Dec 22, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૯

શ્રીરામની કૃપાથી ભાઈ-ભાઈનાં વેરઝેર આમ મટી ગયાં. મહાત્માઓ કહે છે કે-જિંદગીમાં કદી વેર-ઝેરને પોષશો નહિ,વેર-ઝેર ને વાસના રાખીને મરે તેનું મરણ બગડે છે.મરણ તો સૌના લલાટે લખાયેલું જ છે,પણ સાદું,સંયમી જીવન જીવીને તે મરણને સુધારવું તે મનુષ્યના પોતાના હાથની વાત છે.માટે જીવનમાંથી વેર-ભાવનાને છોડવી જોઈએ.

વાલી હવે મૃત્યુને ભેટવા અધીરો થયો હતો,તેણે શ્રીરામને નમન કરીને કહ્યું કે-મને હવે રજા આપો.
ત્યારે રામજીએ તેના મસ્તક પર પોતાનો હાથ પધરાવી કહ્યું-કે- હું તારા પર પ્રસન્ન છું,
તમે શરીર રાખવા ઈચ્છતા હો તો કહો,હમણાં જ તમને બેઠા કરી દઉં.
વાલીને મારવાની જેમણે પ્રતિજ્ઞા કરી હતી,એ જ રામ એને જીવતો કરવાનું કહે છે!!
પણ,આથી શ્રીરામની પ્રતિજ્ઞાને કંઈ આંચ આવતી નથી,કારણકે,શ્રીરામે જે વાલીને હણવાની પ્રતિજ્ઞા કરી હતી તે દુષ્ટ વાલી હતો,આ તો ભક્ત વાલી છે.ભક્ત પર પ્રભુની કૃપા જ કૃપા હોય છે.

ત્યારે વાલી કહે છે કે-અત્યારે શ્રીરામ મારા નેત્ર સમક્ષ ઉભા છે,આવું ફરી ક્યારે બને?
માટે મરવાની આ જ ઉત્તમ પળ છે.હે,પ્રભુ,હું તમારી પાસે એટલું જ માગું કે-
કર્મ-વશ હું જે કોઈ યોનિમાં જન્મું,તેમાં આપનાં ચરણમાં મારું મન લાગેલું રહે.
આમ બોલતાં-જ વાલીએ શ્રીરામનાં ચરણમાં દૃષ્ટિ સ્થિર કરીને પ્રાણ-ત્યાગ કર્યો.
તુલસીદાસજી કહે છે કે-હાથીના કંઠમાંથી ફૂલની માળા પડી જાય,ને તેને જેમ એની ખબર પડતી નથી,
તેમ વાલીએ સહજ-સરળ-ભાવે શરીરનો ત્યાગ કર્યો.

વાલી ની સ્ત્રી તારા,રાજ-વહીવટમાં પણ કુશળતાપૂર્વક ભાગ લેતી હતી,પતિને લડવા જવાની ના,પાડ્યા છતાં વાલીએ તેનું ગણકાર્યું નહોતું.તે,પતિના મૃત્યના સમાચાર સાંભળી દોડી આવી ને,પતિનું માથું ખોળામાં લઇ અતિશય વિલાપ કરવા લાગી,ત્યારે રામજીએ કહ્યું કે-તમે કોના માટે રડો છો?જો પંચ-મહાભૂતના શરીર માટે રડતાં હો,તે તમારા ખોળામાં છે,અને તે શરીરમાં વસતા આત્મા માટે રડતાં હો,તો આત્મા અમર છે,
એના માટે તમારા જેવી વિદુષી સ્ત્રીને શું રડવાનું હોય?

આ બધું જોઈને સુગ્રીવનો ભ્રાતૃપ્રેમ ફરી ઉછળી આવ્યો,તેનો વેરભાવ હવે શમી ગયો હતો.
એટલે હવે તેને પસ્તાવો થવા લાગ્યો,અને કહેવા લાગ્યો કે-અરેરે,ધૂળ જેવા સુખ માટે મેં મારા ભાઈનો વધ કરાવ્યો! ખરેખર હું નીચ છું,મારે હવે રાજા થઈને શું કરવું છે? મારે હવે રાજ્ય જોઈતું નથી,મને જીવતરનો હવે મોહ નથી,હું ચિતા ખડકીને બળી મરવા માગું છું.
આ સાંભળી શ્રીરામના આંખમાં પણ આંસુ આવી ગયા.દુઃખ-માત્રના દર્શનથી શ્રીરામજીનું હૃદય પીગળી જાય છે,તે એવા કરુણાળુ છે.તેમણે સુગ્રીવને દિલાસો આપ્યો,ને તેના મનની વિહવળતા દૂર કરી.

તે પછી,રામજીની આજ્ઞાથી લક્ષ્મણે નગરવાસીઓ અને મંત્રીઓને બોલાવ્યા,અને કિષ્કિંધાના રાજા તરીકે સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો અને વાલી-પુત્ર અંગદને યુવરાજપદ આપ્યું.
શ્રીરામે,વાલીને મારી કિષ્કિંધાનું રાજ્ય પોતાને માટે રાખ્યું નથી.શ્રીરામની અનાસક્તિ કેવી છે!!!
રાવણને મારીને,તેનું રાજ્ય પણ વિભીષણને આપી દીધું છે,
કંસને માર્યા પછી શ્રીકૃષ્ણે રાજ્ય ઉગ્રસેનને આપી દીધું છે.પ્રભુ જેવું બોલે છે તેવું આચરી બતાવે છે.

શ્રીરામ વાલીને મારીને સુગ્રીવનું હિત કરે છે,અંગદને યુવરાજ-પદે સ્થાપી તેનું હિત કરે છે,
વાલીને સદગતિ આપી,તેનું હિત કરે છે.અને વેરઝેર દૂર કરી સૌનું હિત કરે છે.
તેથી શિવજી પાર્વતીને કહે છે-કે-પિતા,માતા,બંધુ,ગુરૂ,દેવો,મનુષ્યો અને મુનિઓ-
એ બધા સ્વાર્થ માટે પ્રીત કરે છે,કેવળ રામ નિસ્વાર્થ ભાવે પ્રીત કરે છે.

સુગ્રીવને રાજનીતિનો ઉપદેશ કરી,શ્રીરામ પ્રવર્ષણ પર્વત પર જઈને રહ્યા.
ચાતુર્માસ એ પર્વત પર જ ગાળવાનો તેમનો નિર્ણય હતો,
ચાતુર્માસ એટલે ચોમાસાના ચાર-માસ.એ ચાર માસ શાંત-સંયમી જીવન ગાળવા માટેના મહિના છે.
ચાતુર્માસ એ એકાંતનું સેવન અને ભક્તિ,જ્ઞાન-વૈરાગ્યમાં તરબોળ થવા માટેના છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE