Mar 2, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૨-ઉત્તરકાંડ

ઉત્તરકાંડ
તીર્થરાજ પ્રયાગમાં શ્રીરામે,હનુમાનજીને આજ્ઞા કરી કે-બ્રાહ્મણનું રૂપ લઇ તમે અયોધ્યા જાઓ,અને નંદીગ્રામમાં ભરતજીને અમારા કુશળ સમાચાર અને આગમનના સમાચાર કહી વહેલા પાછા આવો.પવન-પુત્ર હનુમાન તરત જ આકાશમાર્ગે ઉપડ્યા.ને ઘડીકમાં તો નંદીગ્રામ પહોંચી ગયા.હનુમાનજીએ બ્રાહ્મણ સ્વરૂપ લીધું છે,ને જુએ છે તો-વલ્કલ અને જટાધારી ભરતજી,દર્ભાસન પર બેસી,દીનભાવે શ્રીરામચન્દ્રજીની પાદુકાઓ નું પૂજન કરતા હતા,
તેમના મુખમાંથી અખંડ રામ-નામનો ધ્વનિ નીકળતો હતો.અને આંખમાંથી અશ્રુઓનો પ્રવાહ વહેતો હતો.

ભરતજીની રામ-ભક્તિ જોઈ ને હનુમાનજી વિહ્વળ થયા,અને તેમની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા.
રામ-ભક્તિ અને રામ-ભક્ત એ હનુમાનજીને સહુથી વહાલી વસ્તુ છે,તે એકદમ ભરતજીના ચરણમાં પડી ગયા,અને કહેવા લાગ્યા કે-જેના વિરહમાં આપ રાત-દિવસ શોક કરો છો તે,શ્રીરામજી,સીતાજી અને લક્ષ્મણજી સહિત,આવતી કાલે અહીં પધારે છે,તેઓ અતિ ક્ષેમ-કુશળ છે.

આ શબ્દો સાંભળતાં જ,તરસ્યા ને જેમ અમૃત મળે અને તૃષાનું દુઃખ ભૂલી જાય તેમ,
ભરતજી,બધું દુઃખ ભૂલી ગયા,તેમની આંખોમાંથી હર્ષ ના આંસુ વહી ચાલ્યાં.ઉભા થઇ તે એકદમ
હનુમાનજીને ભેટી પડ્યા ને બોલ્યા-મને ફરી કહે,તું મને ફરી કહે કે –શ્રીરામ ક્યારે પધારે છે?
હનુમાનજી કહે છે કે-શ્રીરામ આવતીકાલે વિમાનમાં અહીં પધારશે.આજે ભારદ્વાજ મુનિના આશ્રમમાં છે.

ભરતજીને હજુ વિશ્વાસ ના થતો હોય તેમ ફરી ફરી હનુમાનજીને તેનો તે જ પ્રશ્ન પૂછે છે.અને 
હનુમાનજીને છેવટે કહે છે કે-તું કોણ છે? મને ફરીથી કહે કે શ્રીરામ મને યાદ કરે છે? 
હનુમાનજી કહે છે કે-હું તો રામજીનો દાસ છું.અને “હું રામજી નો દાસ છું” એમ સાંભળતા જ ભરતજી આવેશમાં આવી ફરી હનુમાનજીને ભેટી પડ્યા.ત્યારે હનુમાનજીએ પોતાનું અસલ રૂપ ધારણ કર્યું,ને પોતાની અસલી ઓળખાણ આપી.અને કહે છે કે-પ્રભુ, આપ શ્રીરામને પ્રાણ સમાન પ્રિય છો,હે,તાત,મારું આ વચન બિલકુલ સત્ય છે.

ભરતજીના આનંદનો પાર રહ્યો નથી,તેમણે કહ્યું કે-હે,હનુમાન,તમારાં દર્શનથી મારાં બધાં દુઃખ મટી ગયાં,તમને મળ્યાથી મને હું શ્રીરામને મળ્યો હોઉં,તેટલો આનંદ થાય છે.ને પછી તો ભરતજી અને હનુમાનજી શ્રીરામની વાતો કરવામાં મશગૂલ થયા,ભરતજી ફરીફરી શ્રીરામના સમાચાર પૂછે છે ને હનુમાનજી ફરીફરી શ્રીરામના સમાચાર કહે છે.નથી શ્રોતા ને એકની એક વાત સાંભળવામાં કંટાળો કે નથી વક્તાને કહેવામાં કંટાળો.દુનિયામાં આવા શ્રોતા અને વક્તા મળવા મુશ્કેલ છે,

કહેવાય છે કે-હનુમાનજી તો આજે પણ પૃથ્વી પર રોજ રામકથા સાંભળતાં વિચરે છે ને રોજ લાખવાર રામકથા સાંભળવા છતાં તેમણે એનો થાક નથી.”રામ” એ શબ્દ ઉચ્ચારતાંની સાથે,એમને તો આખી રામકથા સંભળાઈ જાય છે તેવા,તે રામકથા સાથે એકાકાર છે.હનુમાનજી એવા અદભૂત શ્રોતા છે,વળી,જેમને બોલવા બહુ ઓછું જોઈએ,તેવા,હનુમાનજીની આજે ભરતજી સામે જીભ ખુલી ગઈ છે,અને વક્તા થઇને બેઠા છે,રામજીની કથા કહેતાં,એમની આંખોમાંથી અશ્રુઓનો પ્રવાહ વહ્યે જાય છે,ને શ્રોતા બનેલા ભરતજીની આંખોમાંથી પણ અશ્રુ-પ્રવાહ ચાલે છે.ભરતજી વારવાર હનુમાનજીને ભેટે છે,તેમના હૃદયનો આનંદ સમાતો નથી.આમ ઘણી ઘણી વાતો થઇ,ને છેવટે ભરતજીની રજા લઈને હનુમાનજી શ્રીરામ પાસે પહોંચી ગયા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE