Feb 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૬

રાવણને ખબર પડી કે-કાલનેમિને મારી હનુમાન ઔષધિ લઇ આવ્યા કે જેનાથી લક્ષ્મણ મૂર્છામાંથી ઉઠયા છે એટલે તેને પોતાને મૂર્છા આવી ગયા જેવું જ થયું.
રાક્ષસોની મોટાભાગની સેના ખતમ થઇ ગઈ હતી,હવે શું કરવું?વિચાર કરતાં તેને પોતાનો ભાઈ કુંભકર્ણ યાદ આવ્યો.કુંભકર્ણને બે વાનાં પ્રિય હતાં-ખાવું અને ઊંઘવું.ખાઈને ઊંઘવા માંડે ને ઊંઘમાંથી ઉઠે ત્યારે ખાવા લાગે.રાવણે વિચાર કર્યો કે કુંભકર્ણને ઉઠાડું.પણ તેને ઉઠાડવાનું એટલું સહેલું નહોતું.

એની ચારે બાજુ ખાવાનું તૈયાર રાખવામાં આવ્યું,ને પછી જોરથી તેના કાન આગળ ઢોલ-નગારાં 
વગાડવામાં આવ્યા,ત્યારે એ જાગ્યો,અને જાગતાં જ એ ઘડેઘડા મદિરા પી ગયો,અને બે હાથે ખાવાનું ખાવા લાગ્યો.પછી તેણે રાવણને પૂછ્યું કે-મને અડધી (કાચી) ઊંઘમાંથી કેમ ઉઠાડ્યો? તારું મોં ઉદાસ કેમ છે? 
ત્યારે રાવણે સીતા-હરણ,લંકાદહન અને રામની ચડાઈ ની વાત કરી અને વાનરોના હાથે રાક્ષસોનો સંહાર-કે જેમાં મોટા મોટા યોદ્ધાઓ પણ ખપી ગયા છે –તેની વિસ્તારથી વાત કરી.

કુંભકર્ણ વિચારમાં પડી ગયો,તેણે મનમાં ને મનમાં કંઈક તાળો મેળવ્યો,અને પછી તે બોલ્યો-
હે,રાવણ તું મૂર્ખ છે,જે વાનરોની કોઈ હેસિયત નથી તેવા વાનરો,જેના પ્રતાપથી આટલું પરાક્રમ કરી શકે છે,
તે રામને તું શું સામાન્ય મનુષ્ય સમજે છે?સીતા તો જગદંબા છે,તેને હરી લાવીને તું શું કલ્યાણની આશા રાખે છે? શિવ અને બ્રહ્મા,જેના સેવક છે,એવા રામનો વિરોધ કરી તેં મહાન ભૂલ કરી છે.
હું તને આમાં કંઈક પણ મદદ કરવા તૈયાર નથી.હું તો તને એટલું જ કહીશ કે-અભિમાન છોડીને તું રામને 
શરણે જા,તેમાં જ તારું કલ્યાણ છે.”અજહું તાત ત્યાગી અભિમાના.ભજહું રામ હોઈ હિ કલ્યાના” 

આમ કહી તે ઊંડા વિચારમાં ડૂબી ગયો,થોડીવાર પછી તે બોલ્યો કે-રામના રૂપ-ગુણનું સ્મરણ કરતાં મને અપૂર્વ આનંદ થાય છે,હું તો હવે તેના શરણે જઈશ.રાવણ એકદમ ગભરાઈ ગયો,ને એકદમ કુંભકર્ણને વળગી પડી પોતાની ભૂલનો એકરાર કરતાં કહે છે કે-“મારી ભૂલનો હું સ્વીકાર કરું છું,પણ અત્યારે એનાં ચૂંથણા કરવાનો વખત નથી,જે બની ગયું તે –ન બન્યું-એવું બનવાનું નથી,પણ હવે મુંડાયા પછી શું કરવું તે કહો,શું તમે તમારા ભાઈને મોંમાં ખાસડું મૂકી દુશ્મન ને પગે પડવાની સલાહ આપશો?આટલા રાક્ષસો મર્યા પછી,શું તમે મને મારો જીવ વહાલો કરવાનું કહેશો? “ રાવણ કોઈ પણ પ્રકારે કુંભકર્ણની મદદ ચાહતો હતો.

રાવણે ભૂલનો સ્વીકાર કર્યો અને તેની આવી વાતો સાંભળી કુંભકર્ણનું મન તેની તરફ વળ્યું,તે બોલ્યો-
થનાર વસ્તુ થઇ ગઈ,તેં ભૂલ કરી છે,અને લડાઈ થઇ જ છે તો લડીને રામના હાથે મરવું સારું.
અને કુંભકર્ણ યુદ્ધે ચડ્યો.વિભીષણે રણક્ષેત્રમાં જેવો તે આવ્યો એટલે સામે આવી તેને પ્રણામ કર્યા,ને કહ્યું કે-રાવણે મારી સલાહ અવગણીને મને લાત મારીને કાઢી મૂક્યો હતો,એટલે હું રામના શરણે આવ્યો છું.

કુંભકર્ણે તેને ભેટીને કહ્યું કે-રાવણ કાળને વશ થયો છે,હે,વિભીષણ તેં કંઈ ખોટું કર્યું નથી,ઉલટાનું તને ધન્ય છે,કે તેં રાક્ષસ કુળને ઉજાળ્યું છે.પછી વિભીષણ,કુંભકર્ણથી છુટો પડીને શ્રીરામની પાસે ગયો અને તેમને કુંભકર્ણની ઓળખાણ આપી.ઘડીકમાં તો કુંભકર્ણે યુદ્ધ-ભૂમિમાં કેર વર્તાવી દીધો,હનુમાનજી પર તેણે એવો મારો ચલાવ્યો કે તે ચક્કર ખાઈ પૃથ્વી પર પડી ગયા,નલ-નીલ ને પણ તેણે પછાડ્યા ને સુગ્રીવને મૂર્છિત કરીને બગલ માં ઘાલીને તે ચાલ્યો.સુગ્રીવને થોડી મૂર્છા વળી ત્યારે તે સમજી ગયો કે-કુંભકર્ણના પંજામાંથી છૂટવું અઘરું છે,
એટલે તે એકદમ મડદા જેવો બની ગયો.

કુંભકર્ણ સમજ્યો કે-આ તો મરી ગયો છે,એટલે તેણે મડદું ફેંકી દેવા બગલમાંથી તેની પકડ જરા ઢીલી કરી,
એટલે સુગ્રીવ એકદમ કુદ્યો ને કુંભકર્ણના નાક પર બચકું ભરી,ને તેના કાન કાપીને નાઠો.
પણ કુંભકર્ણે, તે નાસતા સુગ્રીવને પક્ડીને, ભોંય પર પછાડ્યો.પણ સુગ્રીવ બચી ગયો.
તેણે મોટેથી બુમ પાડી-“સિયાવર રામચંદ્રકી જય” અને વાનરો એ પણ જય બોલાવી ને કુંભકર્ણ પર 
તૂટી પડ્યા.કુંભકર્ણ પણ મરણિયો બન્યો હતો,વાનરોને પકડી પકડી તે મચ્છરની જેમ મસળી કાઢતો હતો.

વાનરોમાં ભય ફેલાઈ ગયો છે જાણી,શ્રીરામે ધનુષ્યનો ટંકાર કર્યો.
હવે રામ અને કુંભકર્ણનું ભયંકર યુદ્ધ થયું,કુંભકર્ણે પોતાનું અપૂર્વ પરાક્રમ બતાવ્યું,પણ છેવટે,
રામના બાણથી તેનું માથું ધડથી જુદું થઇ ગયું.ને રાવણની આગળ જઈ પડ્યું,
કુંભકર્ણના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું ને શ્રીરામના શરીરમાં સમાઈ ગયું,
બીજી રીતે પણ,રામને શરણે જવાની કુંભકર્ણની ઈચ્છા આ રીતે પુરી થઇ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE