Feb 14, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૮

માયામય રથમાં બેસીને ઇન્દ્રજીત રણે ચડ્યો.આ માયામય રથ એવો હતો કે-તેને કોઈ દેખી 
શકે નહિ,પણ તે સર્વને દેખી શકે.આકાશમાં અદૃશ્ય રહીને શ્રીરામની સેના પર મારો ચલાવ્યો.
વાનરો ભયભીત થઇ ગયા,સુગ્રીવ,અંગદ,હનુમાન,નલ,નીલ-વગેરે સર્વ યોદ્ધાઓ પણ ઘાયલ થયા.ત્યારે ઇન્દ્રજીત પ્રગટ થયો,તેને જોતાં જ જાંબવાન તેની સામે ધસ્યો.
ઇન્દ્ર્જીતે તેની સામે ત્રિશુલ ફેંક્યું,તે ત્રિશુલને આવતું જ પકડીને,તે જ ત્રિશુલ તેણે 
ઇન્દ્ર્જીતની જ છાતીમાં માર્યું.ઇન્દ્રજીત મૂર્છિત થઇને પડ્યો, પણ તે મર્યો નહિ.

ઇન્દ્રજીતને એવું વરદાન હતું કે-આખરી યુદ્ધ લડતાં પહેલાં,જો એ નિકુમ્ભીલા દેવીનો યજ્ઞ કરે તો તેને 
પછી કોઈ જીતી શકે નહિ,એટલે એ પોતાના માયામય રથમાં બેસી અદૃશ્ય થઈને યજ્ઞ કરવા ચાલ્યો ગયો.
વિભીષણને આ વાતની ખબર પડી ગઈ,તે સમજી ગયો કે,જો ઇન્દ્રજીતની આ હવન ક્રિયા પુરી થઇ તો,પછી,
દેવો કે અસુરો-પણ તેને પકડી ના શકે તે રીતે અદશ્ય રહી શકશે,ને પછી તેને કોઈ પણ રીતે જીતી નહિ શકાય.એટલે તે શ્રીરામની પાસે દોડ્યો.

તેણે શ્રીરામને કહ્યું કે-ઇન્દ્રજીતને યજ્ઞ કરતાં રોકવો જોઈએ,તે માટે લક્ષ્મણજીને મોકલો.
તેમના સિવાય ઇન્દ્રજીતને કોઈ મારી શકવાનું નથી.કારણ કે ઇન્દ્રજીતને વરદાન છે કે-જેણે બાર વર્ષ સુધી,
રાત-દિવસ.નિંદ્રા અને આહારનો ત્યાગ કર્યો હોય તે જ તેને મારી શકે.અને મને ખબર છે કે-
માત્ર લક્ષ્મણજી જ એવા છે- કે જેમણે વનવાસમાં આવ્યા પછી આહાર-નિંદ્રાનો ત્યાગ કરીને 
રાત-દિવસ,આપની સેવા કરી છે.એટલે તરત જ લક્ષ્મણજીને મોકલવા આવશ્યક છે.

શ્રીરામે લક્ષ્મણજીને બોલાવીને કહ્યું કે-જાઓ,ઇન્દ્રજીતનો યજ્ઞ ભંગ કરો,અને તેને હણો.
લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી કે- “આજે હું ઇન્દ્રજીતને માર્યા વગર પાછો નહિ ફરું.”
ગઈ વખતે ઇન્દ્ર્જીતે એમને મૂર્છા વશ કર્યા હતા તેનો તેમને રંજ હતો,એમાં આજે રામજીની આજ્ઞા મળી.
વિભીષણને યજ્ઞના ગુપ્ત સ્થળની માહિતી હતી,એટલે તે રસ્તો બતાવતા હતા ને તેમની સાથે 
લક્ષ્મણજી અને પૂરી વાનરસેના પણ સાથમાં ચાલી.

અસંખ્ય રાક્ષસો તે સ્થળનું રક્ષણ કરતા ઉભા હતા,તે સર્વનો વાનરોએ નાશ કર્યો.
જે યજ્ઞ-કુંડ આગળ ઇન્દ્રજીત બેઠો હતો,ને આહુતિ અર્પણ કરતો હતો,તે યજ્ઞ-કુંડ વાનરોએ તોડી નાખ્યો.
યજ્ઞનો ભંગ થયો,એટલે ઇન્દ્રજીત ક્રોધે ભરાઈને પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર લઈને ઉભો થયો.
લક્ષ્મણજી સાથે તેનું ભીષણ યુદ્ધ થયું,બંને યોદ્ધાઓ સામસામે અતિશય ઝડપથી,બાણોનો એવો વરસાદ વરસાવતા હતા કે-લોકો સમજી પણ શકતા નહોતા કે તે ક્યારે ભાથામાંથી બાણ કાઢે છે ને ક્યારે ચડાવે છે.
બંને ચારણી જેમ વિંધાયેલા અને લોહી લુહાણ થઇ ગયા હતા.

છેવટે લક્ષ્મણજીએ કાન સુધી પણછ ખેંચીને-બાણને રામની આણ દેતાં કહ્યું કે-હું શ્રીરામનું નામ લઈને કહું છું કે-શ્રીરામ ધર્મનિષ્ઠ અને સત્યનિષ્ઠ હોય,તો હે બાણ,તું ઇન્દ્રજીતનું માથું ઉડાવી દે.
અતિ ઝડપથી તે શક્તિશાળી બાણ છૂટ્યું ને ઇન્દ્રજીતનું માથું કપાઈને જમીન પર પડ્યું.
જે થોડા ઘણા રાક્ષસો બચ્યા હતા તે રાવણને ખબર આપવા ભાગી ગયા,વાનરોએ પૂંછડાં પછાડીને 
રામ-લક્ષ્મણનો જયજયકાર કર્યો.

ઇન્દ્રજીત ની કથાનું રહસ્ય એવું છે કે-
ઇન્દ્રજીત (જેણે પોતાની ઇન્દ્રિયો જીતી છે તે) લક્ષ્મણે,ઇન્દ્રજીત (ઇન્દ્રને જીતનાર) ને માર્યો!!!
ઇન્દ્રજીત રાવણનો પુત્ર છે,રાવણ કામ-સ્વરૂપ છે તો ઇન્દ્રજીત મોહનું સ્વરૂપ છે.
લક્ષ્મણજી જેવો જેનામાં સંયમ હોય,અને તેમના જેવી રામજીમાં નિષ્ઠા-ભક્તિ હોય –તે મોહને મારી શકે.
લક્ષ્મણજીની જેમ વનવાસના બાર વર્ષ સુધી અન્ન-નિંદ્રાનો ત્યાગ કરી,પરમાત્મા (રામજી)ની સેવા કરી હોય,
પ્રભુનું સ્મરણ-ભક્તિ કર્યું હોય તે મોહને તરી જઈ શકે,મોહને મારી શકે છે.

રામની આણ (ભક્તિ) સિવાય મોહ મરી શકે નહિ,એટલે જ છેવટે લક્ષ્મણજીએ બાણને રામની આણ આપી.
લક્ષ્મણજીની શ્રીરામ પરની શ્રદ્ધા અપાર છે,તે શ્રીરામ જ કર્તા-હર્તા છે એમ જ સમજે છે.
પરમાત્મા પરનો આવો અચળ વિશ્વાસ હોય તો મોહ મરેલો જ છે.
અને મોહ મર્યા વગર કામ મારતો નથી.તેથી રાવણ (કામ) ને મારતાં પહેલાં,
મોહ (ઇન્દ્રજીત) ને મારવો પડે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE