Aug 27, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૧

(૧૭) તૃષ્ણા ઉપર ધિક્કાર

રામ બોલ્યા-આ સંસાર માં વિવેક-આદિ ને,તૃષ્ણા (અંધારાની જેમ) ઢાંકી દે છે,ને ત્યારે
(જીવ-રૂપ આકાશમાં) રાગ-દ્વેષ (ઘુવડ ની જેમ ઉડતા) જોવામાં આવે છે.
મારી અંદર દાહ-આપનારી તૃષ્ણાએ મારા આનંદ ને અને કુણા-પણા ને સુકવી,મને કઠિન બનાવી દીધો છે.

મનમાં અનેક ગરબડો મચાવતી તૃષ્ણા,મને ઘુમરીએ ચડાવવા પુરા બળથી ને ઉલ્લાસથી ઉછળી રહે છે.
અને મારા દેહ (રૂપી પર્વતમાં નદી ની જેમ) માં એક સ્થળે થી બીજા સ્થળે તે તૃષ્ણા વહ્યા કરે છે.
વિવેક-વૈરાગ્ય-વગેરે ગુણો મેળવવા હું જે જે કરવા ઉત્સાહ કરું છું તે ઉત્સાહને,તૃષ્ણા કાપી નાખે છે.ને હું ચિંતા-રૂપી ચક્રમાં ભમ્યા કરું છું.

જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની માફક તૃષ્ણા-રૂપી જાળમાં,હું ગુંચવાયો છું,અને
આ તૃષ્ણા નામની જવાળાથી હું એવો તો બળી ગયો છું કે-
હવે મને અમૃત થી પણ એ બળતરા શાંત થાય તેમ લાગતી નથી.

આ તૃષ્ણા કાળી રાત્રિ ની પેઠે,ધીર પુરુષને પણ બીવડાવે છે,ને દેખતાને આંધળો કરી મૂકે છે.
આનંદી મનુષ્ય ને ઉદાસ કરી દે છે.
તૃષ્ણા,કાળી નાગણની માફક કુટિલ છે,કૂણા સ્પર્શ-વાળી છતાં ઝેર ભરેલી છે,
ને જરા સ્પર્શ થતાં કરડી ખાય છે.તે કંગાળ,ઠગાઈ ભરેલ કાર્યો કરે છે ,ને દુર્ભાગ્યને  લાવે છે,

જેમ ચપળ પક્ષીણી,પડી ગયેલા ઝાડ ને છોડી,બીજા ઉભેલા ઝાડ પર જાય છે,
તેમ,ચપળ તૃષ્ણા પડતીમાં આવેલા પુરુષ ને છોડી,ચડતીવાળા પુરુષ પાસે જાય છે.
આ તૃષ્ણા (રૂપી ચપળ વાંદરી) ન પહોંચી શકાય તેવા સ્થાનમાં પણ પહોંચી જાય છે,
અને ધરાયા છતાં વધુ –ને વધુ માગ્યે જાય છે.

એક ના એક સ્થળે તે,તૃષ્ણા બહુ વાર સુધી ટકતી નથી,અને દૈવ (ભાગ્ય) ની ગતિ ની પેઠે,
એક અવળું કામ કરીને બીજું અવળું કામ કરવા દોડે છે.ને નિરંતર આવા અવળા કામોમાં તત્પર રહે છે.

સંસાર સંબંધી, સઘળા દોષોમાં એક તૃષ્ણા જ લાંબુ દુઃખ દેનારી છે.
મનુષ્યને અતિ સંકટમાં નાખી,પરમ પ્રકાશને રોકી,મોહ ને ફેલાવી,અતિ જડતા અર્પે છે.અને
સંસારમાં વ્યવહાર કરનારા જીવોનાં મન ને એક લાંબી દોરીથી-એકસાથે બાંધી જકડી રાખે છે.

જ્યાં સુધી તૃષ્ણા-રૂપી રોગ લાગુ રહે છે,ત્યાં સુધી લોકો નું ચિત્ત ભ્રમિત થાય છે,ને મનમાં મુંઝાયા કરે છે,
પણ જો ચિંતાને છોડી દેવામાં આવે તો,આ લોકો નાં સઘળાં દુઃખ ટળી જાય છે,
એટલે ચિંતા ને છોડી દેવી તે જ –આ તૃષ્ણા-રૂપી રોગ નો મંત્ર (ઈલાજ) છે.

કષ્ટ થી કપાય,એવી આ તૃષ્ણા ને મહા-બુદ્ધિમાન પુરુષો વિવેક (રૂપી તલવાર) થી કાપી નાખે છે.
કારણ કે,ચંચળ,અને (ભુવનોમાં) સઘળે વ્યાપ્ત,અને અતિ-નિકટ હોય છતાં,ન દેખાય તેવી,
આ તૃષ્ણા,મનુષ્ય ભલે ને,દૃઢ,જ્ઞાનવાન,શૂરવીર,ધીર –હોય પણ,તેવા નરોત્તમને પણ,
એક પલકારામાં તરણાના તોલ નો (નકામો) કરી નાખે છે.
    INDEX PAGE
     NEXT PAGE