Apr 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-141



આતિવાહિક ના અભ્યાસથી આધિભૌતિકપણા ની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.અને
તે આધિભૌતિકતા શાંત થયા પછી પ્રથમની પાછી -આતિવાહકપણાની બુદ્ધિ પ્રવૃત્ત થાય છે.

તે સમયે નિર્મળ બોધ (જ્ઞાન) થવાથી,સ્વપ્ન ના મનુષ્ય ની પેઠે-દેહ નું ભારે-પણું,કઠિન-પણું -એવી
રીતો નો ખોટો આગ્રહ શાંત થાય છે.
તેથી સ્વપ્નમાં "આ મારું સ્વપ્ન નું શરીર છે" એવું જ્ઞાન થવાથી-જેમ સ્વપ્ન નું શરીર હલકું થઇ જાય છે,
તેમ તે યોગીનો દેહ (આ દેહ સ્વપ્ન ના જેવો ખોટો છે-એમ જ્ઞાન થવાથી) આકાશમાં જવાને યોગ્ય થાય છે.

જેનો "આત્મા" ઘણા વખતના "સંકલ્પ-રૂપ દેહ" વિષે પરિણામ પામેલો (બનેલો) છે,અને
જેને તે (દેહ) માં જ "સ્થિતિ" કરવાની ઈચ્છા છે-તે અજ્ઞાની મનુષ્ય નો દેહ શબ થઈને (છેલ્લે) બળી જાય છે.
ત્યારે તેને (પણ) પ્રથમ ના "સૂક્ષ્મ દેહ" ની પ્રાપ્તિ થાય છે---તો પછી---
જ્ઞાનવાન અને વાસના વિનાના યોગીને,અત્યંત બોધ થવાથી,જીવિત દશામાં જ-અવશ્ય થનારો તે-
"સૂક્ષ્મ દેહ" પ્રાપ્ત થાય જ.(એમાં શું નવાઈ?)

"હું સંકલ્પાત્મા છું અને સ્થૂળઆત્મા નથી" એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે-ત્યારે બોધ થવાથી યોગીનો દેહ,
સ્વેચ્છા-વિહાર (પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર) કરવાને યોગ્ય થાય છે.
ત્યારે દોરીમાં સર્પ ની ભ્રાંતિ ની પેઠે-આ દેહ વગેરે બધું ભ્રાંતિ રૂપ જણાય છે,-અને-
એ ભ્રાંતિ (દેહ) નો નાશ થવાથી શું નાશ પામ્યું?ને તે (દેહ) ની ઉત્પત્તિ થવાથી શું ઉત્પન્ન થયું?

રામ બોલ્યા-હે,પ્રભુ,શબ ની પાસે રહેલી (નવી) લીલા ત્યાં આવેલી લીલાદેવી ને જોઈ શકતીનથી,પણ
જો ત્યાં રહેલાં માણસો તેને જુએ તો તેઓ શું સમજે?

વશિષ્ઠ કહે છે કે-જો ત્યાં રહેલા માણસો તે લીલાને જુએ તો એમ સમજે કે-આ દુઃખી રાણી આ ઠેકાણે રહેલી છે અને આ તેની કોઈ સખી બીજે ઠેકાણેથી આવેલી છે.
પણ તે કોણ છે? ક્યાંથી આવી છે? એવો તેમના મનમાં સંદેહ થતો નથી,કારણકે વિચાર-રહિત મનુષ્ય,
અવિવેકી પશુ ની પેઠે,પ્રથમ જોયેલા પદાર્થ ને અનુસરીને જ વ્યવહાર કરે છે.
જેવી રીતે ભૂખરો પથ્થર (પોચો પથ્થર) ઝાડ પર પછાડવાથી -તે ઝાડને કાપ્યા વગર જ ભૂકો થઇ જાય છે,
તેમ ગાડરિયા પ્રવાહ વાળા અજ્ઞાની મનુષ્યો પણ કંઈ વિચાર કરતા નથી.

સ્વપ્ન માં જોયેલું શરીર અસત્ય હોવાથી,જાગ્રત-અવસ્થા થયા પછી તે સ્વપ્ન નું શરીર ક્યાં જાય છે તેની
ખબર પડતી નથી,તેમ જ્ઞાનનો ઉદય થવાથી આધિ-ભૌતિક દેહનો ક્યાં નાશ થાય તેની ખબર પડતી નથી.

રામ કહે છે કે-હે ભગવન,તો પછી-સ્વપ્ન નું શરીર જાગ્રત અવસ્થા થયા પછી ક્યાં જાય છે?

વશિષ્ઠ કહે છે કે-પવન થી થયેલ સ્ફુરણા -પવન મટ્યા પછી (બંધ થયા પછી) જેમ પવન માં જ લય પામે છે,
તેમ સ્વપ્નમાં તેમ જ સંકલ્પમાં જોયેલા પર્વત-વગેરે પદાર્થો -જીવ ના જ્ઞાન માં જ લય પામી જાય છે.
જેમ,વાયુ નું સ્ફુરણ-પણું (વાયુ નું વાવું) સ્ફુરણા-રહિત (સ્થિર)  વાયુમાં પ્રવેશ કરે છે,
તેમ,સ્વપ્ન ના પદાર્થ સંવિત (સત્ય) ના "મળ-રૂપ" અજ્ઞાન માં પ્રવેશ કરે છે.
આ પ્રમાણે કોઈ સમયે-કર્મવશ થી સંવિત (સત્ય) જ સ્વપ્નના પદાર્થ-રૂપે પ્રકાશે છે.અને
સ્વપ્ન દૂર થયા પછી તે-એકત્વ-પણા ને પામી જાય છે.
દ્રવ્ય (પ્રવાહી) અને પાણી -એ બે જુદાં નથી તેમ વાયુ અને સ્ફુરણ (પવન) એ જુદા નથી.અને
તે જ પ્રમાણે સંવિત (સત્ય) અને સ્વપ્નના અર્થ એ બે જુદા નથી.
પણ તેમાં જે જુદા-પણું જણાય છે-તે અજ્ઞાન જ છે અને તેને "સંસૃતિ" કહે છે.
આ સંસૃતિ એ મિથ્યા (ખોટા) જ્ઞાનથી ઉત્પન્ન થયેલી છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE