Feb 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૭

તુલસીદાસજી કહે છે કે-અહંકાર –એ કુંભકર્ણ છે.તે ઊંઘતો પડ્યો હતો,અડધી સેના 
ખલાસ થઇ ગઈ,ત્યારે રાવણ તેને જગાડે છે.એનો અર્થ એ કે-અડધું જોર ખલાસ થઇ 
જાય ત્યારે,અહંકારી જાગે છે.કુંભકર્ણ એટલે ઘડા જેવા કાન-વાળો.
અહંકારી મનુષ્યના કાન ઘડા જેવા,એટલે કે,ઘડા જેવા મોટા કાન સદા ખડા,
રાખીને પોતાની પ્રશંસા સાંભળવા માટે ફરે છે.

ઘડામાં જેમ દૂધ પણ ભરાય ને દારુ પણ ભરાય.તેમ કાન સારું પણ સાંભળે ને ખરાબ પણ સાંભળે.
અને જેવું સંભળાય તેવું બોલાય,એટલે કુંભકર્ણ ઘડી સારું બોલે ને ઘડી ખરાબ પણ બોલે.
એકવાર રામનાં વખાણ કરે અને થોડીવાર પછી એમની સામે લડવા પણ તૈયાર થઇ જાય.
એટલે તો કુંભકર્ણ જયારે રાવણને ઠપકો દે છે ત્યારે તે સાંભળી રહે છે,ગુસ્સે થતો નથી,તેને ખબર છે કે-
કુંભકર્ણને બદલાતાં વાર નહિ લાગે.વિભીષણે તો રાવણને કુંભકર્ણ કરતાં ઓછાં કઠોર વચનો કહ્યાં હતાં,
છતાં તેને લાત મારી કાઢી મૂક્યો હતો.અહીં,રાવણ, યુક્તિથી,કુંભકર્ણના સ્વાભિમાનને પંપાળે છે,
પોતાની ભૂલ કબૂલ કરે છે,પરિણામે કુંભકર્ણ લડવા તૈયાર થાય છે.

અહંકારી મનુષ્ય કુંભકર્ણ જેવો હોય છે.એ વખાણ કરશે રામનાં અને ઉભો રહેશે રાવણના પડખે.
તે ભક્તિનો લાંબો ઉપદેશ કરશે,પણ ઉપદેશનો અમલ કરવાનો આવે ત્યારે રાવણની બાજુએ સરી જશે.
કુંભકર્ણ રાવણની વતી લડવા નીકળે છે ત્યારે કહે છે કે-મારે કોઈની જરૂર નથી હું એકલો લડીશ.
અહંકારીની પાસે અહમ છે પછી,તેને બીજા કોઈની મદદની જરૂર નથી.બીજા દુર્ગુણો એકબીજાની મદદ 
લઈને સદગુણોની સામે લડે છે જયારે અહંકાર એ એકલે હાથે સર્વ સદગુણો સામે લડે છે.

કુંભકર્ણ સામે વાનરો (સદગુણો) લડવા જાય છે ત્યારે તેમનું કશું ચાલતું નથી,બધા રોળાઈ જાય છે.
અહંકાર આગળ એકલા સદગુણોનું જોર ચાલ્યું નહિ,એ અહંકાર પ્રભુની કૃપા વગર હટે નહિ.
વાનરો જયારે પ્રભુને શરણે ગયા ત્યારે અહંકાર (કુંભકર્ણ)થી મુક્તિ મળી,
સુગ્રીવ એ બુદ્ધિ છે,બુદ્ધિનું પણ અહંકાર આગળ કંઈ ચાલ્યું નહિ,અહંકાર (કુંભકર્ણ) તેને બગલમાં દબાવે છે એટલે તે બુદ્ધિ (સુગ્રીવ) મરેલા જેવી થઇ જાય છે.સુગ્રીવને મરેલો સમજી કુંભકર્ણ તેની પકડ ઢીલી કરે છે,
ત્યારે કુંભકર્ણનાં નાક-કાન કાપી,સુગ્રીવ “સિયાવર રામચંદ્ર કી જય” કહી રામનું શરણું લે છે,ત્યારે 
ભગવાન શ્રીરામ આગળ આવે છે,ને વાનરો તેમની પાછળ રહે છે,કારણ પોતાના જોરે તે 
અહંકાર(કુંભકર્ણ) ને મારી શક્યા નહોતા.ભગવાનને આગળ કર્યા તો કુંભકર્ણ (અહંકાર) નો નાશ થયો.

કુંભકર્ણ મરાયો એટલે રાવણના શોકનો પાર રહ્યો નહિ,તેને હવે પસ્તાવો થાય છે કે-
વિભીષણ કે કુંભકર્ણનું કહેવું,મેં કાને ધર્યું નહિ,પણ તેમની વાત હવે સાચી પડતી લાગે છે.
શોકના આવેશમાં તે આવું બોલી જતો ને તરત જ પાછો તેનો અહંકાર “યુદ્ધ-યુદ્ધ” પોકારતો.
ત્યારે ફરી મેઘનાદ (ઇન્દ્રજીત) આગળ આવ્યો.અને તેણે કહ્યું કે-કાલે મારું પરાક્રમ જોજો,મારું ખરું બળ 
તો કોઈને હજુ ખબર નથી,મને ઇષ્ટ-દેવતાએ યુદ્ધમાં લડવા માયામય રથ આપેલો છે.

આ મેઘનાદ એ જ ઇન્દ્રજીત.એના બાપ રાવણ જેવો જ તે પરાક્રમી હતો,તેણે દેવાધિદેવ ઇન્દ્રને હરાવી કેદ 
કર્યો હતો,તેથી તે ઇન્દ્રજીત તરીકે ઓળખાતો,રાવણને તેનો ગર્વ હતો અને તેને એવો વિશ્વાસ હતો કે-
મારા,ઇન્દ્રજીતને કોઈ મારી શકે નહિ,ઇન્દ્રજીતને વરદાન મળેલું હતું કે-બાર વર્ષ સુધી જેણે આહાર-નિંદ્રા 
ત્યજ્યાં હોય તે જ તેને મારી શકે.પણ બાર વર્ષ સુધી આહાર-નિંદ્રા વગર તો કોણ જીવી શકે? 
એવો મનુષ્ય ક્યાં હોય? એટલે રાવણ ને ઈન્દ્રજીતના “અવધ્ય-પણા “ ની ખાતરી હતી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE