Dec 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૮

વાલી,શ્રીરામને કહે છે કે “હે,રામ,એક ક્ષત્રિય તરીકે તેં દગાથી,છુપાઈને મને વાનરને વગર અપરાધે માર્યો છે.આથી તારો યશ કલંકિત થયો છે,તું અધર્મી છે ને રાજધર્મને જાણતો નથી.
સાધુચરિત દશરથ રાજાનો પુત્ર થઇ તું આવો શઠ કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સાથે લડવા કેમ ના આવ્યો? તારું ધર્મ-ધ્વજ-પણું,એ ઘાસથી ઢંકાયેલા કુવા જેવું છે,
તું જટા-વલ્કલનો વેશ ધારણ કરીને આવો અધર્મ આચરે છે?

રાવણની સામે લડવામાં સુગ્રીવની મદદ મળે,તે માટે તેં મને માર્યો હોય તો,તારે મદદ માટે મને પહેલાંથી જ 
મળવું જોઈતું હતું.હું એક દિવસમાં તને સીતા પછી લાવી આપત.સૌ જાણે છે કે -હું રાવણને પહોંચી વળું 
તેવો છું,એકવાર તે મને સતાવવા આવ્યો હતો ત્યારે મેં એને મારી બગલમાં ઘાલીને તેને રોવડાવ્યો હતો.
દોસ્તી કરવી હોય તો બળવાનની કરવી જોઈએ,એ રાજનીતિ છે તે પણ તું જાણતો નથી?
હે,રામ મરવાનો મને ખેદ નથી પણ મને અધર્મથી કેમ માર્યો તે મારે જાણવું છે.

ત્યારે રામે વાલીને કહ્યું કે-તું મારા દોષ કાઢે છે પણ તારા દોષને કેમ જોતો નથી?
દીકરી,બહેન,પુત્રવધૂ, અને ભાઈની સ્ત્રી સમાન છે-એ શાસ્ત્ર વચનનો ભંગ કરી,તેં પાપ કર્યું છે તે કેમ ભૂલી જાય છે? રાજા થઇને રાજ-ધર્મથી ઉલ્ટા ચાલીને તેં મહાપાપ કર્યું છે.નાના ભાઈને વગર અપરાધે દેશનિકાલ કરીને એની માલ-મિલકત પડાવી લીધી,તે શું અનાચાર નથી? હે,વાલી,તારા સ્વભાવગત અવિચારીપણાને લીધે તથા દર્પને લીધે,તું આ વાત સમજવા માગતો નથી.શુભ શું ને અશુભ શું?ન્યાય શું ને અન્યાય શું ? તે તારા અંતરઆત્માને પૂછ.બાકી ધર્મનું રહસ્ય તર્કથી સમજવું મુશ્કેલ છે.

તું મને પૂછે છે કે-મેં સીતાજીને પાછાં લાવવામાં તારી મદદ કેમ ના માગી? પણ તારા જેવા દુરાચારીની મદદ દુરાચારી જ લઇ શકે.મને એવી મદદનો મોહ નથી.હું તો સુગ્રીવનો મિત્ર છું ને રહીશ. તેં મારા સ્વર્ગસ્થ પિતા દશરથનું નામ લીધું તો સાંભળ,અત્યારે દશરથ-પુત્ર ભરતનું રાજ્ય છે,અને અધર્મને રસ્તે ચાલનારાને સજા કરવાની તેમની આજ્ઞા છે.જે પુરુષ પોતાની પુત્રી,ભગીની કે નાના ભાઈની સ્ત્રી સાથે અઘટિત વ્યવહાર કરે,
તેનો વધ કરવો એ ધર્મ છે,આમ તું પાપી હોઈ તારો વધ ધર્મ-યુક્ત છે.

રામજીની આ વાત સાંભળી,વાલીની આંખો ખુલી ગઈ,તેને ધર્મનું સ્વરૂપ સમજાયું.
વાલીમાં દર્પ છે પણ રાક્ષસના ને વાનર ના દર્પમાં ફરક છે,રાક્ષસ પોતાની ભૂલ જોતો નથી,
પણ વાલીને પોતાની ભૂલ સમજાણી.અને શ્રીરામનો દોષ જોતાં અટકે છે.
અને શ્રીરામના હાથે પોતાનો અંત આવ્યો અને અંતકાળે રામજીનાં દર્શન થયાં,તેની સમજ આવતાં,
તેણે શ્રીરામના ચરણમાં માથું મૂકી દીધું અને કહે છે કે-
પ્રભુ હું પાપી છું,પણ મને બતાવો કે,કઈ પોથીમાં એવું લખ્યું છે કે-પાપીને તમારાં દર્શન થાય? 

'જનમ જનમ મુનિ જતનું કરાહી,અંત રામ કહિ આવત નાંહિ.'
મુનિઓ અનેક જન્મ લગી અનેક પ્રકારનાં સાધનો કરતા રહે છે,તો પણ અંત-કાળે તેમના મુખમાંથી રામનું નીકળતું નથી.જયારે આજે હું તમારું નામ લઈને અને તમારાં પ્રત્યક્ષ દર્શન કરીને મરું છું.માટે હવે તમે જ કહો,હવે હું શું પાપી રહ્યો? હું તો એમ સમજુ છું કે મારા જેવો પુણ્યશાળી કોણ?

ત્યારે રામજીએ કહ્યું કે-તને અત્યારે મારાં દર્શન થયા,તે તારા પુણ્યે નહિ,પણ સુગ્રીવ મારો મિત્ર થયો છે,
ને મારે શરણે આવ્યો છે,અને તું સુગ્રીવનો ભાઈ છે,એ નાતે હું તારો ઉદ્ધાર કરવા આવ્યો છું.
વાલી આ સાંભળી,સુગ્રીવને પ્રણામ કરવા લાગ્યો,અને કહે છે કે-તારા લીધે મને રામનાં દર્શન થયાં.
ત્યારે સુગ્રીવ કહે છે કે-ના,મોટાભાઈ તમારા લીધે મને શ્રીરામનાં દર્શન થયાં.તમે મને કાઢી મુક્યો ના હોત તો,
મને રામજીનાં દર્શન થયાં ના હોત.હું તમારો ઋણી છું,મારો અપરાધ માફ કરો.
વાલી કહે છે કે-તારો કોઈ અપરાધ નથી.પછી વાલીએ શ્રીરામને કહ્યું કે-મારો પુત્ર અંગદ હું આપના હાથમાં 
સોંપું છું,તમે એને દાસ કરી રાખજો.શ્રીરામે તે વાતનો સ્વીકાર કર્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE