Mar 1, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૧

ત્યાર પછી તો વિભીષણ પાલખી લઈને આવે છે ને સીતાજીને તેમાં બેસાડી રામજી પાસે લઇ જાય છે.હવે શ્રીરામે રાવણને મારવાની કરેલી લીલાનો અંત આવે છે.પંચવટીમાં શ્રીરામે સીતાજી ને કહેલું કે –હવે લીલા કરવાનો સમય આવ્યો છે.તમારા સ્વરૂપને મારામાં પ્રવેશ કરાવી ને છાયા- સ્વરૂપ થઇ જાઓ,ત્યારે સીતાજીએ અગ્નિને સમર્પિત થઇ પોતાના સ્વરૂપને શ્રીરામમાં પ્રવેશ કરાવ્યું હતું તે છાયા-સ્વરૂપને આજે ફરી અગ્નિને સમર્પિત કરીને અને પોતાના “લૌકિક કલંક”બાળીને સાચા સીતાજી પ્રગટ થાય છે.

સત્યમાં જોવા જાવ તો,જેમ સૂર્ય અને સૂર્ય-પ્રકાશ એક છે,ભક્ત અને ભક્તિ એક છે,શિવ અને શક્તિ એક છે.
તેમ રામ અને સીતા એક જ છે,સીતાજી તો સદાય શ્રીરામના હૃદયમાં વસે છે.
સીતાજી શ્રીરામના ડાબા પડખે વિરાજ્યાં.એક તરફ લક્ષ્મણજી અને બીજી બાજુ હનુમાનજી ઉભા છે.
પરમાનંદ થયો છે.દેવો આવી ને શ્રીરામની સ્તુતિ કરે છે.
સ્તુતિ કર્યા પછી ઇન્દ્રે પ્રભુને વિનંતી કરી કે-મને કંઈક આજ્ઞા કરો.

ત્યારે પ્રભુએ કહ્યું કે-મારા જે વાનરો ને રીંછો આ યુદ્ધમાં મર્યા છે તેમને સજીવન કરો.
સાચે તો પ્રભુ પોતે એક ઈચ્છાથી સૃષ્ટિની ઉત્પત્તિ અને લય કરવાવાળા છે,તે ઇન્દ્રને આવી વિનંતી 
શું કામ કરે? પોતે સમર્થ છે છતાં ઇન્દ્રને જશ આપવા માગે છે.પ્રભુની આ જ મોટાઈ છે.
ઇન્દ્રે અમૃત વરસાવીને વાનરો ને રીંછો ને સજીવન કર્યા.ત્યારે સજીવન થયેલા તે બધા-
“શ્રીરામ નો જય હો” કરતા રામના ચરણ પાસે દોડી આવ્યા.

ઇન્દ્રે રણ-ક્ષેત્રમાં અમૃતની વર્ષા કરી –તો તે વખતે રણ-ક્ષેત્રમાં રાક્ષસો પણ મરેલા પડ્યા હતા,
તો તે કેમ જીવતા ના થયા? માત્ર વાનરો અને રીંછો જ કેમ જીવતા થયા?
મહાત્માઓ તેનું રહસ્ય કહેતાં કહે છે કે-રાક્ષસો રામાભિમુખ થઈને,એટલે કે રામજીની સામે તેમના મુખારવિંદનાં દર્શન કરતાં કરતાં લડ્યા હતા,ને મરતી વખતે શ્રીરામનાં દર્શન થતાં તેમના મન રામાકાર થઇ ગયા હતાં,તેથી શ્રીરામે તેમને મુક્તિ દઈ દીધી હતી.તેઓ પ્રભુના ધામમાં ગયા હતા,અને ત્યાં ગયા પછી જીવ પાછો ફરતો નથી. એટલે એ પાછા કેમ આવે? જયારે વાનરો અને રીંછો તો ભગવાનની લીલાનો અંશ હતા,
તેથી ભગવાને ઈચ્છા કરી તેમને પાછા બોલાવી લીધા હતા.

ત્યાર પછી વિભીષણે,પ્રાર્થના કરી કે-હે પ્રભુ આ રાજ્ય અને આ સંપત્તિ આપનાં જ છે,તેનો તમે સ્વીકાર કરો.
શ્રીરામ કહે છે કે-તારી ભાવના સાચી છે,પણ એ બધું મેં તને સોંપી દીધું,એટલે હવે હું કશાનો યે સ્વીકાર કરીશ નહિ,પણ તેમાંથી તારે વાનરો અને રીંછોને જે આપવું હોય તે આપ.
પછી શ્રીરામે કહ્યું કે-મને મારો ભાઈ ભરત બહુ યાદ આવે છે,વનવાસની અવધિ હવે પુરી થવા આવી છે,
અને જો તે અવધિ ચુકીશ તો મારા ભાઈને હું જીવતો જોવા પામીશ નહિ.

ત્યારે વિભીષણે,કુબેરનું પુષ્પક વિમાન શ્રીરામની સેવામાં અર્પણ કર્યું.
આખું વિમાન ભરીને તે વસ્ત્રાભૂષણો,રત્નો વગેરે - લઇ આવ્યો હતો તે તેણે સર્વ વાનરો અને રીંછોમાં વહેંચ્યું.વાનરો ને રીંછો તે પહેરીને રામજીને બતાવે છે,રામજી હસીને તેમનાં વખાણ કરતાં કહે છે કે-
હે દોસ્તો,તમારા જ બળથી મેં રાવણ ને માર્યો છે,હું તમારો ઘણો ઋણી છું,તમારો જશ વ્યાપી રહો.
આ સાંભળી વાનરો કહે છે કે-તમે અમને મોટાઈ આપો છો,પણ અમે જાણીએ છીએ કે-
મચ્છર ગરુડ ને શું મદદ કરી શકે?

ત્યાર પછી શ્રીરામે સર્વ વાનરો ને અને રીંછોને પોતપોતાના સ્થાને પાછા જવાનું કહ્યું.
આ સાંભળીને બધા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.અને કહે છે કે-આ આજ્ઞા અમારાથી નહિ પાળી શકાય.
કારણ-કોઈને પણ શ્રીરામ થી છૂટા પડવાનું મંજુર નહોતું.
ખૂબ ખૂબ વહાલ કરીને શ્રીરામે બધાને સમજાવી ને તેમને તેમના ઘર ભણી વાળ્યા.
પણ જતાં જતાં પણ બધા પૂંઠ વાળીને જુએ છે કે-કંઈ કરતાં પણ રામજી પાછા બોલાવે છે!

હનુમાનજી,સુગ્રીવ,નલ,નીલ,જાંબવાન અને વિભીષણે-રામજીની સાથે અયોધ્યા જવાની ઈચ્છા પ્રદર્શિત કરી,ત્યારે શ્રીરામે કૃપા કરીને તેમની એ ઈચ્છા માન્ય કરી.
ત્યાર બાદ ,બધા પુષ્પક વિમાનમાં ચડ્યા.ને વિમાને ઉત્તર તરફ,અયોધ્યા ભણી પ્રયાણ કર્યું.
કહે છે કે-પુષ્પક વિમાન પહાડ જેવડું મોટું હતું,તેમાં અસંખ્ય માળ અને ઓરડાઓ હતા.અને તેને 
સુવર્ણની ઘંટડીઓથી શણગારેલું હતું,અને માલિકની ઈચ્છા પ્રમાણે ઉડતું હતું.!!!!!!

શ્રીરામ-સીતા એક ઉંચા આસન પર વિરાજ્યા અને શ્રીરામ સીતાજીને નીચે આવતી બધી જગ્યાઓ 
બતાવતા જાય છે,”જુઓ,આ સમુદ્ર પરનો પુલ,અને આ રામેશ્વર કે જેની મેં સ્થાપના કરી હતી”
તીર્થરાજ-પ્રયાગ આગળ ભરદ્વાજ મુનિના આશ્રમ આગળ વિમાનને ઉતારી સૌએ ત્યાં મુકામ કર્યો.
અને ત્રિવેણીમાં સ્નાન કર્યું.શ્રીરામ-ને જોઈ સૌ આશ્રમ-વાસીઓ આનંદમાં આવી ગયા.
તેમણે જયઘોષ કર્યો.”સિયાવર રામચંદ્ર કી જય” 

લંકા (યુદ્ધ) કાંડ સમાપ્ત


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE