Aug 28, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૨

(૧૮) દેહની નિંદા
  
રામ કહે છે-કે- અનેક વિકાર-વાળો,લોહી ની નાડીઓ થી વ્યાપ્ત,અને (વિષ્ઠાવાળા) આંતરડાથી ભરેલ,
એવો જે દેહ,આ સંસારમાં આવે છે-તે કેવળ દુઃખ ને માટે જ આવે છે.

એ “દેહ” - “જડ” છે,છતાં, “આત્મા”  ના અધ્યાસ-રૂપ-ચમત્કાર નું (ચમત્કાર જેવું) પાત્ર હોવાને લીધે –
એ (દેહ) તે “આત્મા” જેવો જણાય (લાગે) છે.
થોડો વિચાર કરતાં લાગે છે-કે-તે મુક્તિ ના કારણ-રૂપ હોવાને લીધે “ઉત્તમ”  છે,
ને નર્ક ના કારણરૂપ હોવાને લીધે “અધમ” છે.
વળી તે બીજા જડ-પદાર્થો જેવો “જડ”પણ નથી,અને “ચેતન” પણ નથી.

ચંચળ,અવિવેકી, અને અશુદ્ધ ચિત્તવાળો –મૂર્ખ –મનુષ્ય જ, એ “દેહ” ને  “આત્મા-રૂપ” દેખે છે.
પણ,આ દેહ થોડી વારમાં આનંદ પામે છે,અને થોડીવારમાં આનંદ વગરનો (ખેદ-યુક્ત) થઇ જાય છે.
જયારે આત્મા તો સદાય “સત્-ચિત્-આનંદ” સ્વરૂપ છે. (એટલે દેહ એ આત્મા નથી)
આવા દેહ (શરીર) ને પીપળા ના ઝાડ,વન,ઘર,કાચબો,દેડકો,પાંદડું,સમુદ્રમાં તણાતું લાકડું-વગેરે સાથે વિગત થી સરખામણી કરતાં રામ કહે છે કે-આ દેહ-રૂપી “ઘર” (અને વન) મને ગમતું નથી.

જેમ,કાદવ માં ખૂંચી ગયેલા હાથી ને કોઈ થોડા બળ વાળો બહાર કાઢી શકે નહિ,
તેમ,આ સંસારના અનંત તાપોમાં ખૂંચી ગયેલા મારા શરીર ને હું બહાર કાઢી શકતો નથી.
ત્યારે લક્ષ્મી,રાજ્ય,ક્રિયા,કર્મ –વગેરે કશું કામમાં આવતું નથી,
અને ગણેલા દિવસોમાં કાળ (મૃત્યુ) આ સઘળાં ને કાપી નાખે છે.
હે,મુનિ,લોહી-માંસ થી ભરેલી આ કાયામાં વળી શું રમણીયતા છે?
પાળી-પોષી ને મોટાં કરેલાં શરીરો,મરણ વખતે જીવ (આત્મા) ની સાથે જતાં નથી,તો
એવાં કૃતઘ્ન શરીર પર કયા બુદ્ધિમાન ને આસ્થા હોય?

ઘણા લાંબા સમય સુધી,ખાઈ-પી ને,છેવટે,તો દેહ દુબળો થઇ ને મરણ ને જ પામે છે.
અને એનાં-એ-જ આવ્યા કરતાં ને જતાં રહેતાં- સુખ-દુઃખો ને  વારંવાર અનુભવવા છતાં,
આ પામર દેહ ને લાજ પણ આવતી નથી.
જે દેહ, લાંબા સમય સુધી ના ઐશ્વર્ય ને ભોગવીને તથા લક્ષ્મી ને સેવી ને પણ –
ઉત્કર્ષ પામતો નથી-કે અવિનાશી-પણું પણ પામતો નથી,તો –તેને શા માટે પાળવો જોઈએ?

ભોગી ના કે દરિદ્રના –એ બંને ના દેહ તો સરખા જ છે-
કારણ કે તે ઘડપણના સમયમાં ઘરડા થાય છે અને મરવાના સમયમાં મરી જાય છે-
આમ જે (દેહ) ને ગુણ-અવગુણ નું પણ જ્ઞાન નથી-તો- તેવા દેહ ને શું કામ પાળવો જોઈએ?

આ દેહ પોતાની ચપળતાથી અનેક ક્રિયાઓ કરે છે,પણ તે નિષ્ફળ થાય છે,
ને છેવટે તો તે માટીમાં જ મળી જાય છે-આ વાત કેમ કોઈના જાણવામાં આવતી નથી?
વાયુ-દીવો-અને મન –વગેરે જાય છે ને આવે છે-તે ગતિ જાણવામાં આવે છે –પણ-
શરીર જાય છે ને આવે છે-તેની ગતિ તો કદી જાણવામાં આવતી નથી,તો પછી-
“મોહ-રૂપી-મદિરા” પી ને ઉન્મત્ત થઈને –
આ શરીર અને જગત ની “સ્થિતિ” પર જે વિશ્વાસ રાખે છે-તેને વારંવાર ધિક્કાર હો.

હે,મુનિ,”હું દેહ નથી,હું દેહનો નથી અને દેહ મારો નથી” એવી સમજણથી જેઓનાં ચિત્ત-
વિશ્રાંતિ પામ્યાં છે-તેઓ પુરુષો માં ઉત્તમ છે.

આ દૃશ્ય જગતમાં કશું જ સાચું નથી,(જગત મિથ્યા છે)
તો તે જગતમાં જ રહેલું આ અભાગિયું (મિથ્યા) શરીર લોકો ને ઠગે છે-એ આશ્ચર્ય છે.
જેમ,સમુદ્રમાં (ફેણના) પરપોટા આવી ને થોડી જ વારમાં નાશ પામે છે-
તેમ, આ કાયા (દેહ) પણ ઉત્પન્ન થઇ ને પલકવારમાં નાશ પામે છે.તો-
તેવા અવશ્ય નાશ પામનારા દેહમાં મને ક્ષણ-ભાર પણ આસ્થા નથી.
અને પ્રબળ દોષો થી ભરેલા આ દેહ ને તરણા જેવું તુચ્છ સમજી ને હું  સુખી રહું છું.



    INDEX PAGE
     NEXT PAGE