાક્ષસો કપડાં લાવી-લાવીને,જેમ જેમ પૂંછડાને વીંટે-તેમ તેમ તે પૂંછડું મોટું થયે જાય છે.તુલસીદાસજી કહે છે કે-હનુમાનજી ના પૂંછડાને લપેટવામાં એટલું કપડું,તેલ અને ઘી ગયું કે-આખી લંકા નગરીમાં કપડું,ઘી-કે તેલ રહ્યા નહિ.રાક્ષસોને પણ મજા પડી ગઈ છે કે-
કપડું તેલ,ઘી- તો બીજાં આવશે પણ વાંદરાની પૂંછડીએ આવો ભડકો ક્યારેય જોવા નહિ મળે.

પછી હનુમાનજીએ રાવણને હસતાં હસતાં કહ્યું કે-તમે આ પુચ્છ-યજ્ઞના યજમાન છો તો મારા પૂછડે આગ લગાડી,પહેલી ફૂંક મારો.રાવણ ફૂંક મારવા ગાયો,તો તેની દાઢીએ ઝાળ લાગી ગઈ,તે આઘો ખસી ગયો.
આ બાજુ રાક્ષસીઓએ આવી સીતાજીને સમાચાર આપ્યા કે-પેલા બંદરનું આવી બન્યું છે,રાવણે તેની પૂંછડી સળગાવી છે.સીતાજીને આ સાંભળી બહુ દુઃખ થયું-એમના હૈયામાંથી શબ્દો નીકળી ગયા કે-
હે અગ્નિ દેવ,મેં પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો,હનુમાનજીના પૂંછડે તમે શીતળતા આપજો.
અને તે જ ઘડીએ હનુમાનજીના પૂંછડે ઠંડક થઇ,તેમને આશ્ચર્ય થયું.કે –
એકાએક,મારે પૂછડે બરફ જેવી શીતળતા શી રીતે થઇ?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE